વધુ એક ધારાસભ્યની વિદાય:કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોષીયારાનું 69ની વયે અવસાન, બે મહિનાથી હતા કોરોના સંક્રમિત

અમદાવાદ5 મહિનો પહેલા

બે મહિનાથી કોરોના સંક્રમિત પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું છે. આમ ડો.આશાબેન પટેલ બાદ વધુ એક ધારાસભ્યની વિદાય થઈ છે. જોષીયારાના નિધન પર ગુજરાત કોંગ્રેસે શોક વ્યક્ત કર્યો છે.

ડો.અનિલ જોષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.

સ્વ. ડો. અનિલ જોષીયારા એક જાગૃત જનપ્રતિનિધિઃ રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભિલોડા મતક્ષેત્રના ધારાસભ્ય શ્રી ડો. અનિલ જોષીયારાના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલે સદ્ગતને શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું છે કે સ્વ. ડો. અનિલ જોષીયારા એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે હંમેશાં યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા સદ્ગતના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલાં દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી છે.

કોંગ્રેસનો શોક સંદેશ
કોંગ્રેસનો શોક સંદેશ

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત ક્ષેત્રના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચન્નઈ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન હતા
24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.

1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...