તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગીકરણનો વિરોધ:‘મૈં દેશ નહીં ઝૂકને દૂંગા - મૈં દેશ નહીં બીકને દૂંગા'નું સુત્ર આપનાર ભાજપે રૂ. 6 લાખ કરોડની દેશની સંપત્તિ વેચવા કાઢી: અર્જુન મોઢવાડિયા

અમદાવાદ24 દિવસ પહેલા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • કેન્દ્ર દ્વારા સરકારી સંપત્તિના ખાનગીકરણ કરવા સામે કોંગ્રેસનો વિરોધ
  • કોંગ્રેસ સરકારની કરકસર કરીને ઉભી કરેલ અબજોની સરકારી સંપત્તિ મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરું: મોઢવાડિયા

કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે. આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે. જેનો હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, દેશની ભાજપની ભાગીદારીવાળી પહેલી કેન્‍દ્ર સરકારે સોનું ગીરવે મૂકીને દેશને અધોગતિમાં ધકેલ્‍યા બાદ હવે પૂર્ણ બહુમતી મેળવ્‍યા બાદ દેશની રૂ. 6 લાખ કરોડની મહામુલી સંપત્તિ વેચવા કાઢવાનો રોડ મેપ બનાવીને ભાજપની કેન્‍દ્ર સરકારે કોંગ્રેસની સરકારોએ કરકસર કરીને ઉભી કરેલ અબજોની સરકારી સંપત્તિ તેમજ દર વર્ષે અબજો રૂપિયા કમાવી આપતા જાહેર સાહસોની સંપત્તિ પોતાના મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરું કર્યું છે.

કોંગ્રેસ નેતાની ફાઈલ તસવીર
કોંગ્રેસ નેતાની ફાઈલ તસવીર

સરકાર કેવી રીતે 6 લાખ કરોડ ઊભા કરશે?
અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, 15 ઓગસ્‍ટે સામાન્‍ય રીતે દેશ માટે નવા મહત્‍વના પ્રોજેક્‍ટ કે લોકોપયોગી યોજનાઓની જાહેરાત વડાપ્રધાનો કરતા હોય છે, પરંતુ વર્તમાન વડાપ્રધાન મોદીએ દેશની રૂ. 6 લાખ કરોડની સંપત્તિ ખાનગી કંપનીઓને હવાલે કરી દેવાની જાહેરાત કરી અને ગઈકાલે કેન્‍દ્રના નાણામંત્રીએ રૂ. 6 લાખ કરોડની રાષ્‍ટ્રીય સંપત્તિ વેચાણ માટે મૂકવાની જાહેરાત કરી દીધી.

આ વેચાણ માટે મુકેલ સંપત્તિમાં રૂ. 1.6 લાખ કરોડના રસ્‍તા, રૂ. 1.5 લાખ કરોડના 400 રેલ્‍વે સ્‍ટેશન તથા 150 ટ્રેન, રૂ. 67 હજાર કરોડની પાવર ટ્રાન્‍સમિશન લાઈન, રૂ. 24 હજાર કરોડની ગેસ પાઈપલાઈન, રૂ. 32 હજાર કરોડના વીજ ઉત્‍પાદક એકમો, રૂ. 20 હજાર કરોડની ઓઈલ પાઈપલાઈન, રૂ. 39 હજાર કરોડના બીએસએનએલના કેબલ નેટવર્ક તથા ટાવરો, રૂ. 32 હજાર કરોડના માઈનીંગ પ્રોજેક્‍ટ, રૂ. 34 હજાર કરોડના 21 એરપોર્ટ તથા મેજર પોર્ટ્‌સ, રૂ. 11 હજાર કરોડના 2 રમતગમતના સ્‍ટેડીયમનો સમાવેશ થાય છે. અગાઉ એરઈન્‍ડિયા, એલઆઈસી અને ભારત પેટ્રોલિયમ વેચવાનો નિર્ણય લેવાઈ ચૂક્‍યો જ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની ફાઈલ તસવીર
નાણામંત્રી નિર્મલા સીતારમણની ફાઈલ તસવીર

ભાજપ સરકાર નામ બદલવામાં શુરવીર
અર્જુનભાઈ મોઢવાડીયાએ વધુમાં કહ્યું કે, લોકકલ્‍યાણને વરેલી સરકારો સામાન્‍ય રીતે જનતા માટે ઉપયોગી માળખાકીય વ્‍યવસ્‍થાઓ ઉભી કરતી હોય છે. કોંગ્રેસની સરકારોએ રેલ્‍વે, રોડ, શૈક્ષણિક તથા વૈદ્યકીય સંસ્‍થાઓ-દવાખાના, બંદરો, એરપોર્ટ, જાહેર સાહસો, સંશોધન સંસ્‍થાઓ ઉભી કરી હતી. કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? એવો પ્રશ્ન પૂછનારાઓને વડાપ્રધાને લાલ કિલ્લા ઉપરથી જ જવાબ આપી દીધો કે વર્તમાન ભાજપ સરકાર જે સંપત્તિઓ મુડીપતિ મિત્રોને પધરાવી રહી છે તે તમામ મહામુલી સંપત્તિનું સર્જન કોંગ્રેસની સરકારોએ જ કર્યું હતું.

નામ બદલવામાં શુરવીર ભાજપ સરકારે જેવી રીતે ઉત્તરપ્રદેશમાં શહેરોનાં નામ બદલ્‍યાં અને ગુજરાતમાં અમદાવાદ મોટેરાના ‘સરદાર પટેલ ક્રિકેટ સ્‍ટેડીયમ'નું નામ બદલીને ‘નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડીયમ' કર્યું તેમ દેશની સરકારી તેમજ જાહેર સાહસોની સંપત્તિના વેચાણને પણ ‘મોનેટાઈઝેશન ઓફ એસેટ્‍સ' અને ‘ડીસઈન્‍વેસ્‍ટમેન્‍ટ' જેવાં રૂપાળાં નામો દીધાં.

સરકારી સંપત્તિનું ખાનગીકરણ અટકાવવા કોંગ્રેસ કરશે વિરોધ
અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે, 2014ની લોકસભાની ચુંટણીઓ વખતે ‘મૈં દેશ નહીં ઝૂકને દૂંગા - મૈં દેશ નહીં બીકને દૂંગા'ની કવિતા વાંચનાર પોતે જ કાયરતાપૂર્ણ પગલું લઈને ચીન સામે અને અફઘાનિસ્‍તાનમાં તાલીબાનો સામે દેશને ઝુકાવી દીધો અને દેશને મુડીપતિઓને હવાલે કરવાના ઈરાદાથી મોટાભાગની સંપત્તિઓ મુડીપતિ મિત્રોને પધરાવીને ‘રોકડા' કરી રહ્યા છે. વિદેશમાં ગીરવી મુકેલું સોનું જે-તે વખતની કોંગ્રેસની નરસિંહરાવની સરકારના નાણામંત્રી ડો. મનમોહન સિંઘે પરત લાવીને દેશને વિકાસના મોડ ઉપર મુકી દીધું હતું તેનાથી વિરૂદ્ધ વર્તમાન ભાજપની સરકાર દેશને વેચી રહી છે, જે હરગીઝ ચલાવી લેવાય નહીં. કોંગ્રેસ પક્ષ દેશની મહામુલી સંપત્તિઓના વેચાણને અટકાવવા બધા જ પ્રયાસો કરશે.