કામગીરી પૂરી:સાબરમતીથી બોટાદ રૂટ પર ગેજ કન્વર્ઝનની કામગીરી પૂરી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2023 સુધીમાં તમામ ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવાનો લક્ષ્યાંક

સાબરમતીથી બોટાદ સુધી મીટર ગેજને બ્રોડગેજમાં તબદીલ કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી હતી જે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે રેલવે દ્વારા આ ટ્રેકના ઈન્સ્પેક્શન માટે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ને જરૂરી દસ્તાવેજો સાથે પત્ર લખ્યો છે. ઓક્ટોબર દરમિયાન આ રૂટ પર સીઆરએસ ઈન્સ્પેક્શન પૂર્ણ કરી 15 નવેમ્બર સુધીમાં સાબરમતીથી બોટાદ સુધી ટ્રેન શરૂ કરાશે તેમ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, સાબરમતીથી બોટાદ લાઈનની ગેજ કન્વર્ઝનની કામગીરી કોરોનાને મોડી પડી હતી. હવે આ કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે લોકોની સતત માગણીને ધ્યાનમાં રાખી દિવાળી પછી આ રૂટ પર ટ્રેન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ ઘટ્યા બાદ હવે રેલવે દ્વારા 90 ટકા ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2023ના અંત સુધીમાં દેશભરના તમામ ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરી દેવાનો લક્ષ્યાંક છે. ત્યારે પશ્ચિમ રેલવેમાં 62 ટકા જેટલું ઈલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થઈ ગયું છે.

હાલમાં ફક્ત 1800 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન બાકી છે. જેમાંથી લગભગ 1000 કિલોમીટર રૂટનું ઈલેક્ટ્રિફિકેશન કામ 2021ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે. બાકીના 800 કિલોમીટરનું કામ 2022માં પૂર્ણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...