કોરોના વકરી શકે:બૂસ્ટર ડોઝની રાહ જોવાને બદલે કોમોર્બિડ લોકોએ ફ્લૂની રસી લઈ લેવી જોઈએ, એપોલો હોસ્પિ.ના ચેસ્ટ અને ક્રિટિકલ કેરના કન્સલ્ટન્ટનું નિવેદન

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર અને ઈન્સેટમાં ડો.મનોજસિંહ - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર અને ઈન્સેટમાં ડો.મનોજસિંહ

હાલ રાજ્યમાં કોરોનાનો ઓમિક્રોન વરિએન્ટ સૌ કોઈને ડરાવી રહ્યો છે, ત્યારે ડૉક્ટર્સનો અભિપ્રાય છે કે, અત્યારે સરકારે મહામારીની ત્રીજી લહેર અટકાવવા કોવિડ સાથે સાવચેતીનાં પગલાં કડકપણે લાગુ કરવા જોઈએ. ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે હજારો લગ્ન હોવાથી અને લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોવાથી વાઇરસ ફેલાઈ શકે છે એટલે સરકારે ઝડપથી પગલાં લેવાની જરૂર છે. અપોલો હોસ્પિટલ્સના ચેસ્ટ અને ક્રિટિકલ કેરના કન્સલ્ટન્ટ ડૉ. મનોજ સિંહે સૂચવ્યું હતું કે, કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝની રાહ જોવાને બદલે લોકોએ, ખાસ કરીને વયોવૃદ્ધ, ડાયાબિટિક્સ અને ઇન્ફેક્શનનું જોખમ ધરાવતા લોકોએ ફ્લૂની રસી લેવી જોઈએ, જે તેમને સિઝનલ ફ્લૂ વાઇરસના વિવિધ વેરિઅન્ટથી રક્ષણ આપશે.

અમે દર વર્ષે ફ્લૂની રસી લઈએ છીએઃ ડો.મનોજસિંહ
​​​​​​​
ડો. મનોજ સિંહે ઉમેર્યું હતું કે, હેલ્થકેર વર્કર્સ તરીકે અમે દર વર્ષે ફ્લૂની રસી લઈએ છીએ, જે અમને સિઝનલ ફ્લૂ સામે રક્ષણ આપે છે એટલે અમે લોકોને સલાહ આપીએ છીએ. લોકોએ કોવિડ-19 સામે સાવચેતીના પગલાં લેવા જોઈએ.

બેદરકારીને કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ શકે
મહામારીની પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોવિડ-19 દર્દીઓની સારવાર કરનાર અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ કહ્યું હતું કે, છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન લોકોએ સલામતી સાથે સંબંધિત પગલાં ઘટાડી દીધા છે અને તેઓ માસ્ક પહેરતાં નથી, હાથને સ્વચ્છ રાખતાં નથી અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી. આ બેદરકારીભર્યા અભિગમથી કોવિડ-19ના કેસોમાં વધારો થઈ શકે છે એટલે સરકારે વાઇરલ ઇન્ફેક્શન સામે સાવચેતીના પગલાંને ફરી કડકપણે લાગુ થાય એવી સુનિશ્ચિતતા કરવી જોઈએ.

બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ
ડૉ. દેસાઈએ એવું પણ જણાવ્યું હતું કે, શિયાળો બેસી છે અને નાતાલનું વેકેશન આવી રહ્યું હોવાથી લોકો ફરી બિનજરૂરી પ્રવાસ શરૂ કરશે. ઓમિક્રોન વેરિઅન્ટ રસીકરણ થયેલા અને રસીકરણ ન થયેલા એમ બંને લોકો માટે જોખમી હોવાથી લોકોએ બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.

તાત્કાલિક બીજો ડોઝ લઈ લેવો જોઈએ
આ ઉપરાંત મેડિકલ પ્રેક્ટિશનરે ઉમેર્યું હતું કે, સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે, મોટા ભાગના કોવિડ-પોઝિટિવ દર્દીઓના નમૂના જિનોમ સિક્વન્સિંગ માટે એકત્ર કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, જિનોમ સિક્વન્સિંગની પ્રાથમિક તબક્કામાં જરૂર પડે છે, કારણ કે ઓમિક્રોન વેરિઅન્ટના પ્રસારની ઓળખ અને એની ઇન્ફેક્શન કરવાની ક્ષમતાની ઓળખ થવાથી એનો સામનો કરવા ઉચિત નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, જે લોકોએ કોવિડ-19 રસીનો બીજો ડોઝ લીધો નથી તેમણે તાત્કાલિક લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...