પાર્કિંગ પોલિસી મુદ્દે આક્ષેપ:AMCના ભાજપના શાસકોએ શહેરના નાગરિકોને ખૂલ્લેઆમ લૂંટવાની નીતિ બનાવી: કોંગ્રેસ નેતા દિનેશ શર્મા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા - Divya Bhaskar
કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા
  • શહેરમાં વિસ્તાર, ગીચતા, ટ્રાફિકના આધારે ઓનસ્ટ્રીટ પાર્કિંગના ચાર્જ જુદા-જુદા રહેશે
  • નવી પાર્કિંગ પોલિસીના નામે ઉંચા પાર્કિંગ ચાર્જ વસુલાત કરવાનો પરવાનો અપાયો: શર્મા

રાજ્ય સરકારે તા.16 ઓક્ટોબરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે પણ અમદાવાદના 65 લાખ નાગરિકોને અસર કરતી પાર્કિંગ પોલિસી એસી ચેમ્બરમાં બેસીને તૈયાર કરવામાં આવી છે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા શહેરના નાગરિકોને ખુલ્લેઆમ લૂંટવાની નીતિ બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલિસીમાં શહેરમાં ફ્રી પાર્કિંગ બંધ કરી દેવાની અને પાર્કિંગ ચાર્જ વધારવાની જોગવાઈ રાખી છે, આ જોગવાઈ નાગરિક વિરોધી છે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ એક અખબારીયાદીમાં જણાવ્યું હતું.

ઇમ્પેક્ટ ફીનો કાયદા બાદ ગેરકાયદે બાંધકામને નિયત કર્યા
શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા 2011માં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી હતી. આ કાયદા અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની હોટેલ, હોસ્પિટલ સહિતના કોર્મશિયલ કોમ્પલેક્ષના પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામ નિયમિત કર્યા હતા અને 300 કરોડની આવક કરી હતી. પણ હજુ સુધી અમદાવાદ શહેરમાં પાર્કિંગની સુવિધા વધારી નથી. છેલ્લાં એક દાયકામાં માત્ર બે મલ્ટીલેવલ પાર્કિંગ બાંધવામાં આવ્યા છે, હાલની સ્થિતિમાં કોર્મશિયલ એકમોએ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કર્યાને કમાણી કરી, અમદાવાદ મ્યુનિ.એ આ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરી કરોડોની કમાણી દીધી છે. હવે આ કોમ્પલેક્ષની મુલાકાત લેનારાએ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આ નાગરિક વિરોધી નીતિ છે.

વિવિધ પરિબળ અનુસાર પાર્કિંગના ચાર્જ અલગ રહેશે
નવી પાર્કિંગ પોલિસીમાં શહેરના તમામ રોડ ઉપર ઓનસ્ટ્રીટ પાર્કિંગની મંજૂરી અપાશે. શહેરમાં વિસ્તાર, ગીચતા, ટ્રાફિકના આધારે ઓનસ્ટ્રીટ પાર્કિંગના ચાર્જ જુદા-જુદા રહેશે. શહેરમાં દિવસે અને રાતે પાર્કિંગ ચાર્જ અલગ-અલગ રહેશે, પીકઅવર્સમાં વધુ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. શહેરમાં સોસાયટીઓએ પણ રોડ ઉપર વાહનો મૂકવા માટે પાર્કિંગ પરમીટ લેવી પડશે અને રૂપિયા ચૂકવવા પડશે. પાર્કિંગના નિયમોના અમલ માટે બાયલોઝ બનશે, પાર્કિંગ નિયમના ભંગ બદલ દંડ કરાશે. શહેરમાં પાર્કિંગ ડેવલપમેન્ટ પ્લાન બનશે, પાર્કિંગ સેલ ઉભો કરવો પડશે. શહેરમાં ક્યાં પાર્કિંગ ફ્રી રહેશે નહીં. આ નવી પાર્કિંગ પોલિસીના નામે ઉંચા પાર્કિંગ ચાર્જ વસુલાત કરવાનો પરવાનો અપાયો છે."

24 એપ્રિલે પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરી અખબારોમાં જાહેર ખબર આપી
તેમણે વધુમાં ઉમેર્યું છે કે, " કોરોના મહામારીના પિકમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તા.24 એપ્રિલ 2021ના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અંગે વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપવામાં આવી હતી સાથે પાર્કિંગ પોલીસનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 460 હેઠળ જનતાના વાંધા સુચનો મેળવવા માટે પાર્કિંગ પોલિસીની દરખાસ્તનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

એક પણ નાગરિકે વાંધા-સૂચનો આપ્યા નહીં
એક મહિનાની મુદતમાં નાગરિકોએ પોતાના વાંધા કે સુચનો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ રજુ કરવાના હતા પણ આ મુદતમાં એકપણ નાગરિક દ્વારા વાંધા સુચનો આપવામાં આવ્યા ન હતા પણ માત્ર બે સંસ્થાઓ દ્વારા પોતાના વાંધા સુચનો રજુ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પાર્કિંગ પોલિસી અંગ્રેજીમાં બનાવી હતી અને જાહેર કરી હતી. કોઈ સામાન્ય નાગરિકો સુધી પોલિસી પહોંચી શકી નથી. આ જનવિરોધી પાર્કિંગ પોલિસી સામે અમે વિરોધ નોંધાવીએ છીએ. આ અંગે ટૂંક સમયમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવા આવશે."

અન્ય સમાચારો પણ છે...