નવા વિપક્ષ નેતા બનશે સી.જે. ચાવડા!:કોંગ્રેસ સી. જે. ચાવડાને વિપક્ષ નેતાની સોંપી શકે છે જવાબદારી, સી.આર પાટીલે કહ્યું- વિપક્ષ તરીકે કોંગ્રેસને ઈચ્છું

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં ભાજપની એટલી પ્રચંડ બહુમતી આવી છે કે વિપક્ષ રહેશે કે નહિ તે સવાલ છે. સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે. ત્યારે કોંગ્રેસ પાસે 17 સીટ હોવાને કારણે વિપક્ષ નેતા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી એક બની શકે તેમ છે. કોંગ્રેસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મિટિંગોનો દોર યથાવત કર્યો છે.

કોંગ્રેસની બે દિવસ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ
ગુજરાત કોંગ્રેસની ગઈકાલે અને આજે એમ બે દિવસ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં વિજેતા ધારાસભ્યો અને હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી હારવાના કારણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઝોન મુજબ હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિપક્ષ નેતા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વિપક્ષ તરીકે કોંગ્રેસને ઈચ્છું- સી.આર. પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના રેકોર્ડ બ્રેક પરિણામો આવ્યા હતા. એ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં નિવેદન કર્યું હતું કે, વિપક્ષ તરીકે પસંદગી કરવાની હોય તો તેઓ વિપક્ષમાં કોંગ્રેસ બેસે તેમ ઈચ્છશે.

મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવા માટે અનિચ્છા દર્શાવી
પોરબંદર વિધાનસભા સીટ પરથી વિજેતા બનેલા કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભાજપના બાબુ બોખીરિયાને હરાવી તેમનો વિજય તો થયો છે પરંતુ વિપક્ષ નેતા બનવા તેમણે અનિચ્છા દર્શાવી છે.

સી. જે. ચાવડા બનશે નવા વિપક્ષ નેતા
કોંગ્રેસ પાસે સમ ખાવા પૂરતી 17 સીટ જ આવી છે. ત્યારે આ પૈકીના એક નેતા જ વિપક્ષ નેતા તરીકે નક્કી થશે. આવા સંજોગોમાં કોંગ્રેસના તમામ વિજેતા ધારાસભ્યો સર્વાનુમતે સી. જે. ચાવડાની વિપક્ષ નેતા તરીકે નિયુક્તિ કરશે તેવી કોંગ્રેસના આંતરિક સૂત્રો પાસેથી માહિતી મળી છે.

ડેપ્યુટી કલેકટરથી ધારાસભ્ય બનેલા સી. જે. ચાવડા કોણ છે?
રાજકારણમાં પ્રવેશતા પહેલાં સી. જે. ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી. જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. આમ, એક વહીવટીય અધિકારીની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

સી. જે. ચાવડાની રાજકીય સફર

  • વર્ષ 2002ની ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના વાડીભાઈ પટેલને 20025 મતથી હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
  • વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના શંભુજી ઠાકોર સામે 3748 મતથી હાર થઈ હતી.
  • વર્ષ 2017ની ચૂંટણીમાં સી.જે. ચાવડા કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના અશોક પટેલ સામે 4774 મતના માર્જીનથી જીત મેળવી હતી.
  • વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહ મંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં 5,57,014 મતના માર્જીનથી તેમની હાર થઈ હતી.
  • વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા અને ભાજપના રમણ પટેલને 7053 મતથી હરાવી ફરીથી ચૂંટાયા છે.
  • કોંગ્રેસના દંડક તરીકે ગત સરકારમાં તેમણે ફરજ બજાવી છે. જેમાં સૌથી યાદગાર હોય તો તત્કાલીન ગુજરાત સરકારે રજૂ કરેલા ઢોર નિયંત્રણ બિલનો તાર્કિક રીતે સી. જે. ચાવડાએ વિરોધ કર્યો હતો. બાદમાં રાજ્ય વ્યાપી આ બિલનો વિરોધ થતાં અંતે સરકારે આ બિલ પરત ખેંચ્યું હતું.

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા માટે નિયમ
જો વિધાનસભામાં રાજ્ય સરકારની વિરુદ્ધમાં એક કરતાં વધારે પક્ષો હોય તો તેમાં સૌથી મોટો જે પક્ષ હોય તેના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્ય કરવામાં આવે છે. સન 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારબાદ ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના અમુક સભ્યોએ જુદો (જગજીવનરામના નેતૃત્વવાળો) કોંગ્રેસ પક્ષ સ્થાપ્યો હતો. જ્યારે તે પક્ષના સભ્યોની સંખ્યા સ્વતંત્ર પક્ષ જે તે વખતે માન્ય વિરોધ પક્ષ હતો અને જેના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્ય કરવામાં આવ્યા હતા તેના કરતાં વધી ગઇ ત્યારે તે પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષના આદેશ ક્રમાંક 30 અનુસાર જે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાની 1/10 કરતાં ઓછી ન હોય તે પક્ષને પક્ષ તરીકે માન્યતા આપવામાં આવે છે અને વિરોધમાં એક જ પક્ષ હોય તો તે પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્ય કરવામાં આવે છે. જો વિરોધમાં એક કરતાં વધુ પક્ષો હોય તો જે પક્ષ સૌથી મોટો હોય એ પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવે છે, પરંતુ ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) પગાર અને ભથ્થાં અધિનિયમ, 1979 પસાર કરવામાં આવ્યા પછી આ પરિસ્થિતિમાં ફરક પડ્યો છે.

વિરોધ પક્ષના નેતા ક્યારે પગાર અને ભથ્થાંના લાભ મેળવી શકે?
વિધાનસભા અધિનિયમ, 1979ની કલમ-2 (બ)માં વિરોધ પક્ષના નેતાની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષના નેતા એટલે વિધાનસભાના એવા સભ્ય જે વિધાનસભામાં સરકારની વિરુદ્ધમાં જે પક્ષ હોય અને જેની સંખ્યા સૌથી વધુ હોય તેના નેતા’ વિરોધ પક્ષના નેતાની આ વ્યાખ્યામાં અધ્યક્ષે માન્યતા આપવાની બાબતનો કોઇ ઉલ્લેખ નથી અને તેથી એવી વિચિત્ર પરિસ્થિતિ થઇ છે કે જે પક્ષના સભ્યોની સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/10 કરતાં ઓછી હોય અને જે પક્ષને પક્ષ તરીકે અધ્યક્ષ તરફથી માન્યતા આપવામાં આવી ન હોય એ પક્ષના નેતા પણ વિધાનસભામાં રાજ્ય સરકારની વિરુદ્ધમાં જે પક્ષો હોય તે પક્ષોમાં સૌથી મોટા પક્ષના નેતા હોય તો તે વિરોધ પક્ષના નેતા ગણાય અને ઉપરોક્ત અધિનિયમ નીચે વિરોધ પક્ષના નેતા તરીકે પગાર અને ભથ્થાં તથા બીજી સવલતો મેળવવાને હકદાર ગણાય.

1980માં ભાજપ અને 1981માં જનતા પક્ષના વિપક્ષ નેતા
મે, 1980ની સામાન્ય ચૂંટણી ગુજરાત વિધાનસભામાં જનતા પાર્ટીના 21 સભ્યો ચૂંટાયા હતા અને ભાજપના 9 સભ્યો ચૂંટાયા હતા. વિધાનસભામાં તે પક્ષો રાજ્ય સરકારની વિરૂદ્ધમાં હતા. આ સંજોગોમાં જનતા પક્ષને વિરોધ પક્ષ તરીકે માન્ય કરવામાં આવ્યો હતો અને તેના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્ય કરવામાં આવ્યા હતા. તા. 3/7/81ના રોજ જનતા પક્ષની સભ્ય સંખ્યા ઘટીને 18 થઈ હતી અને તેથી તે પક્ષની પક્ષ તરીકેની અને તે પક્ષના નેતાની વિરોધ પક્ષના નેતા તરીકેની માન્ય રદ થવાને પાત્ર છે કેમ કે, તે પ્રશ્નની વિચારણા કરવામાં આવી હતી. વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 182 હોવાથી તેની 1/10 સંખ્યા 18.2 થતી હતી. 18.2માં અપૂર્ણાંક આવતો હોવાથી અને તે અડધા કરતા ઓછો હોવાથી પક્ષને માન્યતા આપવાના હેતુ માટે 18ની સંખ્યા પૂરતી થાય એમ ગણવામાં આવ્યું હતું અને તેથી જનતા પક્ષની માન્યતા ચાલુ રાખવામાં આવી હતી અને તે પક્ષના નેતાની વિરોધ પક્ષના નેતા તરીકેની માન્યતા ચાલુ રાખવામાં આવી હતી.

વર્ષ 1982માં પણ જનતા પક્ષની સભ્ય સંખ્યા ઓછી
તા. 18/3/82ના રોજ જનતા પક્ષની સભ્ય સંખ્યા 17ની થતાં તે પક્ષની પક્ષ તરીકેની અને તે પક્ષના નેતાની વિરોધ પક્ષના નેતા તરીકેની માન્યતા રદ થવા પાત્ર છે કે કેમ તે પ્રશ્રની વિચારણા કરવામાં આવી હતી. અધ્યક્ષે એવો નિર્ણય લીધો હતો કે અધ્યક્ષનો આદેશ ક્રમાંક-30 અધિનિયમની જોગવાઇઓની ઉપરવટ જઈ શકે નહિ અને અધિનિયમમાં ફક્ત એવી જ જોગવાઇ છે કે વિધાનસભામાં રાજય સરકારની વિરુદ્ધમાંના પક્ષોમાંના જે પક્ષની સંખ્યા સૌથી વધુ હોય તે પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા ગણાય અને તેથી જનતા પક્ષની સભ્ય સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/10 કરતાં ઓછી છે, છતાં રાજ્ય સરકારની વિરુદ્ધમાં જે બે પક્ષો છે તેમાં જનતા સભ્ય સંખ્યા વધારે હોવાથી તેના નેતા વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહે છે. એ જ રીતે 1985ની સામાન્ય ચૂંટણીમાં જનતા પક્ષને 182ના ગૃહમાં ફક્ત 14 જ બેઠકો મળવા છતાં તે પક્ષ વિધાનસભામાં વિરોધ પક્ષોમાં સૌથી મોટો પક્ષ હોવાથી તે પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા ગણાય છે.

કલમ-8માં 1968માં સુધારો કરાયો
સુધારેલા નિયમોમાં વિરોધ પક્ષના નેતાને ભાડું આપ્યા સિવાય રાચરચીલા સાથેના રહેવાના મકાનની સુવિધા આપવામાં આવી હતી. વર્ષ 1979 સુધી વિરોધ પક્ષના નેતાને પગાર આપવામાં આવતો ન હતો, પરંતુ 1979માં વિધાનસભાએ ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) પગાર અને ભથ્થાં અધિનિયમ, 1979 પસાર કર્યો છે અને ત્યારથી વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કેબિનેટ કક્ષાના મંત્રી જેટલાં પગાર અને ભથ્થાં, ઓફિસ અને સ્ટાફ, રહેવા માટે રાચરચીલા સહિતનું મકાન અને બીજી સવલતો આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...