તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું 'શાહ' લેશે નિર્ણય?:અમદાવાદમાં રથયાત્રા અંગેની અસમંજસની સ્થિતિ, 21મીએ અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ ઉકેલ આવી શકે છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશન અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ હાજરી આપવા અમિત શાહ ગાંધીનગર આવશે

અમદાવાદમાં રથયાત્રા અંગેની અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી કે નહિ એનો નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21મી જૂને ગુજરાતની મુકાલાતે આવી રહ્યા છે, ત્યારે રથયાત્રા અંગેનો આખરી નિર્ણય શાહ સાથેની ચર્ચા બાદ ઉકેલાઈ શકે છે.

વેકિસનેશન કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 21 જૂનના રોજ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે. વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર 28ની વસંત કુવરબા હાઇસ્કૂલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસંદ કરેલા પાલ અને કોલવડા સાથે વેકિસનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઈલ તસવીર.

શાહ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે એવી શક્યતા
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી થોડીક ધીમી ચાલી રહી છે, જેને લીધે વેક્સિનેશનની ખૂબ જ ધીમી કામગીરીને લઈને સાંસદ અમિત શાહ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જશે. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મુલાકાત દરમિયાન તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જવાની સાથે આગામી રથયાત્રા અંગે પણ મહત્ત્વના સંકેતો આપી શકે છે. આ સિવાય તેઓ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે એવી શક્યતા છે.

રથયાત્રા કાઢવા યોગ્ય સમયે નિર્ણય લેવાશે:સીએમ
મુખ્યમંત્રીએ કહ્યું હતું તે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ છે. ત્યારે પ્રજાની સાવચેતી અને સલામતી માટેની જવાબદારી બને છે. આપણે લોકડાઉન વિના જ કોરોનાને હરાવ્યો છે. સ્થિતિ હવે નિયંત્રિત થઈ રહી છે, પરંતુ રથયાત્રા કાઢવા યોગ્ય સમયે જ નિર્ણય લેવાશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે રથયાત્રાની તૈયારીઓને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વીડિયો- કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. રથયાત્રાને લઈ મંદિર તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગૃહમંત્રીના હસ્તે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું.
ગૃહમંત્રીના હસ્તે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે, એમ જણાવ્યું છે. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.

ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી.
ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં યોજાઈ હતી.

મંદિરના ટ્રસ્ટી શું કહે છે?
જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્ય સરકારની મંજૂરી લેવાની છે. રથયાત્રા કાઢવા મામલે સોમવારે મંજૂરી માટે પોલીસ કમિશનરને મળી અરજી આપવામાં આવશે. પોલીસ અને સરકાર જે રીતે પરવાનગી આપશે એ રીતે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે એ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.

રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ
આજે સવારે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પના ઉદઘાટન બાદ સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. દર્શન કર્યાં બાદ સેક્ટર 1 જેસીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ , એસીપી અને પીઆઇ સાજીદ બલોચે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચાવિચારણા કરી હતી. પોલીસ કમિશનરની વીડિયો-કોન્ફરન્સ બાદ આજે જેસીપીએ મુલાકાત લેતાં હવે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે ખલાસી ભાઈઓએ પણ મીટિંગ કરી હતી.