કાર્યવાહી:હાઈકોર્ટની વારંવાર ટકોર છતાં ફાયર NOC નહીં લેનારી 6 બિલ્ડિંગ સામે કોર્ટમાં ફરિયાદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફાયર વિભાગે તાકીદ કરી હોવા છતાં NOC માટે અરજી કરવાની પણ તસ્દી ન લીધી
  • ગોલ્ડન​​​​​​​ ટ્રાયેન્ગલ, નારાયણ ચેમ્બર, શપથ-2, ગોપાલ ટાવર સામે કેસ, ચેરમેન-સેક્રેટરીને સજા થઈ શકે છે

હાઇકોર્ટની વારંવારની ટકોર, ફાયરબ્રિગેડની તાકીદ છતાં પણ ફાયર એનઓસી માટે અરજી કરવાની પણ તસ્દી નહીં લેનારી 6 બિલ્ડિંગ સામે ચીફ ફાયર ઓફિસરે મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જો આ બિલ્ડિંગો ટૂંક સમયમાં ફાયર એનઓસી નહી મેળવે તો તેના ચેરમેન - સેક્રેટરીને સજા પણ થઇ શકે છે.

ફાયરબ્રિગેડે એનઓસી નહીં મેળવનારી 25 કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ ફટકારી હતી. જે 25માંથી 16 બિલ્ડિંગે ફાયરબ્રિગેડની નોટિસને ધ્યાને લઇ તત્કાલ ફાયર એનઓસી મેળવી લીધી છે. આ ઉપરાંત અન્ય 3 બિલ્ડિંગધારકોએ ફાયર એનઓસી મેળવવા માટે ફાયરબ્રિગેડ સમક્ષ અરજી કરી પ્રક્રિયા હાથ ધરી છે. એટલે કે 25માંથી 19 બિલ્ડિંગે ફાયર એનઓસી મેળવી લીધું છે અથવા તો ફાયર એનઓસી મેળવવા માટે પ્રક્રિયા ચાલે છે. જોકે 6 બિલ્ડિંગે ફાયર બ્રિગેડની નોટિસને પણ ગણકારી ન હતી. આ 6 બિલ્ડિંગે ફાયર એનઓસી મેળવવા માટે અરજી પણ કરવાની તસ્દી પણ લીધી ન હતી.

આખરે આ તમામ બાબતો ધ્યાને લઇ મ્યુનિ. ચીફ ફાયર ઓફિસર દ્વારા આ 6 બિલ્ડિંગ સામે મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આ બિલ્ડિંગના ચેરમેન - સેક્રેટરી દ્વારા કોઇ તસ્દી નહીં લેવામા આવતાં આખરે તેમની સામે નોટિસ કાઢીને કાર્યવાહી કરવા માટે અરજીમાં દાદ માગવામાં આવી છે. નોંધનીય છેકે, આ 6 બિલ્ડિંગના માલિકો જો તત્કાલ ફાયર એનઓસી મેળવી લે તો તેમની સામે કરાયેલી ફોજદારી ફરિયાદ પરત લેવામાં આવશે. અથવા તો કોર્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને બિલ્ડિંગના ચેરમેન સેક્રેટરીને સજા કરવા સુધીની જોગવાઇ છે. ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશન મુદ્દે પણ અનેક બિલ્ડિંગોને વારંવાર મ્યુનિ.એ નોટિસો ફટકારી છે.

આ બિલ્ડિંગ સામે ફરિયાદ

  • ગોલ્ડન ટ્રાયેન્ગલ, નવરંગપુરા
  • નારાયણ ચેમ્બર, નહેરૂબ્રિજના છેડે
  • શપથ 2, રાજપથ ક્લબ સામે, SG હાઇવે
  • ટ્રેડ સ્ક્વેર, ખોખરા સર્કલ, મણિનગર
  • ગોપાલ ટાવર, મણિનગર
  • પામ આર્કેડ, ગોકુલ ક્રોસ રોડ, નિકોલ
અન્ય સમાચારો પણ છે...