કોંગ્રેસનું મંથન:દિલ્હીમાં કોંગી નેતાઓએ ગુજરાતમાં 6 કમિટીઓની રચના કરીને સુકાન કોને સોંપવું તેની ચર્ચાઓ કરી, આજે પ્રભારીની બેઠક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા અને ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા હતાં. - Divya Bhaskar
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા અને ભરતસિંહ સોલંકી દિલ્હી પહોંચ્યા હતાં.
  • આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરાઈ હતી
  • ગઈ કાલે દિલ્હીથી પરત ફરેલા નેતાઓ હવે સ્થાનિક નેતાઓ સાથે આજે બેઠક કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી દ્વારા લોકસંપર્કો મજબૂત કરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસનો કકળાટ મર્યાદા બહાર વધી રહ્યો છે. ધારાસભ્યો અને નેતાઓના પક્ષપલટા બાદ પાટીદાર સમાજના શક્તિશાળી કહેવાતા નેતા હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસમાં જાણે ભૂકંપ આવ્યો છે. બીજી તરફ શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, પ્રભારી અને ભરતસિંહ સોલંકી દિલ્હી દોડી ગયા હતાં. તેમણે દિલ્હીમાં ગુજરાતમાં 6 જેટલી કમિટીઓની રચના કરીને તેની જવાબદારી કોને સોંપવી તે અંગે રાષ્ટ્રીય નેતાઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી. આજે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરશે અને આગામી રેલી અંગે ચર્ચાઓ કરશે.

કોંગ્રેસના ત્રણ નેતાઓ દિલ્હી પહોંચ્યા હતાં
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુશર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી શુક્રવારે બપોરે દિલ્હી પહોંચી ગયાં હતાં. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોવાથી ગુજરાતના નેતાઓને કે.સી. વેણુંગોપાલ સહિતના નેતાઓ મળ્યાં હતાં. આ બેઠકમાં ગુજરાતના નેતાઓ અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરાઈ હતી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેમ્પેઈન કમિટી, મીડિયા કમિટી, ચૂંટણી પ્રચાર કમિટી સહિતની 6 કમિટીઓની રચના કરીને તેનું સુકાન કોને સોંપવું તે અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી.

પક્ષના આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચાઓ થઈ
સુત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના આગામી કાર્યક્રમો સંદર્ભે પણ વાત થઈ હતી. રાજસ્થાનના ઉદયપુર ખાતે કોંગ્રેસની ચિંતન શિબિર મળી હતી. જેમાં પાંચ પાંચ વર્ષથી વધુ સમય સુધી કોઈ રહી નહીં શકે, ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ રહેશે. એક જ પરિવારમાંથી બે ટિકીટ નહીં. તે સહિતના નિર્ણયો કરાયાં હતાં. આ નિર્ણયના અમલીકરણ સંદર્ભે પણ ચર્ચાઓ થઈ હતી.

આજે પ્રભારી રઘુ શર્મા સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે
ગુજરાત કોંગ્રેસ માટે ચૂંટણી ઢંઢેરા કમિટી, કોર કમિટી અને મીડિયા કમિટીના મુદ્દે પણ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચાઓ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસમાં હજુ નિમણૂંકો બાકી છે. આ બેઠકમાં ઝડપથી નિમણૂંકો કરવા મંથન કરવામાં આવ્યું છે. ગઈ કાલે દિલ્હીથી પરત ફરેલા નેતાઓ હવે સ્થાનિક નેતાઓ સાથે આજે બેઠક કરશે. જેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજશે. જેમાં આગામી સમયમાં કોંગ્રેસ તરફથી આયોજિત થનારી રેલીઓ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...