તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Congress Corporators Intercept Commissioner Mukesh Kumar In Corona After Officials Did Not Respond To Phone Messages General Meeting Of AMC

AMCની સામાન્ય સભા:કોરોનામાં અધિકારીઓએ ફોન- મેસેજના જવાબ ન આપતા કોંગ્રેસના કોર્પોરેટરોએ કમિશનર મુકેશકુમારને આડે હાથે લીધાં

અમદાવાદ3 મહિનો પહેલા
AMCની સામાન્ય સભા મળી હતી
  • સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના કોર્પોરેટરના સાથેના વર્તન મામલે કમિશનરને તપાસ સોંપાઇ
  • બે મહિનામાં તપાસ કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ
  • ભાજપના કોઈ કોર્પોરેટરના ફોન નથી ઉપાડ્યા એવું મારા ધ્યાને નથી આવ્યું: સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ

કોરોનાની બીજી લહેરના બે મહિના બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં AIMIMના જમાલપુરના કોર્પોરેટર મોહંમદ રફીક શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીને જમાલપુર વિસ્તારમાં કચરો ઉપાડવા બાબતે રજૂઆત કરતા ઉદ્ધતાઈભર્યું વર્તન અને સરખી રીતે વાત ન કરતા ઠપકો આપવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જે દરખાસ્ત મામલે મેયર કિરીટ પરમારે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને તપાસ સોંપી અને બે મહિનામાં આ અંગેનો અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો. કોરોનાં કાળમાં અધિકારીઓએ ફોન ન ઉપાડ્યા હોવા અંગે ઉગ્ર રજૂઆત બોર્ડમાં થઈ હતી

સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું
અધિકારીઓએ ફોન ન ઉપાડ્યાની ઉગ્ર રજૂઆત બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અધિકારીઓ ફોન નથી ઉપાડતા કે સંકલનનો કોઈ અભાવ હોય એવું નથી. સારી કામગીરી કરવામાં આવી છે. તેઓ વિરોધ પક્ષ છે અને વિરોધ કરવો તેમનું કામ છે. ભાજપના કોઈ કોર્પોરેટરના ફોન નથી ઉપાડ્યા એવું મારા ધ્યાને નથી આવ્યું.

સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે વિપક્ષની ફરિયાદને ફગાવી
સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે વિપક્ષની ફરિયાદને ફગાવી

મ્યુ. કમિશનરે ડેપ્યુટી કમિશનરોનો બચાવ કર્યો
સામાન્ય સભામાં કોરોના કાળ મામલે ચર્ચા થઈ હતી. જેમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને આડે હાથે લીધા હતા. કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટરના ફોન નથી ઉપાડતા અને મેસેજના પણ જવાબ નથી આપતા જે મામલે કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે સભામાં રજુઆત કરી હતી કે કોરોના કાળમાં હાલમાં બદલી થયેલા અને કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ડો. ઓમપ્રકાશની કામગીરી સારી ન હતી. 108ની જવાબદારી દિલીપ રાણા પાસે હતી અને લોકોને બે બે કલાક સુધી દાખલ થવા 108 મળતી નહતી. ઇન્જેક્શન, બેડ કોઈપણ સુવિધા પ્રજાને મળી ન હતી. જે મામલે કમિશનરે પોતાના ડેપ્યુટી કમિશનરોનો બચાવ કરી લીધો હતો.

મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને સભા બરખાસ્ત થયા બાદ મીડિયા બ્રીફ આપી
મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને સભા બરખાસ્ત થયા બાદ મીડિયા બ્રીફ આપી

રાજશ્રી કેસરીએ વીડિયો કોલ પર માતા સાથે વાત ન કરાવી હોવાનો આક્ષેપ કર્યો
કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ રજૂઆત કરી હતી કે, SVP હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. સંદીપ મલ્હાન કોઈમાં ફોન નથી ઉપાડતા, મેસેજના જવાબ નથી આપતા. ઈમેલ કર્યો છે તેના પણ જવાબ આપ્યા નથી. રાજશ્રી કેસરીએ ઉગ્ર રજૂઆત કરી હતી કે, મારી માતા સાથે વીડિયો કોલ પર વાત પણ કરવા દેવામાં આવી ન હતી. અમારે એક કલાક બેસી રહેવું પડયું હતું.

PPE કીટ પહેરી હોસ્પિટલમાં ઝઘડો કરવો અયોગ્ય
કમિશનરે બચાવ કરતા જવાબ આપ્યો હતો કે કોરોના કાળમાં હોસ્પિટલમાં જવાની મનાઈ હોવા છતાં તમે PPE કીટ પહેરી હોસ્પિટલમાં ગયા અને સુપ્રિટેન્ડન્ટ સાથે ઝઘડા કરો એ યોગ્ય નથી. જેનો રાજશ્રી કેસરીએ જવાબ આપ્યો હતો કે હું ઝઘડા નહોતી ગઈ. મારી સાથે ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ બારોટ પણ હાજર હતા. તેઓને પૂછો કે ઝઘડા કર્યા હતા? જો તેઓ કહે તો હું જાહેરમાં સભામાં માફી માગવા માટે તૈયાર છું.

કોંગ્રેસની ઉગ્ર રજૂઆતને પગલે મેયરે તમામ કામો હાથ પર લઈ સભા બરખાસ્ત કરી
કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના ફોન અને મેસેજના જવાબ ન આપવા મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેનો કમિશનર બચાવ કરતા રહ્યા હતા. કોરોના કાળમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોના અધિકારીઓ ફોન ઉપાડતા કે મેસેજના જવાબ આપતા ન હતા. છતાં સભામાં ભાજપના કેટલાક કોર્પોરેટરો પણ અધિકારીઓના બચાવમાં ઉતરી આવ્યા હતા. સ્ટેન્ડિંગ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવવા મામલે ઉપરાંત પ્રિ મોન્સૂન કામગીરી નિષ્ફળ મામલે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત અને સવાલો થતાં મેયર કિરીટ પરમારે સભાના એજન્ડાના તમામ કામો હાથ પર લઈ અને સભાને બરખાસ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...