ધાર્મિક ચોર?:અમદાવાદમાં IDBI બેંકના લોકરમાંથી ચોર સોના-ચાંદી સહિત રૂ.16 લાખની ચોરી કરી માતાજીનો ફોટો અને રૂપિયા 101 મુકતો ગયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવરંગપુરા પોલીસે ફેબ્રુઆરી મહિનામાં ચોરીના આ બનાવ અંગે એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે
  • લગડી, બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના ઝુડા, ચાંદીના સિક્કા મળી રૂ.16 લાખની મત્તાની ચોરી થઈ હતી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલી IDBI બેંકના લોકરમાંથી રૂ.16 લાખની મત્તાના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ 11 મહિના બાદ નોંધવામાં આવી છે. લોકરમાંથી માતાજીનો ફોટો અને રૂ.101 રોકડ મળી હતી. નવરંગપુરા પોલીસે ફેબ્રુઆરી મહિનામાં ચોરીના આ બનાવ અંગે જાણવાજોગ નોંધ આધારે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

પ્રીતીબેનના ફોન પર IDBI બેંકમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો
આ અંગેની વિગતો મુજબ સોલાના સાયન્સ સીટી રોડ પર ફ્લોરેન્સ રેસિડન્સીમા રહેતા પ્રીતીબેન ઉપાધ્યાય (ઉ.વ 40) બોપલ ખાતેની એલ.પી ઇન્ટ.પ્રો.પ્રા.લી. કંપનીમાં પીઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે. પ્રીતીબેને 2008ની સાલમાં નવરંગપુરા સીજી રોડ પરની IDBI બેંકમાં 520 નંબરથી લોકર ખોલાવ્યું હતું. જેનો કેબિનેટ નંબર એસ-12 અને ચાવી નંબર 538 હતો.

અજાણી મહિલાએ ચોરી થઈ હોવાની માહિતી, આ મહિલા કોણ?
13 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રીતીબેનના ફોન પર IDBI બેંકમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે બેંકમાં અઘટિત બન્યાનું જણાવી કહ્યું કે, કોઈ બહેન તમારી સાથે વાત કરવા માંગે છે. અજાણી મહિલાએ વાતચીત દરમિયાન પોતાનું નામ દેવાંશી દોશી જણાવ્યું હતું. હું સારા ઘરની અને NRI છું. તમારા લોકરમાં ચોરી થઈ છે. લોકરમાં ભગવાનની છબી અને સો રૂપિયા છે. આ અંગે બેંક મેનેજર સાથે વાત કરતા તેઓએ રૂબરૂ આવો તો વાત કરીએ તેવો જવાબ આપ્યો હતો.

બેંક મેનેજર અને લોકર ઇન્ચાર્જ સાથે વાત કરી પ્રીતીબહેને લોકરને સીલ મરાવ્યું હતું
15 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રીતીબેન બેંકમાં જઇ લોકર ઇન્ચાર્જ નિતાબેનને મળ્યા હતા. લોકરમાં જોયું તો માતાજીનો ફોટો અને રૂ.101 રોકડ હતી. લોકરમાંથી સોનાના દાગીના બંગડીઓ, ચેઇન, લક્કી, બ્રેસ્લેટ, વીંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના ઝુડા અને ચાંદીના સિક્કા મળી રૂ.16 લાખની મતાની ચોરી થઈ હતી. બેંક મેનેજર અને લોક ઇન્ચાર્જ સાથે વાત કરી પ્રીતીબહેને લોકરને સીલ મરાવ્યું હતું.

આ મામલે નવરંગપુરા પોલીસે ગૂમ થયાની જાણવા જોગ નોંધી હતી. વૃદ્ધ સાસુ, સસરા અને 11 વર્ષની પુત્રીને એકલા મૂકી આવી શકે તેમ ના હોઈ પ્રીતીબેને જે-તે સમયે ફરિયાદ આપી ન હતી. આ દરમિયાન આ ઘટના બન્યાના 11 મહિના બાદ નવરંગપુરા પોલીસે પ્રીતીબેનની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...