સરકારે આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી આજે વીડિયો-કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં થયેલી ઈન્વેસ્ટર સમિટમાં વર્ચ્યુઅલી સામેલ થયા હતા. તેમણે સમિટમાં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. જેમાં કોંગ્રેસે સરકારી વાહનોને સ્ક્રેપમાં મોકલવાથી પોલિસીની શરૂઆત કરવા કહ્યું છે, સાથે જ મધ્યમ વર્ગના લોકોને આ નવું વાહન ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવા માટે માંગ કરાઈ છે.
સ્ક્રેપ પોલિસીમાં મધ્યમ વર્ગને સબસિડી આપવા માંગ
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ નવી પોલિસી અંગે જણાવ્યું કે, "પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વ્હિકલ પોલિસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે." ત્યારે જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નીતિ - નિયમ વિનાની ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પોલીસી ખૂબ જ જરૂરી છે પરંતુ, આર્થિક રીતે નબળા, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મુશ્કેલી ના પડે તે પ્રમાણેની યોગ્ય સબસીડી આપ્યા પછી જ આ નીતિ અમલી બને.
અમદાવાદમાં જાહેર પરિવહનની વ્યવસ્થા ઓછી
તેમણે વધુમાં કહ્યું, અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી એએમટીએસ ઓછી કરીને બીઆરટીએસ લાવવામાં આવી. પરંતુ, બીઆરટીએસમાં માત્ર 300 બસ જ દોડે છે. જેમાંથી 250 બસ ડીઝલથી ચાલે છે. 750 બસ એએમટીએસની છે. અમદાવાદની 65 લાખની વસ્તી સામે જાહેર પરિવહનની વ્યવસ્થા ખુબ જ જૂજ છે. એટલે કે, અમદાવાદમાં BRTS અને AMTS મળીને માત્ર અગિયારસો 1100 બસ દોડે છે. પ્રદૂષણ ઘટાડવું હોય તો જાહેર પરિવહનની તમામ બસોને સીએનજીમાં પરિવર્તિત કરો. તેમજ કોમર્શિયલ અને ભારે માલ વાહનોને CNGમાં પરિવર્તિત કરો.
નબળા વર્ગના લોકોની વાહન સ્ક્રેપમાં જતા આર્થિક સ્થિતિ વિકટ થશે
આ સાથે મનીષ દોશીએ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા મધ્યમ વર્ગના લોકોને મહત્તમ સબસિડી આપવી જોઈએ. રિક્ષાચાલકો અને ટેમ્પા જેવા માલવાહક સાધનો ધરાવતા લોકોને ઓછું વળતર આપી ફરજિયાત વાહનો સ્ક્રેપ કરાશે તો તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ થઈ જશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે પણ ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ ખરાબ છે. વીમો, ફિટનેસ સર્ટિફિકેટ, વાર્ષિક ટેક્સ અને પીયુસી સહિતના ચાર્જ પણ ભરી દેવાયા છે, એનું શું..!! એક કે બે ગાડીઓ ઉપર ધંધો કરનારા લોકો કેવી રીતે ધંધો-રોજગાર કરી શકશે? પીયુસી સર્ટીફીકેટ મેળવ્યા પછી કોઈપણ વાહનની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કે આરટીઓ દ્વારા તપાસ થતી નથી કે આ વાહન પ્રદૂષણ કરે છે કે નહીં? PUCનો હેતુ માત્ર ડરાવવાનો લાગે છે. ત્યારે દંડ-દંડાની માનસિકતામાંથી સામાન્ય જનતાની પરેશાની ઘટાડવા સરકાર ક્યારે વિચારશે? રાજ્ય સરકાર હસ્તકના 15 ટકા વાહનો ભારે પ્રદૂષણ કરે છે.
એસ.ટીની 15 ટકાથી વધુ બસો 9 લાખ કિ.મી ચાલી
તેમણે વધુમાં કહ્યું, એસ.ટી. નિગમની 15 ટકાથી વધુ બસો 9 લાખ કિ.મી. પુરા કરી ચુકી છે. નગરપાલિકા / મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોના 25 ટકા વાહનો ભારે પ્રદૂષણ કરે છે જેમ કે પાણીના ટેન્કર, દબાણની ગાડી, કચરાની ગાડી સહિતના વાહનો વર્ષોથી રોડ ઉપર પ્રદૂષણ ફેલાવી રહી છે. જળ-વાયુ પ્રદૂષણ રોકવામાં નાકામ ભાજપા સરકાર નવી નવી નિતિ જાહેર કરે છે પણ હકીકતમાં સૌથી વધુ કુદરતી સંશાધનોનું ગેરકાયદેસર દોહન ભાજપ સરકારમાં થઈ રહ્યું છે. સામાન્ય અને મધ્યમવર્ગે સંઘર્ષ કરીને સપનાની એક નાની ગાડી પરીવાર માટે ખરીદી હોય અને તેને 15 વર્ષ પુરા થઈ જાય તો શું સ્કેપ કરી દેવાની? 75 વર્ષ જુના સી પ્લેન અંગે પણ ભાજપ સરકાર - કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.