ડે.મેયર નારાજ થયા:AMCમાં આરોગ્યકર્મીઓના સન્માન સમારોહમાં ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલને ન બોલાવતા મેયર અને પ્રભારીને ફરિયાદ કરી

અમદાવાદએક મહિનો પહેલા
ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ
  • AMC ભાજપના જ હોદ્દેદારો પોતાના જ સાથી હોદ્દેદારને ન બોલાવતા થયો વિવાદ
  • ગત સપ્તાહે સ્ટેન્ડીગ કમિટિ બાદ લોકોને ઈનામી મોબાઈલ વિતરણ સમારોહમાં તો મેયરને પણ બોલાવ્યા ન હતા

કોરોના સામે રક્ષણ મેળવવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશમાં 100 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેની સાથે અમદાવાદ શહેરમાં પણ 100 ટકા પહેલા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોનો પહેલો ડોઝ પૂરો થઈ ગયો છે. જેને લઇ આજે સ્ટેન્ડીગ કમિટિ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં આરોગ્ય અધિકારી-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલને ન બોલાવવામાં આવતા તેઓ નારાજ થઈ ગયા હતા. પોતાના જ હોદ્દેદારો તેમને આવા કાર્યક્રમમાં ન બોલાવતાં તેઓ નારાજ થઈ મેયર અને પ્રભારીને ફરિયાદ કરી હતી. ગત ગુરુવારે લોકોને ઈનામી મોબાઇલ વિતરણ કાર્યક્રમમાં તો મેયરને પણ બોલાવવામાં આવ્યા ન હતા.

નારાજ ગીતાબેન મેયર કિરીટ પરમારની ઓફિસમાં પહોંચી ગયા
ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલને જાણ થઈ ત્યારે કોનફરન્સ હોલના ગેટ પાસે પહોંચ્યાં હતા અને કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. કોર્પોરેશનમાં પોતે હોદ્દેદાર હોવા છતાં ન બોલાવવામાં આવતા તેઓ નારાજ થઈ મેયર કિરીટ પરમારની ઓફિસમાં પહોંચી ગયા હતા. મેયર ઓફિસમાં હાજર પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને મેયર બંનેને ફરિયાદ કરી હતી. જેમાં પ્રભારી તરત જ ત્યાંથી નીકળી ગયા હતા જ્યારે મેયરે તેઓને કોઈ જવાબ ન આપી શકતા ડેપ્યુટી મેયર ગીતાબેન ત્યાંથી નીકળી ગયા હતા. મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન અને પ્રભારી સહિતના હોદ્દેદાર પોતાના જ સાથી હોદ્દેદારને ભુલી જતા હવે વિવાદ થયો છે. અગાઉ મેયરને આવા સન્માન કરવાના કાર્યક્રમમાં ન બોલાવવામાં આવતા અનેક સવાલો થયા હતા.

12 જેટલા આરોગ્યકર્મીઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 70 લાખથી વધુ ડોઝનું લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. 46.30 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 24 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી સહિત 12 જેટલા આરોગ્યકર્મીઓનું મોમેન્ટો આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના હોદ્દેદારોએ મોમેન્ટો આપી અને તેઓની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...