જાણીતા ગુજરાતી લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. 'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરાજ સિંહે બીજેપીમાં નવા જોડાયેલાં વિજય સુવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને કહ્યું કે "ભુવાજી ને ભાજપમાં મજા આવશે કારણ કે ત્યાં ડાકલા વગાડવા વાળા ખૂબ લોકો છે".
ભાજપે જ તોડી પોતાની ગાઈડલાઈન
કોરોનાની ત્રીજી લહેરના સંકટ વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં 150 લોકોની જ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપને અલવિદા કર્યાના ગણતરીના કલાકમાં લોકગાયક અને નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાવવા આવ્યા હતા. ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં 200થી વધુ કાર્યકરો અને આગેવાનોની એક જ હોલમાં હાજરી જોવા મળી હતી. લોકો માટે નિયમ હોય છે ત્યારે નેતાઓ માટે કેમ નિયમ નહીં તેવી લોકચર્ચા થઈ રહી છે.
સુવાળા ભાજપનો ખેસ પહેર્યો અને ટોળા પણ લઈ ગયા
વિજય સુવાળા અમદાવાદથી કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. ઉપરાંત કમલમ ખાતે અગાઉથી અનેક કાર્યકરો હાજર હતા. કમલમના હોલમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિજય સુવાળાને ભાજપનો કેસરિયો પહેરાવ્યો હતો. ત્યારે હોલમાં સ્ટેજની નીચેની જગ્યામાં જ 180થી વધુ કાર્યકરો અને મહેમાનો હાજર હતા ઉપરાંત સ્ટેજની ઉપર પણ 20થી વધુ કાર્યકરો અને નેતાઓ હાજર હતા. આમ સમગ્ર કાર્યક્રમમાં 200થી વધુ લોકો હાજર હતા.
ઈસુદાન સુવાળાને મનાવવા ગયા હતા
નોંધનીય છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.