ગુજરાત કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ ભડકો થયો હતો. માતર બાદ ગાંધીનગરના દહેગામમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. દહેગામ બેઠક પર કામિની બાની ટિકિટ કપાઈ જતાં તેમના સમર્થકો રોષે ભરાયા હતાં. આ વખતે કૉંગ્રેસે દહેગામમાં વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા જ કામિનીબા રાઠોડના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જગદીશ ઠાકોર હાય હાયના સૂત્રો પોકાર્યા હતા.દહેગામ બેઠક પર કામિનીબા રાઠોડની 2012માં જીત થઈ હતી.ત્યારબાદ 2017માં હારનો સામનો કરવો પડ્યો હતો. ટિકિટ કપાયા બાદ કામીનીબાએ એક વીડિયો જાહેર કર્યો હતો અને તેમાં દહેગામની ટિકિટ વેચાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કામિનીબાના આક્ષેપનો જગદીશ ઠાકોરે જવાબ આપ્યો
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કામિનીબાના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું હતું કે, જો કામિનીબા પાસે ટિકિટ માટે પૈસાની માંગ કરવામાં આવી હોય તો તે જ સમયે ધ્યાન દોરવા જેવું હતું. તે સમયે કેમ ધ્યાન ના દોર્યું. મારી પર વિશ્વાસ નહોતો તો પ્રભારી રઘુ શર્માનું ધ્યાન દોરવા જેવું હતું. હવે છેલ્લી ઘડીએ તેઓ આવા આક્ષેપો કરીને પક્ષને કેમ બદનામ કરી રહ્યાં છે.
કોંગ્રેસ પક્ષે 50 લાખમાં ટિકિટ ફાઈનલ કરવા કહ્યું
કોંગ્રેસમાં માતરમાં પણ ટિકિટ વેચાઈ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યાર બાદ દહેગામમાં પણ કોંગ્રેસે ટિકિટ વેચીને ઉમેદવાર ઊભા કર્યા હોવાનો કામિનીબાએ આક્ષેપ કર્યો છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે મારી પાસે ટિકિટ માટે એક કરોડની માંગણી કરાઈ તેનો ઓડિયો મેં મીડિયાને આપ્યો છે. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, પક્ષ દ્વારા પહેલા મારી પાસે એક કરોડની માંગ કરાઈ અને બાદમાં 70 લાખ અને અંતમાં 50 લાખમાં ટિકિટ કન્ફર્મ કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે એવું કહ્યું હતું કે, મારી સાથે કોઈ ભાવિનભાઈ નામના વ્યક્તિએ વાત કરી હતી અને તેમની સાથે બીજો વ્યક્તિ રાજસ્થાનનો હતો.
આજે જાહેર કરેલા વીડિયોમાં કામિનીબાએ શું કહ્યું
પક્ષ દ્વારા મારી પાસે જે માંગણી કરાઈ હતી એનો ઓડિયો મેં મીડિયાને આપેલો છે. મને ખૂબ જ દુઃખ થાય છે કે પક્ષે મારા જેવી મહિલા સાથે આવું વર્તન કર્યું છે. મારી પાસે એક કરોડની માંગ કરી, પછી 70 લાખની માંગ કરી હતી. ત્યારે મેં 70 લાખ આપવાની ના પાડી તો તેમણે કહ્યું કે કોઈ વાંધો નથી. તમે 50 લાખમાં ડન કરો. મારી પાસે જે માંગણી કરવામાં આવી છે તેનું રેકોર્ડિંગ છે. મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. જે પણ સીટો ડિસ્ટ્રિબ્યુટવાળી છે એમાં અમારી વાટાઘાટો ચાલી રહી છે. એમાં તમે પૈસા આપશો તો જ તમારું નામ અને ટિકિટ ફાઈનલ થશે.
મારા કાર્યકરો મારી સાથે ઊભા રહેશે
મારી સીટ પર હું ટિકિટ માટે પૈસા આપી ના શકી. હું હંમેશાં પક્ષની વફાદાર રહી છું. મેં 21 કરોડ ઠુકરાવ્યા છે. ત્યારે દુઃખ થાય છે કે પક્ષે ટિકિટ આપવા માટે પૈસાની માંગણી કરી. અને એ માંગણી નહીં સંતોષાતા તથા બીજી જગ્યાએથી એમની અને જેમાંગણી સંતોષાતા આ ટિકિટ વેચી છે. મને વિશ્વાસ છે આ દહેગામની જનતા પર જ્યારે પક્ષ સોદાબાજી કરતો હોય ત્યારે મને ચોક્કસ સાથ આપશે. એક દીકરી અને બહેન તરીકે પાર્ટી સાથે હંમેશાં વફાદાર રહી છું. કોંગ્રેસ પક્ષમાં વેચાણનો ધંધો ચાલુ થયો છે. મારા કોંગ્રેસના કાર્યકરો જે મારી સાથે હતા એ ખંતથી મારી સાથે ઊભા રહેશે. મીડિયાએ પણ આવું કૌભાંડ બહાર લાવવું જોઈએ.
મને આશા છે કે હજી કોંગ્રેસનું મોવડી મંડળ કોઈ નિર્ણય લેશે
મારી સાથે વાત કરનારા ભાવિનભાઈ હતા અને એમની સાથે જે ભાઈ હતા એમનું નામ મને ખબર નહીં પણ અવાજ પરથી એવું લાગે છે કે તેઓ રાજસ્થાનના હોઈ શકે છે. આ કૌભાંડ માત્ર દહેગામ નહીં પણ ઠેરઠેરથી બહાર આવ્યું છે. મને હજી પણ પક્ષ પાસે આશા છે અને મોવડી મંડળ હજુ પણ કોઈ નિર્ણય લેશે. કોઈ એક પ્રદેશ પ્રમુખની જીદને કારણે કોઈ એક મહિલાને અન્યાય થતો હોય તો તમામ ગુજરાતની મહિલાઓને હું કહું છું. હું જ્યારે આક્રમક રીતે પ્રશ્નો માટે લડતી હતી ત્યારે આ કોંગ્રેસે મારી સાથે અન્યાય કર્યો છે એનું મને ખૂબ જ દુઃખ છે.
દહેગામ કોંગ્રેસમાં ભડકો, કામિનીબા અપક્ષ લડશે
દહેગામ બેઠક પર કોંગ્રેસમાંથી પૂર્વધારાસભ્ય કામિનીબા રાઠોડની ટિકિટ કપાતાં ભડકો થયો હતો. કામિનીબાના સમર્થકોએ એકઠા થઈને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં કાર્યકરોએ જગદીશ ઠાકોર સામે ટિકિટ વેચાણ સુધીના આક્ષેપો કરી દીધા હતા. દહેગામ બેઠક પર ભાજપે વર્તમાન ધારાસસભ્ય બલરાજસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં કોકડું ગૂંચવાતા બુધવારે મોડી સાંજે જાહેરાત કરાઈ હતી. કામિનીબા રાઠોડે કહ્યું હતું કે, ક્યાંય કોઈ પૈસા વ્યવહાર થયો છે. તમામ કાર્યકર્તાઓ આક્રોશમાં એક જ વાત કહી રહ્યા છે કે પૈસાથી ટિકિટ વેચાઈ છે. મારા ટેકેદારો કહેશે તો હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ.
ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું
ભારતીય જનતા પાર્ટીના દહેગામ વિધાનસભાના ઉમેદવાર એવા સિટિંગ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે પોતાના સમર્થકો સાથે આજે શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.એક સમયે આ બેઠક ભાજપનો ગઢ હતી. પરંતુ 2002માં કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી અને સળંગ ત્રણ ટર્મ એટલે કે 2002,2007 અને 2012માં કોંગ્રેસ જીતી હતી પરંતુ 2017માં ભાજપે આ બેઠક જીતી લીધી હતી. ભાજપના બલરાજસિંહ ચૌહાણનો 10,860 મતોના માર્જિનથી વિજય થયો હતો. તેમને 74,445 મત મળ્યા હતા. એટલે આ વખતે પણ ભાજપે અહીં રિપીટ થિયરી અજમાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.