કામગીરી:પાણી અને ગટર લાઈન મોટર ખરીદીના 7 કરોડના કામોને બહાલી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતમાં નવનિયુક્ત ચેરમેન પ્રથમ બેઠક યોજી
  • સરકારના કામોની દસ મહિનાની મુદત વધારાઇ

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સિંચાઇ સમિતિના નવનિયુક્ત ચેરમેને મંગળવારે પ્રથમ બેઠક યોજી હતી. સિંચાઈ સમિતિમાં પીવાના પાણી, ગટર લાઈન અને મોટર ખરીદીના મળી કુલ 7 કરોડ કામોને બહાલી અપાઇ હતી. પ્રત્યેક તાલુકામાં સિંચાઇના કામો ને આવરી લેવાયા હોવાનો સમિતિના ચેરમેને દાવો કર્યો હતો. સરકારના કામોની દસ મહિનાની મુદત વધારાઈ છે.

જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન ચંપા ઘનશ્યામ ઠાકોરે કહ્યુ કે, સિંચાઇ સમિતિના પાંચ સભ્યો માંથી એક સભ્ય કોરોનાના ચેપના લીધે હાજર રહ્યા ન હતા. સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રત્યેક તાલુકામાં વરસાદી પાણીની ગટર લાઈન નાખવાના કામોને બહાલી અપાઇ હતી. પીવાના પાણીની પાઈપલાઈન નાખવા માટે પણ વિવિધ કામોને મંજૂર કરાયા હતા. નાની સિંચાઈ રિચાર્જ કરવા ૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત પાણીની મોટર 20 નંગ ખરીદાશે. જે ગામોમાં પાણીની મોટરની જરૂરિયાત હતી. તેઓને પ્રથમ આપવામાં આવશે. હવે જરૂરિયાત મુજબ જ પાણીની મોટર ખરીદવામાં આવશે. બેઠકમાં સરકારી યોજના હેઠળ ચાલતા 10 જેટલા કામો ને દસ મહિનાની મુદત વધારી અપાઈ છે. આ ઉપરાંત સરકારમાંથી મંજૂરી થઈને આવેલા સિંચાઈના 14 કામોને સમિતિ દ્વારા બહાલી અપાઇ છે. રાજ્યમાં લોકડાઉનના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ થઈ શક્યો નથી. વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવા સહિતની કામગીરી માટે મજૂરો પણ ઉપલબ્ધ ન હતા. જેના પગલે સમિતિની બેઠકમાં વરસાદી પાણીના નિકાલ માટેના કામોનો સમાવેશ કરાયો છે. આ કામો તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...