કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીના કરતૂતોના કારણે ગુજરાતમાં કોંગ્રેસની છબી ખરડાઈ રહી હોવાથી તાત્કાલિક અસરથી ભરતસિંહ સામે પગલાં ભરવાની ફરિયાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કૉંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશના સિનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ભરતસિંહના મામલે હાઇકમાન્ડે કોઈ પગલાં ના લેતા ફરી આવી ઘટના બનતા હવે હાઇકમાન્ડે પણ ગંભીર બનવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ફરિયાદ કરી
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના વીડિયોની ફરિયાદ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે ભરતસિંહના કારણે મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે. ભરતસિંહ સુધરે નહીં તો તેઓ રાજકારણ છોડી દે, તેવી પણ ફરિયાદ કરાઈ છે. આ ફરિયાદને પગલે રાહુલ ગાંધીએ ભરતસિંહ સાથે મુલાકાત કરવા ગુજરાતના એક નેતાને આદેશ આપ્યો છે. મુલાકાત બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ આપવા પણ રાહુલ ગાંધીએ આદેશ કર્યો છે.
ભરતસિંહનો એક યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ફરી વિવાદમાં આવ્યા છે. હાલમાં તેમનો અને એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો મચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતીને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. વાયરલ વીડિયો તાજેતરનો જ હોવાનું બહાર આવ્યું હતું. ભરતસિંહ સોલંકી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતાં.
કથિત વીડિયોમાં પત્નીએ યુવતીને કહ્યું, ‘તું મારા પતિને લઈને બેઠી છું, તને નહીં છોડું’
સોશિયલ મીડિયામાં ચારેક વીડિયો વાઈરલ થયા છે, જે પૈકીના એકમાં રેશમા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, ‘તું મારા ધણીને લઈને બેઠી છે... તને નહીં છોડું..’ આ ઉપરાંત તેના વાળ ખેંચીને ‘આનો વીડિયો ઉતારો.. તારું મોઢું બતાવ’ એમ કહેતાં રહે છે. જોકે યુવતી પોતાનો ચહેરો છુપાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરે છે. એ વખતે રેશમા પટેલ સાથે રહેલી એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે આ ધંધા સારા નથી. એક ક્લિપમાં રેશમા પટેલ યુવતીને એમ કહેતાં પણ સાંભળી શકાય છે કે ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ એવી જ દશા તારી પણ થશે.’ યુવતી રેશમા પટેલને આન્ટી કહીને બોલાવતી હોવાનું વીડિયોમાં સાંભળવા મળે છે, જેના જવાબમાં રેશમા યુવતીને કહે છે, ‘તું મને આન્ટી કહે છે, તો પેલો (ભરતસિંહ) તારો દાદો ના થયો.’
પત્નીએ કહ્યું, ‘હવે વ્યભિચાર છોડો, આપણે બંને આગળનું ભૂલી સાથે જીવન વિતાવીએ’
હું મારા પતિને શોધી રહી હતી. વિદ્યાનગર રોડ પર તેમણે તેમને યુવતી સાથે આઇસક્રીમ ખાતા જોયાં હતાં. પછી તેમનો પીછો કરી સમજાવવા માટે ગઈ હતી. હવે વ્યભિચાર છોડો, આપણે બંને આગળનું ભૂલી જઈ સાથે જીવન વિતાવીએ, પરંતુ તેઓ માનતા નથી. કાયદેસરની પત્ની હોવા છતાં મને કંઇ આપતા નથી. આ યુવતીને બંગલો, કાર લઈ આપ્યા છે. હું તેમની સાથે જીવન વિતાવવા તૈયાર છું. - રેશમાબેન પટેલ, ભરતસિંહ સોલંકીનાં પત્ની.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.