ખંડણીખોરોનો આતંક:નિકોલના વેપારી પાસે 20 લાખની ખંડણી માગતા ચાર સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધમકી મળ્યાં બાદ વેપારીએ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • સ્પેરપાર્ટ્સના​​​​​​​ વેપારીની દુકાને આવી પૈસા માગ્યા

નિકોલમાં રહેતા વેપારી સાથે ધંધાકીય કોઈ વ્યવ્હાર ન હોવા છતાં ચાર વ્યક્તિઓએ મારામારી કરીને રૂ. 20 લાખની ખંડણી માગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નિકોલની પતંજલિ સોસાયટીમાં રહેતા હરજીભાઈ ગોયાણી (30) ઉત્તમનગરમાં સ્પેરપાર્ટ્સની દુકાન ધરાવે છે. ત્રણ વર્ષ અગાઉ તેમની ઓળખાણ બ્રિજરાજ જાડેજા સાથે થઈ હતી ત્યારબાદ તેમના થકી જયેશભાઈનો પરિચય થયો હતો. ત્યાર બાદ તેઓ તેમની કંપનીના ખરીદ વેચાણના બિલો હરજીભાઈ પાસે બનાવ્યા હતા. દરમિયાન જયેશભાઈએ હરજીભાઈ પાસેથી 39 લાખની મશીનરી ધંધા માટે ખરીદી હતી. ચાર પાંચ દિવસ અગાઉ વિષ્ણુભાઈ રબારી, વિનય રાજપૂત ઉર્ફે કાંચા, સમીર અને મયંક નામની વ્યકિતઓએ આવીને હરજીભાઈ પાસે રૂ. 20 લાખની માંગણી કરી હતી. જેથી હરજીભાઈએ હું તમને ઓળખતો નથી અને મે તમારી પાસેથી કોઈપણ જાતનો નાણાંકીય વ્યવ્હાર કર્યો નથી તો હું તમને શેના 20 લાખ રૂપિયા આપું તેમ કહેતા વિષ્ણુ રબારીએ કહ્યું હતું કે અમને જયેશભાઈ પ્રજાપતિએ રૂ. 20 લાખ તમારી પાસેથી વસૂલ કરવાનું કહ્યું છે.

આથી હરજીભાઈએ જયેશભાઈને ફોન કરીને પુછતા તેમણે કહ્યું હતું કે તમારે આ 20 લાખ આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. દરમિયાન વિષ્ણુ રબારી, વિનય રાજપૂત તથા સમીરે હરજીભાઈ પાસે પૈસાની માંગણી શરૂ કરી હતી. 14 ડિસેમ્બરે બપોરે આ લોકો મારામારી કરી હાથ પગ ભાંગી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ અંગે હરજીભાઈએ જયેશભાઈ, વિષ્ણુભાઈ રબારી, વિનય રાજપૂત અને સમીર સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વેપારીને માર માર્યો અને ધમકી પણ આપી
હરજીભાઈની ફરિયાદ અનુસાર આરોપીઓ તેમની દુકાને બે વખત આવ્યા હતાં અને રૂ. 20 લાખની રકમની માંગણી કરી રહ્યા હતા, ત્યારબાદ 14 ડિસેમ્બરના રોજ તેઓ ત્રીજી વખત આવ્યા ત્યારે ગળુ દબાવી લાફા મારીને પૈસા નહીં આપે તો હાથ પગ તોડી નાંખવાની ધમકી આપી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...