અમદાવાદ શહેરમાં વરસાદી પાણીનાં નિકાલ માટેની સ્ટોર્મ વોટરની કેચપીટનાં ઢાંકણા તેમજ ડ્રેનેજ લાઇનનાં મશીન હોલનાં ઢાંકણાની ગુણવત્તાનાં મામલે અગાઉ વોટર સપ્લાય કમિટીમાં સવાલો ઉભા થયા હતા. જેને લઈ ઇજનેર ખાતા દ્વારા પરિપત્ર કરી જાણ કરવામાં આવી છે કે જે તે વોર્ડમાંથી મશીનહોલ, ચેમ્બર, કેચપીટ અને ગલી ટ્રેપનાં શીટકવર-સેટ સેન્ટ્રલ સ્ટોરમાંથી વોર્ડના આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર દ્વારા કોર્પોરેશન અથવા ખાનગી લેબોરેટરીમાં લોટ દીઠ અલગથી ટેસ્ટિંગ કરાવવાનું રહેશે. 50 નંગમાંથી દરેક વસ્તુના દરેક સાઈઝના એક નંગને ટેસ્ટ માટે ફરજિયાત મોકલવાનો રહેશે. જો સેમ્પલ ટેસ્ટ ફેલ આવે તો આખો સેટ પરત કરવાનો રહેશે.
કેચપીટનાં ઢાંકણા તૂટેલાં હોવાની ફરિયાદો ઉઠી હતી
મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય કમિટીની બેઠકમાં સભ્યોએ કેચપીટનાં ઢાંકણા તૂટેલાં હોવાની ફરિયાદો ઉઠી હતી. તે સમયે ઇજનેર અધિકારીઓએ સેન્ટ્રલ સ્ટોર્સમાંથી ઢાંકણા આવતાં હોવાનું કહી પોતાનો બચાવ કર્યો હતો. સેન્ટ્રલ સ્ટોર્સનાં અધિકારીઓએ ઇજનેર કર્મચારીઓની હાજરીમાં ઢાંકણા ટેસ્ટિંગ થઇને આવતાં હોવાનો ખુલાસો કરતાં એવી સ્પષ્ટતા કરી હતી કે, સેન્ટ્રલ સ્ટોર્સમાંથી મોકલવામાં આવતાં ઢાંકણા ખૂટે તો જે તે ઝોનનાં ઇજનેર ખાતા દ્વારા અલગથી ઢાંકણા ખરીદવામાં આવે છે તે હલકી ગુણવત્તાનાં હોઇ શકે છે. સેન્ટ્રલ સ્ટોર્સનાં ખુલાસાને મટીરિયલ મેનેજમેન્ટ કમિટીનાં ચેરમેને પણ માન્ય રાખ્યો હતો.
50 નંગ માટે એક નંગનું અને 100 નંગ માટે બે નંગનું ટેસ્ટિંગ થશે
સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા એક પરિપત્ર જારી કરીને તમામ ઝોનનાં ઇજનેર ખાતાનાં અધિકારીઓને સૂચના પાઠવવામાં આવી છે કે વર્ષ 2021-22 માટે ફાઇબર રેઇન ફોર્સ્ડ મશીનહોલ, ચેમ્બર, કેચપીટ અને ગલી ટ્રેપનાં શીટકવર-સેટ વાર્ષિક રેટથી ખરીદવા માટે રૂ. 6.11 કરોડનું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. તે પ્રમાણે જે તે ઝોન કે વોર્ડ દ્વારા આ ચીજવસ્તુઓ મગાવવામાં આવે ત્યારે વોર્ડનાં આસિસ્ટન્ટ ઇજનેર, આસિસ્ટન્ટ સિટી ઇજનેરે મેન્યુફેક્ચરીંગ યુનિટ ખાતે ટેસ્ટિંગ માટે જવાનું રહેશે અને 50 નંગ માટે એક નંગનું ટેસ્ટિંગ અને 100 નંગ માટે બે નંગનું ટેસ્ટિંગ કરવાનું રહેશે અને તેનો ટેસ્ટિંગ રિપોર્ટ સક્ષમ સત્તાને રજૂ કરવાનો રહેશે.આ સરક્યુલર પ્રમાણે ઢાંકણા વગેરેનાં ટેસ્ટિંગ કરાવીને તે બરોબર છે તે જોવાની જવાબદારી ઇજનેર કર્મચારીઓની રહેશે.
ગુણવત્તાની જવાબદારી સબંધિત ઝોન ઇજનેર ખાતાની
ઇજનેર ખાતાએ સાતેય ઝોન માટે અલગ પરિપત્ર કરીને સેન્ટ્રલ સ્ટોર્સમાંથી સપ્લાય થયાં બાદ જે તે વોર્ડનાં આસિ.ઇજનેર અને આસિ.સિટી ઇજનેર દ્વારા અલગથી કોર્પોરેશન-પ્રાઇવેટ ટેસ્ટિંગ યુનિટ ખાતે લોટ દીઠ અલગથી ટેસ્ટિંગ કરાવવાનું રહેશે, ત્યારબાદ ટેસ્ટિંગ રિપોર્ટ સક્ષમ સત્તાને સુપરત કરવાનો રહેશે. જો કોઇ પણ લોટ પૈકી નક્કી કરાયેલ નંગ ટેસ્ટિંગમાં ફેલ પુરવાર થાય તો આખો લોટ રિજેક્ટ કરીને તેનો રિપોર્ટ કરવાનો રહેશે તેમજ સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા સપ્લાય કરવામાં આવતાં તમામ ફ્રેમ-સીટકવરની ગુણવત્તાની જવાબદારી પણ સબંધિત ઝોન ઇજનેર ખાતાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.