ભાજપ-કોંગ્રેસમાં ભડકો:રાજીવ ગાંધી ભવનમાં કાર્યકરોએ ભરતસિંહ સોલંકીની તસવીરો સળગાવી, 500થી વધુ કાર્યકરો કમલમમાં ઘૂસ્યા

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે બીજા તબક્કા ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાશે તે નક્કી છે. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમમાં ઘૂસી ગયા હતા. જ્યારે જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યુથ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યાર સુધીના બેનરમાંથી કેટલાકને તોડી દેવાયા હતા અને કેટલાક પર કાળી શાહી લગાવી હતી. કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપિટ કર્યા છે.

ધવલસિંહ ઝાલાના સમર્થકો પહોંચ્યા કમલમ
બાયડ વિધાનસભાની ટિકિટની જાહેરાત થતા જ ભાજપના પૂર્વ બાયડના હારેલા ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ બાયડ ખાતે રવિવારે મોટી સભા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું જેના બીજા દિવસે એટલે કે આજે કમલમ ખાતે બપોરે 500થી વધુ કાર્યકર્તાઓ ધવલસિંહ ઝાલાના સમર્થનમાં ગાંધીનગર પહોંચ્યા હતા અને ધવલસિંહ ઝાલાને જ ટિકિટ આપવામાં આવે તેવી માગ કરતા હતા. કાર્યકર્તાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલા સ્થાનિકો માટે 108ની જેમ 24 કલાક સેવામાં હોય છે ત્યારે તેવા ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવે અને જો ભાજપ પોતાનો નિર્ણય નહીં બદલે તો તેમને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

ભીખીબેન પરમારે 2019માં કોંગ્રેસ તરફી કરાવ્યું હતું મતદાન
કાર્યકર્તાઓએ મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું હતું કે ભીખીબેન પરમાર કે જે વિધાનસભાની ચૂંટણીના ભાજપના બાયડ વિધાનસભાના ઉમેદવાર છે. તેઓએ પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું હતું અને તેના લીધે જ ધવલસિંહ ઝાલાને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ જેણે કોંગ્રેસને નફો કરાવ્યો અને ભાજપને નુકસાન કરાવ્યું તેવા ઉમેદવારને જ ભાજપે ટીકીટ આપી છે તેવો કાર્યકરોનો આક્ષેપ છે.

પાટણમાં આયાતી ઉમેદવાર રાજુલ દેસાઈનો વિરોધ, કમલમ ખાતે કાર્યકર્તા રજુઆત કરવા પહોંચ્યા
પાટણમાં ભાજપના રાજુલ દેસાઈને ટિકિટ આપવાની ચર્ચાને લઈને પાટણ માલધારી સમાજના ભાજપના કાર્યકર્તા કમલમ ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. કાર્યકર્તાની માગણી છે કે, રાજુલ દેસાઈને પાટણ સીટ પર ભાજપ ટીકીટ ન આપે કેમ કે રાજુલ દેસાઈ આયાતી ઉમેદવાર છે. રાજુલ દેસાઈને સ્થાને રણછોડ દેસાઈને પાટણ સીટ પરથી ટિકિટ આપવામાં આવે કારણ કે તેઓ સ્થાનિક છે અને 20 વર્ષથી સતત સેવા આપે છે. કાર્યકરોનું કહેવું છે કે રાજુલ દેસાઈને ટિકિટ આપવામાં આવશે તો ભાજપે પાટણ સીટ પર તેનું નુકસાન વેઠવું પડશે તેવી રજૂઆત સાથે આજે પાટણ માલધારી સમાજના કાર્યકર્તાઓ અમિત શાહ અને સીઆર પાટીલને રજુઆત કરવા માટે કમલમ પહોંચ્યા હતા.

જમાલપુર ખાડીયા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે
જમાલપુર ખાડીયા વિધાનસભા જ્યાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનતા રહ્યા છે. એક રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને ભાજપને આ બેઠક જીતવા માટે સોગઠા ગોઠવવા પડે તો પણ અહીંયાના મુસ્લિમ મતદારો પોતાનો મત તો કોંગ્રેસને આપીને ઉમેદવારને વિજય બનાવી ગાંધીનગર મોકલી આપે છે. શહેરમાં મધ્યમાં આવેલી ખાડીયા જમાલપુર બેઠક એટલે જૂનું અમદાવાદ જ્યાં જમાલપુર શાકમાર્કેટ અને ફૂલ બજાર આવેલું છે .જ્યાંથી મોટાભાગના લોકોનો રોજગાર ચાલે છે. દિવસ અને રાત આ માર્કેટ ધમધમતા રહે છે. ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્ત થાય તો નવાઈ નહીં. ભાજપમાંથી ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાળા ઉમેદવાર છે. એઆઈએમઆઈએમમાંથી સાબિર કાબલીવાળા પણ મેદાનમાં છે.

મુસ્લિમ ઉમેદવાર ટકરાતાં ભાજપને ફાયદો થયેલો
2002અને 2007માં કોંગ્રેસના મેન્ડેટ પરથી સાબિર કાબલીવાલા ચૂંટણી જીતી ચુક્યા છે. 2012માં સાબિર કાબલીવાલાને ટિકિટ નહિ મળતા સાબિર ભાઈ અપક્ષ ચૂંટણી લડી હતી જેમાં તેનો કારમો પરાજય થયો હતો. જોકે કાબલી વાળાએ 30 હજાર જેટલા વોટ મેળવ્યા હતા અને હાર થઈ હતી. જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને બંન્ને મુસ્લિમ ઉમેદવાર ટકરાતાં તેનો ફાયદો ભાજપના ભૂષણ ભટ્ટને થયો હતો અને પૂર્વ મંત્રી અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. અને આ બેઠક ભાજપના ફાળે ગઈ હતી.

શાહનવાઝ સ્થાનિક યુવાનોમાં લોકપ્રિયતા
2017માં આ બેઠક પરથી ઇમરાન ખેડવાલાંની જીત થઈ હતી ને કોંગ્રેસનો પંજો ફરી એકવાર આ બેઠક પર પોતાનો પ્રભાવ હોવાનું સાબિત કરી બતાવ્યું હતું. ભાજપના ભૂષણ ભટ્ટની હાર થઈ હતી. ભૂષણ ભટ્ટને 46007 વોટ મળ્યાં હતાં. અને ઇમરાન ખેડાવાળાને 75346 વોટ મળ્યા હતા. ઇમરાન ખેડાવાલાની 29.336 વોટથી વિજય થયાં હતાં. આ બેઠકમાં વધુ પડતા મુસ્લિમ છીપા સમાજના મતદારો છે. સંભવિત આ સમાજના લોકો જે બાજુ પોતાનું મતદાન કરે છે તે ઉમેદવાર વિજયનો તાજ પહેરે છે. ઉલ્લેખનિય છે કે સાબિર કાબલીવાલા અને ઇમરાન ખેડાવાલા બન્ને જ આ કમ્યુનિટીમાંથી આવે છે. 2022ની ચૂંટણીમાં સાબિર કાબલીવાલાએ AIMIMમાંથી ખાડીયા જમાલપુરની આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર ઇમરાન ખેડાવાળા ઉમેદવાર જાહેર કર્યા છે. આ બેઠક પર ઇમરાન ખેડાવાલાંને લઈને સ્થાનિક લોકોમાં નારાજગી છે. આ બેઠક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી માયનોરેટી સેલના કોડીનેટર યુવાન શાહનવાઝ શેખ ચૂંટણી લડવા માટે તત્પર બન્યા છે અને શાહનવાઝ શેખ અગાઉ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા જેમાં હાર થઈ હતી. શાહનવાઝ સ્થાનિક યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે.

વાઘોડિયામાં સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ભડકો
કોંગ્રેસ દ્વારા રવિવારે મોડી રાત્રે 33 ઉમેદવારની યાદી જાહેર કરી હતી, જેમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડ અને ડભોઈ બેઠક પર ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક પર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના 100 હોદ્દેદાર સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધા હતા.

ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી
જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી.

કોંગ્રેસના મુખ્યાલયે શું થયું?
NSUI અને યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં આપ્યા હતા. તેના ગણતરીના કલાક બાદ પાલડી સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન પર આ બંને જૂથનું એક ટોળું ધસી ગયું હતું. સીડીઓની દીવાલ પર ભરતસિંહ સોલંકી વિરુદ્ધ લખાણો લખ્યાં હતાં. ત્યાર બાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલા દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતાં અને વિવિધ નેમપ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.

સીટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવા માગ કરતા હતા
કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે એ માટે NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ 2 દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. હજુ આજે પણ અનેક યુવા નેતા રાજીનામાં આપશે.

ખેડાવાલાને હરાવવા પ્રયત્ન કરશે એવી ચીમકી
યુવા નેતાઓની માગણી છે કે મનહર પટેલ નારાજ થતાં બોટાદ બેઠક પર જાહેર કરેલા ઉમેદવારને બદલીને મનહર પટેલને મેન્ડેટ આપીને ભૂલ સુધારી છે, તે જ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે.

NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. 2 દિવસ અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતાં NSUI અને યૂથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...