કોંગ્રેસમાં બધું ઠીક નથી!:PM મોદીને મળ્યાના 21 દિવસમાં કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટનું રાજીનામું, સોનિયા ગાંધીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્વેતા બ્રહ્મભટ્ટની ફાઈલ તસવીર (સૌજન્ય: ફેસબુક) - Divya Bhaskar
શ્વેતા બ્રહ્મભટ્ટની ફાઈલ તસવીર (સૌજન્ય: ફેસબુક)
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
  • શ્વેતા બ્રહ્મભટ્ટે સોનિયા ગાંધીને પત્ર લખી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા

ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ સામે ઘણા સમયથી નારાજગીના સૂર ઉઠી રહ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ટોચના નેતૃત્વથી નારાજ છે તે વાત જગજાહેર છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસે વધુ એક નેતા ગુમાવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસના મહિલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ શ્વેતા બ્રહ્મભટ્ટે રાજીનામું આપવાનું કારણ સાથે સોશિયલ મીડિયામાં પત્ર શેર કર્યો છે, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસમાં પોતાની અવગણના તથા પાર્ટીના કેટલાક નેતાઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.

18 એપ્રિલે PM મોદી સાથે મુલાકાત કરી હતી
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મી એપ્રિલે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની હતી. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યાં હતાં. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.

PM મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેમના પિતાની તસવીર
PM મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેમના પિતાની તસવીર

કોંગ્રેસે મણિનગર બેઠક પર સીધી ટિકિટ આપી હતી
અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસના 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતાએ હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસે તેમને સીધી ટિકિટ આપી હતી.

શ્વેતા બ્રહ્મભટ્ટે સોનિયા ગાંધીને મોકલેલું અક્ષરશઃ રાજીનામું

આ સાથે હું કોંગ્રેસ પક્ષમાં AICC પર ના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું: 9 મે 2022 શ્રીમતી. સોનિયા ગાંધી, પ્રેસિડેન્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, 24 અકબર રોડ, નવી દિલ્હી 110011

પ્રિય શ્રીમતી સોનિયા ગાંધીજી,

હું આ સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. 2017માં રાહુલ ગાંધીજીએ મને મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશવાની જે તક આપી તેના માટે હું તેમની આભારી છું. તેમણે મારા જેવા યુવા, શિક્ષિત મહિલાને પાર્ટીનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કર્યા. વિચાર કોંગ્રેસને પુનઃજીવિત કરવાનો હતો અને ધીમે ધીમે પાર્ટીની અંદરના સડા ને બહાર કાઢવાનો હતો. હું જે વિઝન સાથે જોડાઈ હતી તે દેશના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનો હતો. ચુંટણી લડવાનું નક્કી કરતા પહેલા મેં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી અને રાજનીતિને લઈને મારી જે પણ આશંકા હતી તે વ્યક્ત કરી હતી.

મને કહેવામાં આવ્યું હતું કે, ફ્રન્ટથી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે મારા જેવાજ યુવા, સારા ઘરોમાંથી આવવાવાળા દૂરંદેશી મહિલાઓની જરૂર છે. મણિનગરથી વિધાનસભાની ચુંટણી લડવાના મારા વિચાર ને ફરી વખત વિચારી લેવા કહ્યું, પણ પરિણામની ચિંતા કર્યા વગર એ પડકાર સ્વીકાર્યો, કારણ કે મારી પાસે લાંબા ગાળાના વિચારો હતો અને પક્ષમાં રચનાત્મક રીતે યોગદાન આપવાની યોજના હતી. દરેક વ્યક્તિ જાણે છે કે મણિનગર એક પડકારજનક બેઠક હતી, છતાં મેં મારી પાસે જે શ્રેષ્ઠ હતું તે આપ્યું અને માર્જિન ઘટાડ્યું અને પાર્ટીનો વોટ શેર વધાર્યો. મેં પ્રજામાં પક્ષ ની છવી બદલવાનું કામ કર્યું. આ ઇલેક્શન હું ભાજપ સામે નહીં પણ કોંગ્રેસ સામે એકલા હાથે લડી. અને તે દિવસથી આજ સુધી પાર્ટીના એ સ્થાપિત હિત અને વિચારધારા સાથે લડી રહી છું જે ન તો કોંગ્રેસ તરફી છે કે ન તો ભારત તરફી.

જોડાતાં પહેલાં મને પાર્ટી વિશે અને ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતા વિશે જે પણ કહેવામાં આવ્યું હતું, તેમાંની એકપણ કામગીરી થઈ નઈ. કમનસીબે, કેન્દ્રીય નેતૃત્વ રાજ્ય કોંગ્રેસની અંદરના સડાને સમજવામાં નિષ્ફળ છે અને તેમાં ફેરફાર કરવાની અને 360 ડિગ્રી ફેરફારો લાવવાની હિંમતનો તેમનામાં અભાવ છે.

મેં રાહુલ ગાંધીજી સહિત ટોચના નેતાઓને અસંખ્ય ઈમેલ લખ્યા છે, જેમાં આપણે વસ્તુઓ કેવી રીતે બદલી શકીએ તે અંગે મારા અનુભવો અને સૂચનો શેર કર્યા છે. હું ઉલ્લેખ કરીશ કે ઘણા રાષ્ટ્રીય નેતાઓએ મારા વિશે હંમેશા પ્રોત્સાહક વાતો કહી છે અને મને પ્રેરણા પણ આપી છે, પરંતુ હું માનું છું કે જ્યાં સુધી પરિવર્તન જમીન પર નહીં આવે અને સામૂહિક પ્રયાસો કરવામાં નહીં આવે, ત્યાં સુધી દ્રષ્ટિ માત્ર બંધ દરવાજા પાછળની બૌદ્ધિક ચર્ચાઓ સુધી મર્યાદિત રહેશે. હું એક પછી એક ચૂંટણીની રાહ જોતી હતી કે પરિવર્તન આવશે અને સ્થિતિ બદલાશે, પરંતુ દરેક ચૂંટણી પછી જે લોકોએ પાર્ટીને ખુલ્લેઆમ નુકસાન પહોંચાડ્યું તેમને પ્રમોટ કરવામાં આવ્યા.

જો મારો રાજીનામાં આપવાનો નિર્ણય સાચો છે કે કેમ તેની મને થોડીક પણ શંકા બાકી હતી, તો તે વડા પ્રધાન શ્રી મોદીજી સાથેની મારી મુલાકાત પછી પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનો (વરિષ્ઠ મહિલા આગેવાન સહિત)ની ટિપ્પણીઓ દ્વારા તે સ્પષ્ટ થઈ ગયું હતું કે હું યોગ્ય નિર્ણય લઈ રહી છું. અસંતોષ વ્યક્ત કરવો એ એક બાબત છે પરંતુ તેને વ્યક્ત કરવા માટે તમે જે ભાષાની પસંદગી કરો છો, તે સામેવાળા કરતા એક વ્યક્તિ તરીકે તમારા વિશે ઘણુંબધું કહી જાય છે. આ એ જ લોકો છે જેમને જ્યારે હું પાર્ટીમાં જોડાઈ ત્યારે મારાથી સમસ્યાઓ હતી, આ એ જ લોકો છે જેઓ જ્યારે પણ મને પાર્ટીમાં કોઈ કામ સોંપવામાં આવે ત્યારે સતત તેમનું નાનું રાજકારણ રમતા હતા, અને હવે એ જ લોકો જે ખરેખર ખૂબ ખુશ છે કે હું છોડી રહી છું. પરંતુ હું તેમને દોષ નથી આપતી, હું leadership ને પ્રશ્ન કરું છું જેમણે તેમને ફ્રી પાસ આપ્યા છે. આ ચાલુ રહ્યું, તો તમે ક્યારેય પણ સારા લોકોના પક્ષ સાથે જોડાવા અને કોઈપણ રીતે યોગદાન આપવાની અપેક્ષા ના રાખી શકો. તે સમજવાનો સમય પાકી ગયો છે.

છેલ્લા વર્ષોમાં ઘણા શિક્ષિત યુવાનો એ મારા થી પ્રેરણા લઈને મારી સાથે પક્ષમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પણ હું તેમને શું કહેતી? હું તેમને પાર્ટીમાં કોને મેળવતી? તમે ઘણા યુવાઓને નિરાશ કર્યા છે જેઓ આ દેશ માટે ઘણી બધી આકાંક્ષાઓ સાથે સક્રિય રાજકારણમાં જોડાવા ઈચ્છે છે; જેમના ખભા પર આ દેશના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ છે. મારે બીજી ઘણી વાતો કહેવાની છે. પરંતુ મેં આશા ગુમાવી દીધી છે કે મારા શબ્દોની કોઈ અસર થશે.

પક્ષના અંદરના એ તમામ કાર્યકરોનો હું આભાર માનું છું જેમણે હમેશાં મારામાં વિશ્વાસ દાખવ્યો. એ સીનિયર નેશનલ નેતાઓ કે જે મને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરવા જોવા માંગતા હતા, તેમને હું દિલગીર છું. આ કાગળ હું તેમના જેવાજ પક્ષના અંદર અને બહાર ના મારા શુભેચ્છકો માટે લખી રહી છું કારણ કે આ એ લોકો છે જેમણે મારામાં વિશ્વાસ કર્યો, જેમણે મને પ્રોત્સાહિત કરી અને જેઓ હમેશાં મારી પડખે ઊભા રહ્યા, અને તેઓને જાણવાનો અધિકાર છે કે મેં જે કર્યું તે શા માટે કર્યું. હું આપની સારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરું છું.

न कालमतिवर्तन्ते महान्तः स्वेषु कर्मसु ॐ नमः शिवाय આભાર સાથે, આપની, શ્વેતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ.

અન્ય સમાચારો પણ છે...