શાસક-વિપક્ષ સામ સામે:કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદના અદાણી એરપોર્ટ અને ગેસનો રૂ.12 કરોડનો ટેક્સ બાકી, શાસક ભાજપે કહ્યું રૂ. 22 કરોડનો ટેક્સ ભરાઈ ગયો છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિપક્ષે ટેક્સ વસૂલવા માટેની રજૂઆત કરી 
મેયરને આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
વિપક્ષે ટેક્સ વસૂલવા માટેની રજૂઆત કરી મેયરને આવેદનપત્ર આપ્યું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા ટેક્સ ધારકોને નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ 10 ટકા વોરંટ બજવણી કરી નોટિસ આપવામાં આવે છે. પરંતુ અદાણી એરપોર્ટનો રૂ. 12 કરોડનો ટેક્સ બાકી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇ આજે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મેયર કિરીટ પરમાર પરમારને ટેક્સ વસૂલવા માટેની રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.

અદાણી ગેસ અને એરપોર્ટનો બાકી ટેક્સ AMC વસૂલતી નથીઃ વિપક્ષ
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, અદાણી ગેસનો વિવિધ જગ્યાનો 5.64 કરોડ અને અમદાવાદ અદાણી એરપોર્ટનો 6.14 કરોડનો એમ બંને જગ્યાનો કુલ 11.78 કરોડનો ટેક્સ બાકી છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ટેક્સ વસૂલતી નથી. બીજી તરફ સામાન્ય વ્યક્તિને રૂ. 5000નો ટેક્સ બાકી હોય તો 10 ટકા વોરંટ બજવણી ફી ઉમેરી નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ મિલકત જપ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે.

વિપક્ષના નેતા પાસે માહિતીનો અભાવઃ રેવન્યૂ કમિટીના ચેરમેન
​​​​​​​વિપક્ષના નેતાના આક્ષેપનો જવાબ આપતા રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ પાસે માહિતીનો અભાવ છે. વર્ષ 2019માં જ્યારે અદાણી ગ્રુપ દ્વારા એરપોર્ટને ટેક ઓવર કરવામાં આવ્યું હતું ત્યારે રૂ.22 કરોડનો ટેક્સ બાકી નીકળતો હતો તે વર્ષ 2021 જાન્યુઆરીમાં વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ અને કેન્દ્ર સરકારનો કરાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિનિયર એડવોકેટનો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. જેમાં મિલકત પાછલી તારીખથી ભાડા કરાર હતો જેથી ફરીથી આકારણી કરવામાં આવી હતી. ​​​​​​​જેમાં ટેક્સની રકમમાં રૂ. 9.94 કરોડનો વધારો થયો હતો.

એરપોર્ટના રૂ.9.94 કરોડના ટેક્સના બિલ મોકલી આપ્યા
​​​​​​​​​​​​​​અમદાવાદ એરપોર્ટનો રૂ.9.94 કરોડનો ટેક્સનો વધારો થયો હોવાના બિલ થોડા સમય પહેલા મોકલી આપવામાં આવ્યા છે. આ વધારા સાથેનું બિલ કોર્પોરેશન દ્વારા મોકલી આપવામાં આવતા અદાણી ગ્રુપના પ્રતિનિધિ દ્વારા ઝડપથી ચુકવણી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. બીજી બાબત એ છે કે રૂપિયા 5000 નહીં પરંતુ 50000થી વધારે જેનો ટેક્સ બાકી હોય તેને નોટિસ આપવામાં આવે છે અને ત્યારબાદ પણ જો ચૂકવણી ન કરવામાં આવે તો તેની મિલકત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...