સ્થાનિક પ્રશ્ને વિરોધ:લાંભામાં રોડ, સ્મશાન અને તળાવના વિકાસના મુદ્દે કોંગ્રેસ અને સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં હલ્લાબોલ કર્યો

અમદાવાદ5 મહિનો પહેલા
કોંગ્રેસ દ્વારા પ્રાથમિક સુવિધા માટે આવેદન અપાયું
  • કોંગ્રેસ અને સ્થાનિક લોકોએ અધિકારીને આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવા જણાવ્યું

અમદાવાદના લાંભા વોર્ડના સ્થાનિક પ્રશ્નોને લઈ આજે બપોરે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકોએ નારોલ ગામમાં આવેલી લાંભા વોર્ડની ઓફિસે વિરોધ કર્યો હતો. શાહવાડીમાં રોડના પ્રશ્નો, નારોલ ગામના તળાવ અને લાંભા ઈન્દિરાનગરના સ્મશાનના વિકાસને લઈ તેઓએ વિરોધ કર્યો હતો. લાંભા વોર્ડમાં પાયાની સુવિધાનો અભાવ છે. જેથી કોંગ્રેસે આજે વોર્ડના અધિકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક સુવિધા આપવા માગ કરી હતી.

10 વર્ષથી સ્મશાન બિસ્માર હાલતમાં
લાંભા વોર્ડના કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકર્તાઓએ આજે બપોરે વોર્ડ ઓફિસમાં આવેદનપત્ર આપી માંગ કરી હતી કે લાંભા વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી સ્મશાન બિસ્માર હાલતમાં છે. ઈન્દિરાનગર 1-2માં નવી જગ્યા ફાળવી અને અત્યાધુનિક સ્મશાન બનાવવામાં આવે. શાહવાડી વિસ્તારમાં મોતીપુરા ચાર રસ્તાથી સૈજપુર ગામને જોડતો રોડ પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં હોય તેને નવો બનાવવામાં આવે ઉપરાંત નારોલ ગામના તળાવનો વિકાસ કરવા માગ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ લાંભા વોર્ડ સાથે ઓરમાયું વર્તન રખાતુ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

સ્થાનિકો સાથે કોંગ્રેસ કાર્યકરો લાંભા વોર્ડ ઓફિસ દોડી ગયા હતા
સ્થાનિકો સાથે કોંગ્રેસ કાર્યકરો લાંભા વોર્ડ ઓફિસ દોડી ગયા હતા

સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તા ધરણા પર બેઠા
સ્થાનિક પ્રશ્નોને ઈજનેર ખાતા દ્વારા ન્યાય ન આપવામાં આવતા નારોલ ગામની ઓફિસ ખાતે સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, 7 દિવસમાં પ્રજાના પ્રશ્નોનો ઉકેલ જો નહીં લાવવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આંદોલન કરશે.