મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા:ગડકરીએ કબૂલ્યું- અમદાવાદ-મુંબઈ હાઈવે જોખમી, સોખડાના આનંદસાગર સ્વામીએ મહાદેવ વિશે એલફેલ બોલી માફી માગી

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે બુધવાર, તારીખ 7 સપ્ટેમ્બર, ભાદરવા સુદ બારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે તમિલનાડુના કન્યાકુમારીથી રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા, 3500 કિમીની કુલ યાત્રા
2) આજે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચેના કાયદાકીય, કારોબારી સત્તાને લગતા કાયદાકીય મુદ્દા પર 5 જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરશે
3) ગુજરાતના ગૌ શાળા-પાંજરાપોળના સંચાલકો ભાભરમાં સંમેલન યોજશે, સરકાર સામે લડત આદરવા રણનીતિ ઘડશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સોખડાના આનંદસાગર સ્વામી મહાદેવ વિશે એલફેલ બોલ્યા, હોબાળો થતાં માફી માગતાં કહ્યું: 'શિક્ષા તરીકે 7 દિવસના ઉપવાસ કરીશ, શિવજી દેવાધિદેવ છે'
સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ તેમણે આ અંગે માફી માગી છે. તેમજ શિવજી દેવાધિદેવ છે અને શિક્ષારૂપે સાત દિવસના ઉપવાસ અને મૌન રાખીશ એમ જણાવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

2) સાયરસ મિસ્ત્રીનું મોત થયું હતું તે અમદાવાદ-મુંબઈ હાઈવે ડેન્જર-ગડકરીએ કબૂલ્યું; ત્યાં રોજ 1.25 લાખ વાહનોની અવરજવર
અમદાવાદ-મુંબઈ હાઈવે કે જેના પર ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત થયો હતો, તેને સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ જોખમી માને છે. સાયરસની કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ (PCU) છે, તેથી અહીં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શક્યતા ઘણી વધારે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં આખું ટ્રેક્ટર ભરીને શ્રીજીની મૂર્તિઓ લાવ્યા ને તળાવમાં ફેંકી દીધી, ભાજપના કોર્પોરેટરની કાર નજીકમાં જ ઊભી હતી, વીડિયો વાઇરલ
વડોદરા શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તો શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ઈટાલિયાએ કહ્યું- PAASને અમારું ગમે તે બેઠક પર ચૂંટણી લડવા આમંત્રણ, કથીરિયાએ કહ્યું-AAPએ અમારો સંપર્ક કર્યો નથી!
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સુરતના રાજકારણની સીધી અસર ગાંધીનગર જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ દેખાતી હોય છે. એને કારણે સુરતમાં બનેલા રાજકીય માહોલનો સીધો ફાયદો સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીને મળી શકે. ત્યારે સુરતમાં પાટીદારોની સંસ્થા PAAS અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે જોડાણની વાતો વચ્ચે ડખા પડ્યાના સંકેતો વધુ દેખાઈ રહ્યા છે. ઈટાલિયાએ કહ્યું- PAASને અમારું ગમે તે બેઠક પર ચૂંટણી લડવા આમંત્રણ છે, ત્યારે કથીરિયાએ કહ્યું-AAPએ અમારો સંપર્ક કર્યો નથી!
વાંચો સમાચાર વિગતવાર

5) સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘૂસી ગયું, અકસ્માતમાં ત્રણ લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. લીંબડીના કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ટ્રાવેલર ડમ્પર પાછળ ઘુસી જતા હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) આણંદમાં અમૂલના વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહનો ભવ્ય વિજય, કુલ 15 મતમાંથી હરિફ રાજેશ પાઠકને 6 અને રાજેન્દ્રસિંહને 9 મત મળ્યાં
આણંદ અમૂલ ડેરીમાં સરકારી પ્રતિનિધિની નિમણૂકનો હાઈકોર્ટમાં અટવાયેલ વિવાદનો ચુકાદો આવતા અમૂલ ડેરીના વાઈસ ચેરમેનની ચૂંટણી હાઈકોર્ટના આદેશ બાદ મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારી એવા આણંદ પ્રાંત વિમલ બારોટે મતગણતરી કરી પરિણામ જાહેર કર્યું હતું. આ પરિણામમાં કુલ 15 મતમાંથી રાજેન્દ્રસિંહ પરમારને 9 મત અને તેમના હરિફ રાજેશ પાઠકને 6 મત મળ્યા હતાં. રાજેન્દ્રસિંહને વિજેતા જાહેર કરતાની સાથે જ રાજેન્દ્રસિંહના ટેકેદારોએ તેમની વધામણી કરી હતી અને હારતોરા કરી વિજયઘોષ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) મુંબઈના વર્લી સ્મશાનગૃહમાં પારસી રિવાજ મુજબ સાયરસ મિસ્ત્રીના અંતિમસંસ્કાર, ગાયત્રીમંત્ર અને ભજન સાથે વિદાય અપાઈ
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મુંબઈના વરલી સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. તેમની અંતિમયાત્રા મુંબઈના વાલકેશ્વરમાં સી ફેસિંગ મેન્શનથી વરલી સ્મશાનગૃહમાં પહોંચી હતી. સાયરસ મિસ્ત્રીના અંતિમસંસ્કાર પારસી રિવાજ અનુસાર કરવામાં આવ્યા સાયરસ મિસ્ત્રી માટે આયોજિત પ્રાર્થનાસભામાં ગાયત્રીમંત્ર અને ગોવિંદ ગોપાલનાં ભજનો પણ ગાવામાં આવ્યાં હતાં. આકાશ અંબાણી, HDFC ચેરમેન દીપક પારેખ, NCP નેતા સુપ્રિયા સુલે અંતિમસંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યાં હતા.
વાંચો સમાચાર વિગતવાર

8) દક્ષિણ ભારત વરસાદથી તરબોળ, બેંગલૂરુમાં IT કર્મચારીઓ જેસીબી અને ટ્રેક્ટરમાં ઓફિસે જઈ રહ્યા છે!
હવામાન વિભાગે મંગળવારે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 8 અને 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલૂરુમાં જનજીવન થંભી ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે અને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ છે. સિલિકોન વેલી કહેવાતા બેંગલૂરુમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ચારેય બાજુ પાણી ભરાઈ જતાં આઈટી કર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીમાં બેસીને ઓફિસે જઈ રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) શેખ હસીના સાથે ગૌતમ અદાણીએ મુલાકાત કરી, ઝારખંડમાં બનેલા પ્લાન્ટની સંપૂર્ણ વીજળી બાંગ્લાદેશને મળશે
2) સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નહીં રમે
3) રિલાયન્સે સેન્સહૉકની 79.4% હિસ્સેદારી ખરીદી, કંપનીને ન્યૂ એનર્જી બિઝનેસમાં મળશે મદદ
4) સુરતમાં કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ કહ્યું- આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે
5) આપની રોજગાર ગેરંટી યાત્રામાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં 82600 બેરોજગાર નોંધાયા
6) ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા વિધાનસભા સત્રના દિવસે એક લાખ માલધારીઓ ગાંધીનગરમાં ઉમટશે
7) વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈને કહ્યું-રઘુ શર્માના પુત્ર પ્રેમને કારણે મારે રાજીનામું આપવું પડ્યું, મારી વિરુદ્ધ ષડયંત્ર થતાં
8) માગોનો ઉકેલ ન આવતા ગીર જંગલમાં ફરજ બજાવતા વનરક્ષકો-વનપાલ કર્મીઓમાં રોષ; અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા

આજનો ઈતિહાસ
7 સપ્ટેમ્બર 2008નાં રોજ ભારત-અમેરિકા વચ્ચે થયેલા પરમાણુ કરાર અંતર્ગત NSGના 45 સભ્યોને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ વેપારની છૂટ આપી હતી.

આજનો સુવિચાર
રોજેરોજ સારું કામ કરો, સમય આવ્યે તેનું પરિણામ જરૂર મળશે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...