તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મા કાર્ડના સોફ્ટવેરમાં ખામીને લીધે દર્દીઓને ડાયાલિસિસની મંજૂરીમાં વિલંબની ફરિયાદો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના સોફ્ટવેરનો વપરાશ શરૂ કર્યો ત્યારથી લાભાર્થીઓની ફરિયાદો વધી
  • નવા નિયમ પ્રમાણે દરેક ડાયાલિસિસ પહેલાં દર્દીએ મંજૂરી લેવાની થાય છે

મા કાર્ડના સોફ્ટવેરમાં ખામી સર્જાતાં લાખો દર્દીઓ તેના લાભથી વંચિત થયા છે. કિડની ફેલ્યોર, કેન્સર, હૃદયની બીમારીથી પીડાતા દર્દીઓને અવારનવાર મા કાર્ડ અંતર્ગત સારવાર લેવાની થાય છે, ત્યારે હવે સોફ્ટવેરની ખામીના કારણે સારવાર પૂર્વેની મંજૂરી માટે લોકોને કલાકો રાહ જોવી પડે છે. રાજ્યમાં આશરે 10 હજાર કિડની ફેલ્યોરના દર્દીઓ છે. અત્યાર સુધી કિડની ફેલ્યોર દર્દીને 10 ડાયાલિસિસ માટે એકસાથે મંજૂરી મળતી હતી, પરંતુ હવે દરેક ડાયાલિસિસ પહેલા દર્દીએ ફરજિયાત મંજૂરી લેવી પડે છે. 8-10 કલાકના વિલંબ બાદ મંજૂરી આવે પછી જ ડાયાલિસિસ થાય છે. કેટલાંકની મંજૂરી આવતાં અઠવાડિયું પણ લાગે છે.

55 વર્ષીય તારાબેન પટેલને અઠવાડિયામાં બે વાર ડાયાલિસિસની જરૂર છે. અઠવાડિયા સુધી મંજૂરી નહીં મળતા તેમણે ખાનગી સેન્ટરમાં પાંચ હજારનો ખર્ચ કરી બે વખત ડાયાલિસિસ કરાવ્યું હતું. એ જ રીતે 41 વર્ષીય વિનંતિકાબેનને ડાયાલિસિસ માટેની મંજૂરી નહીં આવતા શારદાબેન અને શેલ્બી હોસ્પિટલ વચ્ચે ધક્કા ખાવા પડ્યા હતા. સિવિલની કિડની હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, અમારી સંસ્થામાં 950 દર્દી નિયમિત ડાયાલિસિસ કરાવે છે. નવા નિયમ પ્રમાણે દરેક ડાયાલિસિસ પહેલા દર્દીએ મંજૂરી લેવાની થાય છે. જોકે કિડની હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક જ કલાકમાં મંજૂરી આપી દેવાય છે.

આરોગ્ય સેવાના એડિશનલ ડિરેક્ટર ડૉ. એચ. કે. ભાવસારે કહ્યું કે, દર્દીઓની ફરિયાદો આવી છે. મા કાર્ડ માટે પહેલા ગુજરાત બેઝ સોફ્ટવેર વપરાતું હતું, પણ હવે સેન્ટ્રલનું સોફ્ટવેર વપરાય છે. તેના કારણે મુશ્કેલી સર્જાઈ છે. આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેનો ફોન પર સંપર્ક કરતાં, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...