કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ:અમદાવાદના ગોમતીપુરમાં ખોટી રીતે પ્લાન મંજૂર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ, વિજિલન્સ તપાસની માંગ કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા સનસાઈન એસ્ટેટમાં થયેલા બાંધકામમાં પ્લાનની મંજૂરીમાં ગેરરીતી થયો હોવાનો આક્ષેપ ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા કરવામાં આવ્યો છે. આજે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે, સનસાઈન એસ્ટેટમાં શેડ નંબર 11- 12 માં જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં જે પ્લાન મંજૂર કરાવવામાં આવ્યા છે તેમાં લેઆઉટ પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની રજાચિઠ્ઠી કે તેનો ઉલ્લેખ નથી. FSIની ગણતરી પણ બ્લોક મુજબ યોગ્ય લાગતી નથી. ફોટા લેઆઉટ રજૂ કરી અને બાંધકામનો પ્લાન પાસ કરાવ્યો છે જેમાં ગંભીર બાબત એ છે કે, ગોમતીપુર વોર્ડ પૂર્વ ઝોનમાં આવે છે પરંતુ બાંધકામ પ્લાન પાસ દક્ષિણ ઝોનમાં કરવામાં આવ્યો છે.

ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, સનસાઈન એસ્ટેટમાં શેડ નંબર 11- 12 માં બે માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાન પાસ કરવામાં આવ્યા છે તેમાં ગંભીર બેદરકારી જણાઈ છે. ગોમતીપુર વોર્ડ પૂર્વ ઝોનમાં આવે છે જ્યારે પ્લાન પાસ કરવામાં આવ્યા છે તેમાં ઉલ્લેખ દક્ષિણ ઝોનનો કરવામાં આવ્યો છે. રજા ચિઠ્ઠી આપ્યા બાદ બાંધકામ શરૂ થાય ત્યારે પ્રોગ્રેસ રિપોર્ટ એસ્ટેટ વિભાગમાં આપવાનો હોય છે પરંતુ તે આપવામાં આવ્યો નથી. ઓનલાઇન રજા ચિઠ્ઠીમાં જે શરતો હોય છે તેમાં કેટલીક શરતોમાં વિસંગતતા જોવા મળી છે જ્યારે રજા ચિઠ્ઠી અને હયાત બાંધકામમાં કેટલીક વિસંગતતાઓ છે.

લેઆઉટ પ્લાન્ટ મૂકવામાં રજાચિઠ્ઠીની તારીખ તેમજ બિલ્ડીંગ પ્લાનની કોઈ કોપી મૂકવામાં આવી નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ખોટા લે-આઉટ ઉપર ગેરકાયદેસર બાંધકામ માટે ખોટા પ્લાન મંજૂર કરી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે તેઓએ વિજિલન્સ તપાસની માંગણી કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...