ગુડ મોર્નિંગ ગુજરાત:ખેડૂત બિલ સામે આજથી ગુજરાતમાં પણ કોંગ્રેસનું આદોલન, સરદારબ્રિજ પર 100નો ટોલ છતાં 2-2 ફૂટના ખાડાથી 16 કિમી જામ

અમદાવાદએક વર્ષ પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 4 ઘટના પર રહેશે નજર

1. કૃષિ બિલના વિરોધમાં આજથી કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન
કેન્દ્ર સરકારે પસાર કરેલા ખેડૂતો અંગેના કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ખેડૂતો સાથે મળીને આજથી રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે. આ અંતર્ગત 26મીએ સ્પીક ફોર ફાર્મરનું ઓનલાઇન આંદોલન શરૂ કરાશે. 28મીએ ગાંધીનગર ખાતે આવેદન સાથે ગવર્નર હાઉસ કૂચ કરાશે અને 2 ઓક્ટોબરે ખેડૂતો તથા ખેડૂત સંગઠનો સાથે મળીને કોંગ્રેસ આંદોલન કરશે.

2. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌથી વધુ ગીરપંથકમાં વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી હળવથી ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે.

3. રાજ્યમાં ધો.11-12ની તૃતીય એકમ કસોટી આજથી શરૂ
સમગ્ર રાજ્યમાં ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ તથા આર્ટ્સ શાખામાં આજથી ચાર દિવસ સુધી તૃતીય એકમ કસોટી યોજાશે. આ કસોટી માટે ધોરણ 11-12 સાયન્સમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનો સમાવેશ કરાયો છે. દરેક પ્રશ્નપત્ર 25 માર્ક્સનું છે અને તેનો સમયગાળો એક કલાકનો રહેશે. જ્યારે કોમર્સમાં બી.ઓ., સ્ટેટિસ્ટિક્સ અને અંગ્રેજીનો સમાવેશ કરાયો છે.

4. સુરતમાં આજે આખા જિલ્લાની ઇ-લોક અદાલત યોજાશે
રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે સુરત જિલ્લામાં ઈ-લોક અદાલત યોજવામાં આવશે. આ અંતર્ગત જિલ્લાના તમામ સુરત, બારડોલી, કઠોર, ઓલપાડ, માંગરોળ, માંડવી, પલસાણા, મહુવા તથા ઉમરપાડા તાલુકાની કોર્ટમાં ઇ-લોક અદાલત યોજાશે. આમાં ઈલેક્ટ્રોનિક માધ્યમથી દલીલો રજૂ કરી શકાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1. ભરૂચ સરદારબ્રિજ પર રૂ. 100નો ટોલ છતાં 2 ફૂટના ખાડા, 16 કિમી ટ્રાફિકજામ
નેશનલ હાઇવે નં-48 ઉપર ભરૂચ પાસે આવેલા સરદારબ્રિજ પર 2 ફૂટ સુધીના ખાડા પડી ગયા છે. આ કારણે 3 દિવસથી અહીં 16 કિમી સુધી ટ્રાફિકજામ થાય છે. આ બ્રિજ પર કારના 25 રૂપિયાથી લઇને મોટાં વાહનોના 100 રૂપિયા સુધીનો ટોલ લેવાય છે છતાં મોટા ખાડાને કારણે એક કિમીનું અંતર કાપતાં એકથી દોઢ કલાક લાગી જાય છે.
વાંચો સમાચાર વિગતવાર

2. રાજ્યમાં નવી ફાયર સેફ્ટી પોલિસી આવશે, ખાનગી એજન્સી કાર્યરત થશે
અમદાવાદની શ્રેય હોસ્પિટલ, સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સ સહિતની આગની દુર્ઘટનાઓને લીધે ખૂબ બદનામ થયેલી ગુજરાત સરકાર હવે નવી ફાયર સેફ્ટી પોલિસી બનાવી રહી છે. આમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટેની જવાબદારી ખાનગી એજન્સીને સોંપશે. ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ ખાનગી એજન્સી જ આપે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
વાંચો સમાચાર વિગતવાર

રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.
રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા.

3. હાર્દિક પટેલની 90 દિવસ રાજ્ય બહાર જવા માટેની અરજી કોર્ટે ફગાવી
કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે જામીન માટેની શરતોમાં ફેરફાર કરીને 90 દિવસ સુધી રાજ્ય બહાર જવા માટે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4. LRD ભરતી મામલે રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટની નોટિસ
LRD ભરતી મામલે 316 ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે LRDના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો છે. આને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ ફટકારી 6 ઓક્ટોબરે વધુ સુનાવણી પહેલાં જવાબ આપવા કહ્યું છે. જ્યારે હવેથી કોરોનાના દર્દીઓનાં નામ નહીં, પણ તેમનો વિસ્તાર જ જાહેર કરવો તેવો પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5. ગુજરાતમાં 2 વર્ષમાં દુષ્કર્મ-છેડતીની 4 હજારથી વધારે ઘટના
2014થી અત્યારસુધીમાં ગુજરાતમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 કેસ નોંધાયા હોવાનું ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જણાવ્યું છે. આ આંકડા મુજબ છેલ્લાં 2 વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 81 હજાર કેસ પેન્ડિંગ છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...