પાણીની ફરિયાદ:પશ્ચિમ અમદાવાદમાં 2 દિવસથી ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ, વોટર સપ્લાય કમિટીએ અધિકારીઓ પાસે જવાબ માગ્યો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેટલાક વોર્ડમાં છેલ્લા બે દિવસથી પાણી ઓછું આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. પાણી ઓછું આવવાની ફરિયાદ ને પગલે આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, જાસપુર કેનાલમાં નર્મદાનું પાણી આવતું હતું. જેમાં ચોમાસાના કારણે કચરો પણ સાથે આવ્યો હતો. કેનાલમાંથી આવતું પાણી જાસપુર પ્લાન્ટમાં ટ્રીટ થઈને આવે છે. જેમાં સમય લાગ્યો હતો અને તેના કારણે પાણીનો ફલો ઓછો થયો હતો.

ચોમાસામાં અમદાવાદના બાપુનગર, સરસપુર, રખિયાલ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં થાય છે. બે વિસ્તારના વરસાદી પાણીના કારણે તળાવ ઓવર ફ્લો થતું હતું. તળાવનું લેવલ ઓછું કરવા માટે હાલમાં કાર્યરત વોટર પંપિંગ સ્ટેશનથી નવા બની રહેલા 30 એમએલડીના એસટીપી પ્લાન્ટ સુધી નવી લાઈન નાખવામાં આવી હતી. જેને નવી અન્ય રાઇઝિંગ લાઈન જોડાણ કરવા માટે ના કામની મંજૂરી આજે આપવામાં આવી છે. તેથી હવે આ લાઈનનું જોડાણ થતા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં તળાવ ઓવરફ્લો નહીં થાય.

આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં ખારી કટ કેનાલ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. કરોડો રૂપિયાના ખર્ચે ખારી કટ કેનાલનો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે જેના ટેન્ડર થઈ ચૂક્યા છે. ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અનેક કંપનીઓએ ભાગ લીધો છે અને હાલમાં તેના ઇવોલ્યુશનની પ્રક્રિયા ચાલી રહી છે. ખારીકટ કેનાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી મોટો પ્રોજેક્ટ હોવાથી અધિકારીઓને ભાજપના સત્તાધીશો તેમાં કોઈ કસર ન બાકી રહી જાય તેની પૂર્ણ તકેદારી રાખી રહ્યાં છે. ચૂંટણી પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ખારીકટ કેનાલનું ખાતમુહૂર્ત થાય તે માટેના પ્રયાસો કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...