પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલ વિરુદ્ધ સાણંદના ગોધાવી ખાતેની કરોડો રૂપિયાની જમીન નકલી ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડવાની વધુ એક ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં આ બંને ભાઈઓએ તેમના સાગરીત સરયુદાસ બાવા સાથે મળી મૃત્યુ પામેલા ખેડૂતની ખોટી વારસાઈના આધારે આ જમીન પોતાના નામે કરાવી દીધી હતી.
સોલા ગ્રીન લિવ્સ એપાર્ટમેન્ટમાં રહેતા રામકૃષ્ણ આચાર્યએ અમદાવાદ જિલ્લાની સીટ સમક્ષ ગોધાવીના રહેવાસી સરયુદાસ શત્રુઘ્નદાસજી બાવા તેમ જ સેટેલાઈટ પોપ્યુલર પાર્કમાં રહેતા રમણભાઈ ભોળીદાસ પટેલ અને તેમના ભાઈ દશરથભાઈ ભોળીદાસ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર રામકૃષ્ણના દાદા શત્રુઘ્નદાસજીની ગોધાવી અને ઘુમા ગામમાં જમીનો આવેલી હતી. દાદા શત્રુઘ્નદાસજીના અવસાન બાદ રામકૃષ્ણના પિતા ગોરધનદાસે મોટાભાગની જમીનોમાં વારસાઈના આધારે તેમના નામ ચઢાવી દીધા હતાં, પરંતુ ગોધાવી ગામમાં આવેલી જમીનોમાં સરતચૂકથી વારસાઈ કરાવવાની બાકી રહી ગઈ હતી.
જ્યારે રામકૃષ્ણને તે વાતની જાણ થતાં તેઓ વારસાઈ કરાવવા માટે તલાટી ઓફિસ ગયા હતાં. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, શત્રુઘ્નદાસજીના વારસ તરીકે રામસરયુદાસ બાવાએ તે જમીન પોતાના નામે કરાવી દીધી હતી. ત્યારબાદ એ જ જમીનમાં રમણભાઈ અને દશરથભાઈના નામ વેચાણ દસ્તાવેજના આધારે દાખલ કરી દેવાયા હતા. જો કે શત્રુઘ્નદાસજી ના મૃત્યુ બાદ થયેલી વારસાઈની નોંધમાં તેમના મૃત્યુની તારીખ અને વર્ષ અલગ દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે શત્રુઘ્નદાસજીના એક પણ વારસનું નામ સરયુદાસ ન હતું. જેથી રમણ પટેલ, દશરથ પટેલ અને સરયુદાસ બાવાએ ભેગા મળી ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી રામકૃષ્ણ આચાર્યની કરોડો રૂપિયાની જમીન તેમના નામે કરાવી લીધી હતી.
સીટ સમક્ષ રામકૃષ્ણ આચાર્યએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હતી. જેના આધારે પોલીસે આ કિસ્સામાં જરૂરી તમામ દસ્તાવેજી પુરાવા એકત્રિત કર્યા હતાં. જેમાં રમણ પટેલ, દશરથ પટેલ અને સરયુદાસ બાવાએ તલાટી સમક્ષ કરેલું ખોટું પેઢીનામું પણ રજૂ કરાયું હતું. આ પેઢીનામાના આધારે શત્રુઘ્નદાસજીની સીધી લીટીના એક માત્ર વારસદાર તરીકે સરયુદાસ બાવાનું નામ દાખલ થયું હતું. જેથી વારસાઈના આધારે આ નોંધ કરાવવા ત્રણેય આરોપીઓ દ્વારા તલાટી તેમ જ રજિસ્ટ્રાર ઓફિસમાં જે પણ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા તે તમામ પોલીસે કબજે કર્યા હતા.
જે તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં તમામ ડોક્યુમેન્ટ્સ બનાવટી અને ખોટા બનાવવામાં આવ્યાનું પુરવાર થયું હતું. જેના આધારે સીટના પીએસઆઈ બી.એલ.રાવલે આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસનું કહેવું છે કે, બનાવટી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં જે પણ લોકો સામેલ હશે તે તમામની તપાસ શરૂ કરી છે.
ટ્રાંન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરાશે
પુત્રવધૂ ફિઝુની હત્યાના પ્રયાસ તેમ જ થલતેજ અને શીલજમાં જમીનો પચાવી પાડવાના કૌભાંડોમાં રમણ પટેલ લાંબા સમયથી જેલમાં જ છે. જો કે, ફિઝુની હત્યાના પ્રયાસમાં તેના દીકરા મૌનાંગની પણ ધરપકડ થઈ હતી. જ્યારે જમીનો પચાવી પાડવાના કૌભાંડમાં રમણ પટેલની સાથે દશરથ પટેલની પણ ધરપકડ થઈ હતી. જો કે દિવાળી પહેલાં જ દશરથ પટેલ જામીન પર છૂટ્યાં હતા. જ્યારે બોપલમાં બંને વિરુદ્ધ વધુ એક ફરિયાદ થતાં બોપલ પોલીસ સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે રમણ પટેલની ધરપકડ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.