પરપુુરુષ સાથે પત્ની વીડિયો કોલથી વાતો કરતી હોવાની ફરિયાદ પતિએ સાસરિયાંને કરતાં પત્ની, સાસુ, સાળા તેમ જ 2 સાઢુભાઈએ ભેગાં મળીને જમાઈને માર મારી ધમકી આપી હતી. જે વાતનું મનમાં લાગી આવતા જમાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સરખેજ પોલીસે સાસરિયાં વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
સરખેજ ફતેવાડીમાં સકલદ રો-હાઉસમાં પત્ની શહેબાઝ અને દીકરા-દીકરી સાથે રહેતા ઈર્શાદ અંસારી (ઉં.36)એ 5 જૂને બપોરે 12.30 વાગે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઇર્શાદના ભાઈ આરિફે ઇર્શાદના પુત્ર મોઇનુદ્દીનને પૂછતાં તેણે કહ્યું હતું કે, 3 જૂને તેઓ મામાના ઘરે વટવા ગયા હતા, ત્યારે તેના પપ્પા આવ્યા હતા. તે સમયે મમ્મી શહેબાઝ, નાની સમીમબાનુ, મામા કલીમ તેમજ 2 માસા લતિફ ભઠિયારા અને ઈમરાન અંસારી પણ ત્યાં હતા. આ સમયે ઇર્શાદે તેની પત્ની પરપુરુષ સાથે વીડિયો કોલથી વાત કરતી હોવાનું સાસરિયાંને કહ્યું હતું. ત્યારે પત્ની શહેબાઝને ઠપકો આપવાને બદલે તેના પિયરિયાઓએ ઇર્શાદ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. ત્યાર બાદ ઇર્શાદ પરિવારને લઈ ઘરે આવ્યો હતો.
બીજા દિવસે ફરી તેની પત્નીએ સવારે કોઈ પુરુષ સાથે વીડિયો કોલથી વાત કરતાં, બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્યારબાદ ઇર્શાદે ઘરમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. આમ ભત્રીજા પાસેથી મળેલી હકીકત બાદ ઇર્શાદના ભાઈ મહંમદ આરિફે ઇર્શાદની પત્ની શહેબાઝ, તેની સાસુ સમીમબાનુ, સાળા કલીમ અને 2 સાઢુભાઈ ઇમરાન અંસારી અને લતિફ ભઠિયારા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
પુત્રને ઘરની બહાર મોકલી ગળેફાંસો ખાદ્યો
5 જૂને શહેબાજ અને ઈર્શાદ વચ્ચે ઝઘડો થતાં ઈર્શાદ રડતો ઘરની બહાર જતો રહ્યો હતો. થોડીવાર પછી ઈર્શાદે ઘરે આવ્યો હતો, ત્યારે દીકરો મોઈનુદ્દીનને ઘરે જ હતો જેથી તેને ઘરની બહાર મોકલી દીધો હતો અને ત્યાર બાદ દરવાજો બંધ કરીને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.