ગુજરાતમાં અનેક સમાજના લોકોએ હાલમાં સામાજિક અને રુઢિગત રિવાજોને તિલાંજલિ આપી શુભ-અશુભ પ્રસંગે કરાતા બિનજરૂરી ખર્ચને કાબુમાં રાખવા આવકારદાયક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમાંય કોરોનાકાળમાં સરકારી ગાઇડલાઇનની મર્યાદા ઉપરાંત લોકોની આવક ઘટતાં બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની જરૂરિયાત ઊભી થવાના કારણે સામાજિક ક્રાંતિના બીજ વવાયા હોવાનું પણ મનાય છે.
વાત પાટીદાર સમાજની હોય કે જૈન સમાજની, રાજપૂત સમાજની હોય કે રોહિત… આ તમામે લગ્ન, મરણ સહિતના શુભાશુભ પ્રસંગે વત્તે-ઓછે અંશે સામાજિક પરિવર્તનને સ્વીકાર્યું છે. જેમ કે ટેલિફોનિક કે ઓનલાઇન બેસણાં, લગ્નોમાં કાગળની કંકોત્રીના બદલે સોફટ કોપી દ્વારા આમંત્રણ, ડીજે-બેન્ડવાજાના ખોટા ખર્ચ પર નિયંત્રણ, વ્યક્તિગતના બદલે સમૂહ લગ્નોને પ્રોત્સાહન, મૃત્યુ પછી લાંબી વિધિના બદલે ટૂંકમાં જ વિધિ કરવાનો નવો અભિગમ વિવિધ સમાજે સ્વીકાર્યો છે.
કન્યાના ઘરે જાન બોલાવી 68 યુગલના સમૂહ લગ્ન કરાવાયા
રબારી સમાજના નવીન અભિગમની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત ઝાલાવાડી રબારી સમાજ દ્વારા લગભગ અઢી માસ પહેલા અનોખા સમૂહલગ્ન યોજાયા હતા. આ અંગે સમાજના પ્રમુખ ઘનશ્યામભાઇ સાવધરિયા જણાવે છે કે, કોરોનાથી સમાજને વ્યાપક નુકસાન થયું હતું. તેવા સંજોગોમાં એક સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય તે માટે કન્યાના ઘરે જ વરરાજા મર્યાદિત સંખ્યામાં જાન લઇને પરણવા આવે, એ રીતે બંનેના પરિવારજનોની હાજરીમાં જ લગ્ન વિધિ કરવામાં આવી હતી. લગ્નના બે દિવસ પહેલા દીકરીને કરિયાવર આપી દીકરીના ઘરે જાન બોલાવી 68 દીકરીને આ રીતે વળાવવામાં આવી હતી.
ખોટા ખર્ચ બચાવી રૂ. 10 કરોડ કન્યા કેળવણી, શિક્ષણમાં વાપર્યા
પાટડી, વિરમગામ, ઉત્તર ગુજરાત પંથકના નાડોદા રાજપૂત સમાજના 102 ગામની ત્રણ વર્ષ પહેલા બેઠક મળી હતી. જેમાં ભલાભાઇ રથવી સહિત સમાજના આગેવાનોએ લગ્ન કે મરણ પાછળ થતો તોતિંગ ખર્ચ બચાવીને તે રકમ સામાજિક સુધારા, શિક્ષણ, કન્યા કેળવણીમાં વાપરવાનો સંકલ્પ કર્યો હતો. આ રીતે સમગ્ર સમાજે રૂ. આઠથી દસ કરોડની બચત કરી છે. 25 ગામમાંથી શરૂ થયેલી ક્રાંતિની આ આહલેક આજે 102 ગામ સુધી પહોંચી ગઇ છે. એટલું જ નહીં અમારા સમાજમાંથી બોધપાઠ લઇને બીજા કેટલાક સમાજ પણ તેને અનુસરી રહ્યા હોવાનું ખેંગારભાઇ ડોડિયાએ જણાવ્યું હતું.
સમાજ | સુધારાલક્ષી ફેરફાર | સમાજના શ્રેષ્ઠીઓ બદલાવ માટે કટિબદ્ધ |
કડવા પાટીદાર | 85 ટકા લોકો ઓનલાઇન બેસણું યોજે છે. | કડવા પાટીદાર સમાજમાં કોરોનાકાળ બાદ ટેલિફોનિક બેસણાનું ચલણ વધ્યું છે. અત્યારે સમાજના લોકો રૂબરૂ બેસણામાં જતા પહેલા ટેલિફોનિક વાતચીત કરીને જે તે પરિવારને સાંત્વના પાઠવતા હોય છે. સમાજમાં હવે 85 ટકા લોકો ટેલિફોનિક બેસણું યોજે છે. અગાઉ બેસણામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હતા. ઓનલાઇન બેસણાથી સમયનો પણ બચાવ થાય છે. > આર. પી. પટેલ, કડવા પાટીદાર સમાજના અગ્રણી તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ |
જૈન સમાજ | લગ્નમાં પ્રિન્ટેડ કંકોત્રીના બદલે સોશિયલ મીડિયા પર ઇ-આમંત્રણ | લગ્ન પ્રસંગમાં કાગળની કંકોત્રી કે આમંત્રણ કાર્ડને બદલે સોશિયલ મીડિયા પર આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે. લગભગ 50 ટકા લોકોએ આ અભિગમ અપનાવ્યો છે. તેનાથી સમય સાથે નાણાંનો પણ બચાવ થાય છે. લગ્નમાં પણ મર્યાદિત લોકોને આમંત્રણ પાઠવવામાં આવે છે. બેસણું પણ ટેલિફોનિક કે ઓનલાઇન યોજવાનું ચલણ વધ્યું છે. છેલ્લા એક વર્ષથી અનેક લોકો ઓનલાઇન બેસણું યોજી રહ્યા છે. > ભદ્રેશભાઇ, જૈન સમાજના અગ્રણી |
રાજપૂત સમાજ | ટેલિફોનિક કે ઓનલાઇન બેસણાનું ચલણ વધ્યું | રાજપૂત સમાજમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 50 ટકા લોકો દ્વારા ટેલિફોનિક કે ઓનલાઇન બેસણાં યોજવામાં આવી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં પણ પ્રિન્ટેડ કંકોત્રીના બદલે વ્હોટસએપ કે અન્ય પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી આંમત્રણ પાઠવવામાં આવે છે. સમાજમાં આગામી દિવસોમાં સામૂહિક લગ્નોમાં વધારો કરવામાં આવે તે બાબતે વિચારણા કરવામાં આવી રહી છે. > વિજયસિંહ ચાવડા, પ્રમુખ રાજપૂત સમાજ તથા મહાકાલ સેના |
ઠાકોર | બારમાની વિધિની પ્રથા ઓછી થઇ | વ્યક્તિના મૃત્યુ પછીની વિધિમાં અનેક પરિવારમાં બદલાવ આવ્યો છે. કોરોનાકાળ દરમિયાન માત્ર ઘરના લોકોની હાજરીમાં જ બારમાની વિધિ કરાતી. અંતિમ 10 થી 12 દિવસની જે વિધિ હોય છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. 40 ટકા લોકો માત્ર બારમાની વિધિ કરે છે. > પ્રવીણભાઇ ઠાકોર, સમાજ અગ્રણી |
નાડોદા રાજપૂત સમાજ | શુભ - અશુભ પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ નિવારી કન્યા કેળવણી, શિક્ષણ માટે | પાટડી, વિરમગામ, સમી અને રાધનપુર પંથકના 102 ગામોએ લગ્ન અને મરણ પાછળ થતો તોતિંગ ખર્ચ બચાવીને એ રકમ શિક્ષણ, કન્યા કેળવણી અને સામાજિક સુધારા પાછળ વાપરવાનું શરૂ કર્યું છે. અગાઉ પરિવારની વહુનુ પલ્લુ ભરતી વખતે 25-30 તોલા સોનાની વસ્તુ મૂકવામાં આવતી હતી, જે હવે 7 તોલા જ મૂકાય છે. સગાઇ અને સીમંત વખતે મર્યાદિત લોકોને જ બોલાવવમાં આવે છે. > જેસિંગભાઇ ચાવડા, નાડોદા રાજપૂત સમાજ |
બાવીસા પરગણા રોહિત સમાજ | મૃત્યુ ભોજન, શોકની સાડી પ્રથા અને છાજિયાં કુટવાનો રિવાજ બંધ કરાયો | તલોદ તાલુકાના હરસોલ ગામે બાવીસા પરગણા રોહિત સમાજની બંધારણ સમિતિએ મૃત્યુ પ્રસંગે શોકની સાડીઓ, પ્રેત ભોજન અને છાજિયાં કુટવાનો કુરિવાજ બંધ કરી બેસણું રવિવારે 11 થી 2 સુધી કરવાનું નક્કી કરાયું હતું. અન્ય પ્રસંગોમાં સાડી અને પેન્ટપીસ આપવાની પ્રથા, લગ્નમાં બેન્ડ કે ડીજે પાછળ ખોટા ખર્ચ પણ બંધ કરાયા. કોરોનાકાળમાં દરેક સમાજે પરંપરાગત રિવાજ ત્યજી દીધા છે. > ડૉ. એચ. કે. સોલંકી, સમાજના અગ્રણી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.