AMCની સ્ટેન્ડિંગ કમિટી:અમદાવાદમાં ચોમાસામાં યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરિયાદ; સ્મશાનો, આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાએ સફાઈ કરવા સૂચના

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ચોમાસામાં વરસાદ બાદ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. રોડ ઉપર તેમજ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીની અનેક ફરિયાદો આવી રહી છે, ત્યારે હવે શહેરના સ્મશાનો, અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સફાઈના મુદ્દે ચર્ચા થઈ હતી.

સ્મશાનમાં જ્યાં લોકો વધુ સમય રોકાતા હોય છે ત્યારે ત્યાં યોગ્ય સફાઈ થતી નથી હોતી જેના કારણે લોકોને તકલીફ પડે છે. આ ઉપરાંત જેટલા પણ અર્બન હેલ્થ સેન્ટર આવેલા છે, તેમાં પણ ટોયલેટ કે બહાર યોગ્ય રીતે સફાઈ થતી નથી, જેના પગલે અધિકારીઓને આ તમામ જગ્યાઓ પર યોગ્ય સફાઈ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર મુદ્દે ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ પાસે 21 ટીમો, વાહનો અને મેનપાવર હોવા છતાં પણ ઢોર પકડવામાં આવતા નથી, જેથી અધિકારીઓને રસ્તે રખડતા ઢોર પકડવા માટે અને કડક કાર્યવાહી માટેની સૂચના આપવામાં આવી છે. મુખ્ય રસ્તા ઉપર જ્યાં રખડતા ઢોર જોવા મળે તે પકડવા માટે જણાવવામાં આવ્યું છે. શહેરમાં અત્યારે રોજના 150થી વધુ ઢોર પકડાય છે.

શહેરમાં જેટલા પણ કોમર્શિયલ કે રેસિડેન્ટ ગેસના નાના ગોડાઉન આવેલા છે. તેનું ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખી અને કાયદાકીય રીતે ગેસના ગોડાઉન છે કે કેમ તેની અધિકારીઓને તપાસ કરવા જણાવ્યું છે. ફાયર એનઓસી અને યોગ્ય લાયસન્સ છે કે કેમ તે વગેરેની તપાસ કરવી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થનાર છે, જેમાં 29 સપ્ટેમ્બરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે. આ નેશનલ ગેમને પ્રોત્સાહિત કરવા માટે 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સ્પોર્ટ્સનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...