મ્યુનિ.કમિશનરને પત્ર:અમદાવાદ શારદાબેન હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરોની મનમાની, દર્દીઓ સાથે અણછાજતું વર્તન અને બેદરકારીનો કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ઇમરજન્સીમાં સિનિયર તબીબો નિયમિત ઓપીડીમાં રહેતા નથી તેવી અનેક વખત ફરીયાદો થઈ છે. ઉપરાંત સિનિયર તબીબો ખાસ જુનિયર તબીબોના સહારે હોસ્પિટલમાં મૂકીને જતાં રહે છે, જેને લઈને દર્દીઓને વારંવાર હાલાકી ભોગવવી પડે છે. શારદાબેન હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરે બેડ ખાલી હોવા છતાં બેડ નથી કહી દર્દીને દાખલ કર્યા ન હતા. સિનિયર ડોક્ટરનું ધ્યાન દોરવા છતાં તેઓએ જુનિયર ડોક્ટર સાથે વાત કરી લો કહી તેનો પક્ષ લીધો હતો. સિનિયર ડોક્ટરોની આવી મનમાની મામલે શિક્ષાત્મક પગલાં આ તબીબો સામે ભરવામાં આવે તેવી માગણી કોંગ્રેસના ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવી છે.

બેડ ઉપલબ્ધ નથી કહીને ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરે છે
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને લેખિતમાં ફરિયાદ કરી છે કે શારદાબેન હોસ્પિટલના સિનિયર તબીબો વારંવાર જુનિયર તબીબોના હવાલે હોસ્પિટલ મૂકીને જતાં રહે છે, તેઓ OPDમાં પણ હાજર રહેતા નથી. શારદાબેન હોસ્પિટલના સર્જીકલ યુનિટ-2માં સિનિયર તબીબો જ્યારે ગેરહાજર હોય છે, ત્યારે જુનિયર તબીબો હોવા છતાં બેડ ઉપલબ્ધ નથી તેમ કહીને ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પાડે છે. ગોમતીપુરના એક દર્દીને આવો અનુભવ થતાં કોર્પોરેટર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના સિનિયર ડોક્ટર દિપક વોહરાનો સંપર્ક કરતાં તેમણે જુનિયર તબીબનો પક્ષ લીધો હતો અને તેમણે મને આવી રીતે ફોન નહીં કરવાનું કહ્યું હતું.

ડોક્ટરો સામે કડક પગલા લેવામાં આવેઃ કોર્પોરેટર
ઇકબાલ શેખે જણાવ્યુ હતું કે જો સિનિયર તબીબો જ આવી રીતે વર્તન કરશે અને દર્દીઓને સારી સારવાર નહીં આપે તો દર્દીઓને હાલાકી પાડવાની જ છે. જેથી મારી રજૂઆત છે કે આ પ્રકારના સિનિયર ડોક્ટરો અને જુનિયર ડોક્ટરો સામે કડક પગલાં લેવામાં આવે. મ્યુનિસિપલ કોર્પોરેશની હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે મારી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...