OBCમાં સમાવવા માગ:કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરતાં તો ભાજપના નેતા વરુણ પટેલે ખોંખારીને કહ્યું, પાટીદારોને OBCમાં સમાવવા જ જોઈએ

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • હાર્દિક પટેલ, રેશમા પટેલ, વરુણ પટેલ, લાલજી પટેલ, અલ્પેશ કથીરિયા, નિખિલ સવાણી સાથે DBની વાતચીત
  • હાર્દિક પટેલે ગોળ ગોળ જવાબ આપ્યા, તો અન્ય નેતાઓએ સીધું ને સટ કહ્યું, પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ

લોકસભા અને રાજ્યસભામાં OBC(અન્ય પછાત વર્ગ) સંબંધિત સંશોધન બિલ પસાર થઈ ગયું છે. બંધારણમાં 127મા સુધારા માટે રજૂ થયેલા આ બિલમાં રાજ્યોને પોતાની રીતે OBC યાદી નક્કી કરવાની સત્તા પરત આપવાની જોગવાઈ છે. આ સાથે જ ગુજરાતમાં પાટીદારોને OBCમાં સમાવવા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પાટીદાર નેતાઓ હવે પાટીદારોને OBCમાં સામેલ કરવાની માગ કરવા લાગ્યા છે. ત્યારે 2015માં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હાર્દિક પટેલથી લઈ અલ્પેશ કથીરિયા સાથે સાથે DivyaBhaskarએ વાતચીત કરી હતી.

હાર્દિક પટેલ: તમામ સમાજનો સર્વે કરી OBCમાં સમાવી લેવા જોઈએ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ મામલે જણાવ્યું હતું કે અમે 2018માં અરજી કરી હતી અને પાટીદારને કયા કારણસર અનામત મળવી જોઈએ એનો ઉલ્લેખ કર્યો હતો. હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા OBC અનામત આપવાની વાત આવે છે ત્યારે માત્ર પાટીદાર જ નહીં, અન્ય સમાજના લોકો જે બિન-અનામત છે એ તમામનો સર્વે હાથ ધરાવો જોઈએ. ત્યાર બાદ OBCમાં તેમને આવરી લેવા જોઈએ.

રેશમા પટેલ: પાટીદારને વધુ લાભ મળે એ માટે OBCમાં સમાવવા જોઈએ
NCPનાં નેતા રેશમા પટેલે કહ્યું હતું કે હું વ્યક્તિગત રીતે ઈચ્છું છુ કે પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ. અત્યારે EBC(ઈકોનોમિકલ બેકવર્ડ ક્લાસ) છે, પણ એમાં ઘણી સમસ્યા છે. ત્યારે પાટીદારને વધુ લાભ મળે એ માટે OBCમાં સમાવવા જોઈએ, જેની સાથે કોઈને નુકસાન પણ ન થવું જોઈએ.

વરુણ પટેલઃ EBC છે પણ પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ
ભાજપના નેતા વરુણ પટેલે કહ્યું હતું કે હું ચોક્કસ માનું છું કે પાટીદારને OBCમાં સમાવવા જ જોઈએ. હવે સર્વે થવો જોઈએ અને પાટીદારોને OBCમાં સમાવીને તેમને વધુ હક્ક મળવા જોઈએ. અત્યારસુધી EBC છે, પણ પાટીદારોને OBCમાં સમાવવા જોઈએ.

લાલજી પટેલ: અમારી પહેલેથી જ અનામત માટેની માગણી હતી
પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા લાલજી પટેલે જણાવ્યું હતું કે અમારી પહેલેથી જ અનામત માટેની માગણી હતી. અમે અનામત મળે એ માટે પ્રયાસો પણ કર્યા છે. હવે પાટીદારને OBCમાં સમાવવા જોઈએ. એ માટે પ્રયાસ પણ કરી રહ્યા છીએ.

અલ્પેશ કથીરિયા: પાટીદારોનો OBCમાં સમાવેશ કરવો જોઈએ
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે મારી સાથે બધા જ લોકોએ અનામત માટે આંદોલન કર્યું છે. હું ઈચ્છું છું કે પાટીદારોનો OBCમાં સમાવેશ કરવો જોઈએ. માત્ર પાટીદાર જ નહીં, એવા અન્ય સમાજ કે જેમને OBCમાં સમાવવાની જરૂર છે તેમનો પણ સર્વે થવો જોઈએ, જેના આધારે OBCમાં સમાવેશ કરવામાં આવે.

નિખિલ સવાણીઃ અનામતના હકદાર તમામ સમાજને આવરી લેવામાં આવે
આમ આદમી પાર્ટીના નેતા નિખિલ સવાણીએ કહ્યું હતું કે હું માનું છું કે સર્વે કરવામાં આવે અને એમાં એવા તમામ સમાજને પણ આવરી લેવામાં આવે, જે ખરેખર અનામત માટે હકદાર છે. હું ઈચ્છું છું કે પાટીદારને પણ અનામતમાં સમાવી લેવામાં આવે.

ગુજરાતમાં શું છે અનામતની સ્થિતિ?
ગુજરાતમાં હાલ સામાજિક અને શૈક્ષણિક પછાત, એટલે કે એસઇબીસી અથવા ઓબીસી કક્ષામાં કુલ 146 જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ સમાવિષ્ટ છે. આ તમામ જ્ઞાતિઓ માટે કુલ બેઠકો કે જગ્યાઓ પૈકી 27 ટકા અનામત પ્રાપ્ય છે. અનુસૂચિત જાતિની 36 જ્ઞાતિ અને પેટાજ્ઞાતિઓને 7.5 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે, જ્યારે 32 અનુસૂચિત જનજાતિની જ્ઞાતિઓને 15 ટકા જેટલી અનામત મળવાપાત્ર છે. કુલ મળીને આ અનામતનો આંકડો 50 ટકા ઉપરાંત ન હોવો જોઇએ, જ્યારે બાકીની 50 ટકા પૈકી 10 ટકા જેટલી બેઠકો સરકારે જાહેર કરેલી બિનઅનામત જ્ઞાતિઓ પૈકી આર્થિક પછાત લોકો માટે અનામત રહે છે.

રાજ્યમાં 2015થી કુલ વસતિના 12થી 14 ટકા પ્રમાણ ધરાવતા પાટીદારો અનામત માટે આંદોલન કરી રહ્યા છે. મે 2016માં ગુજરાત સરકારે આર્થિક પછાત વર્ગના લોકો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. પાટીદારોએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. બાદમાં હાઇકોર્ટે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો.