અમદાવાદ શહેરના કુબેરનગર વોર્ડમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી હારી ગયેલા ઉમેદવાર જગદીશ મોહનાનીનું નામ વૃક્ષારોપણ માટેની લોખંડની જાળીઓ ઉપર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે હોવાની વિગત સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ લોખંડની જાળી પર લખ્યું છે, મ્યુનિસિપલ કાઉન્સિલરના બજેટમાંથી વર્ષ 2021-22 જગદીશ મોહનાની. આ વાઈરલ ફોટો હાલ ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યા છે, અને ચર્ચા શરૂ થઈ છે કે શું ખરેખર તેઓએ આ રીતે જાળી પર નામ લખાવ્યા છે?
કુબેરનગર વોર્ડમાં તાજેતરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાની હારી ગયા હતા. આ વોર્ડમાં ત્રણ કોંગ્રેસ અને એક ભાજપના ઉમેદવારને ચૂંટણી અધિકારીએ વિજયી જાહેર કર્યા હતા. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાનીએ હારને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે પણ આ રિટ ફગાવી દીધી હતી. હાલ સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. અમદાવાદ કોર્પોરેશનના વર્ષ બજેટ 2021-2022માં વૃક્ષો માટેની જાળીઓમાં જગદીશ મોહનાનીને મ્યુનિ. કાઉન્સિલર તરીકે બતાવતા ફોટો વાઇરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.