ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અને નારાજગીને લીધે ઊભો થયેલો કકળાટ વધુ વકરી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બાદ રાજસ્થાનના મંત્રી ડો. રઘુ શર્માને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ પ્રભારી બન્યા બાદ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડ ડો. રઘુ શર્માની કામગીરીથી નારાજ થયો હોવાનું ખુદ કોંગ્રેસનાં સૂત્રો જણાવી રહ્યાં છે. હવે હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને પ્રભારી તરીકે જવાબદારી સોંપી શકે છે.
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાં નેતાઓ બદલાશે
ગુજરાત કોંગ્રેસમાંથી મોટે પાયે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે. બીજી બાજુ વિવાદમાં આવેલા ભરતસિંહ સોલંકી જેવા અગ્રણી નેતાએ થોડા સમય માટે ગુજરાતના રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી દિલ્હી હાઈકમાન્ડ નારાજ હોવાનું કોંગ્રેસનાં જ સૂત્રો જણાવી રહ્યાં છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે છે.
રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને જવાબદારી સોંપાઈ શકે છે
ડો. રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી જયરાજસિંહ પરમાર, MLA અશ્વિન કોટવાલ, હાર્દિક પટેલ, દિનેશ શર્મા, અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શ્વેતા બ્રહ્મભટ્ટ, દિનેશ શર્મા, કૈલાસ ગઢવી, દલપત વસાવા, મણિલાલ વાઘેલા, કોંગ્રેસના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપ અને આમઆદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ સમગ્ર મામલે હાઈકમાન્ડ નારાજ થયો છે, જેથી ડો. રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.
કોંગ્રેસમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂક થઈ શકે છે
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ ગુજરાતમાં સિનિયર ઓબ્ઝર્વરની નિમણૂક કરે એવી પણ શક્યતા છે. આ સિવાય કોંગ્રેસ શાસિત રાજ્યોના મંત્રીઓને પણ ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવશે. આ અગાઉ પણ કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારના મંત્રીઓને પણ જવાબદારી સુપરત કરાઈ હતી. એ ઉપરાંત આગામી સમયમાં વિવિધ ચૂંટણીલક્ષી કમિટીઓની પણ રચના કરવામાં આવશે, જેમાં જૂના જોગીઓની જગ્યાએ નવા નેતાઓને સ્થાન મળે એવી કાર્યકરોએ પણ માગ કરી છે.
પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયા અને કામિની બા ભાજપમાં જોડાઈ શકે છે
હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ બાદ કોંગ્રેસના વધુ બે નેતા ભાજપમાં જોડાય એવી ચર્ચા છે. એ ઉપરાંત કોંગ્રેસના નેતા કલ્પેશ પટેલે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે દિલ્હીના CM કેજરીવાલ સાથે મુલાકાત કરતાં તેઓ આપનો હાથ પકડી શકે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા પક્ષની કામગીરીથી નારાજ છે. આ બંને નેતા ભાજપના ટોચના નેતાઓના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકીય ડીલ થયા બાદ બંને ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.