પિતૃતર્પણનો શ્રેષ્ઠ અવસર:શનિવારથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ, 25 સપ્ટેમ્બર સુધી માંગલિક કાર્યો વર્જિત, 26મીથી નવરાત્રી

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 10મીએ પૂનમ અને એકમનું શ્રાદ્ધ ભેગું થશે, જ્યારે 17મીએ પડતર દિવસ, છેલ્લા દિવસે સર્વ પિતૃ અમાસ

ગરુડ પુરાણ મુજબ શ્રાદ્ધ પર્વ એ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનું શ્રેષ્ઠ પર્વ છે. શ્રાદ્ધ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ 25 સપ્ટેમ્બર સુધી મનાવાશે. જ્યારે 26મીથી દેવી આરાધનાનો પર્વની શરૂઆત થશે. આજે આપણને જે કંઈ પણ મળ્યું છે, તે પિતૃઓને કારણે જ પ્રાપ્ત થયું છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસોમાં પિતૃલોકથી પિતૃઓ પોતાના ઘરે તૃપ્ત થવા આવે છે.

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. એજ રીતે અનેક ઋષિઓ, રાજા સહિત અન્ય લોકો શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોને તૃપ્ત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શ્રાદ્ધ અંગે જયોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, શાસ્ત્રો અને પુરાણોમાં દર્શાવ્યા મુજબ શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિના દિવસે કરેલ શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થઇને આશીર્વાદ આપે છે.

જેના ફળસ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે, ને સંપત્તિ-સંતતિ-સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, રોગ-દોષ શાંત થાય છે. શ્રાદ્ધ પર્વમાં જે લોકો પિતૃને તૃપ્ત કરતા નથી, તેમનું અપમાન કરે છે તેમના પિતૃ નિરાશ થાય છે. પિતૃ દેવોની સાથે દેવી-દેવતા પણ નારાજ થાય છે.

પિતૃને તૃપ્ત કરવા શું કરવું ?

 • રસોડું સ્વચ્છ કરી સાત્ત્વિક રસોઈ બનાવવી.
 • ગાયના દૂધનો દૂધપાક કે ખીરની સાથે પૂરી, શાક, ફરસાણ, દાળ- ભાત, પાપડ, સલાડ જેવી ઘરમાં બનતી વાનગીઓ જ બનાવવી.
 • બપોરના 3 વાગ્યા પહેલાં કાગડાને, ગાયને તેમજ કૂતરાને ભોજન અર્પણ કરવું.
 • પાણિયારે દીવો કરી રસોઈ કરવી.
 • ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા રાખી પ્રાર્થના કર્યા બાદ જ ભોજન કરવું
 • પિતૃઓને કાગવાસ નાખી જલાંજલિ આપવી.
 • સાધુ-સંત, અનાથ, અપંગ, ગરીબ કે બ્રાહ્મણને યથાશક્તિ ભોજન કે દક્ષિણા આપવી.

તીર્થસ્નાન અને દીપ દાનનું વિશેષ મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાનની પરંપરા છે. તેની સાથે જ પૂર્વજો માટે શ્રાદ્ધકર્મ પછી દીપદાનનું પણ ખાસ મહત્ત્વ છે. સર્વ પિતૃ અમાસના દિવસે પંચબલિ કર્મ (બ્રાહ્મણ, ગાય, કૂતરા, કાગડા અને કીડીને ભોજન)ની સાથે પીપળાનું પૂજન કરવાની સાથે જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં આવનારી મુશ્કેલીઓ દૂર થાય છે.

આ ભૂલ ક્યારેય ન કરવી

 • પિતૃપક્ષ દરમિયાન ડુંગળી-લસણ, કોળું, કોબીજ, માંસ-મચ્છીનું સેવન ન કરવું.
 • નશીલા દ્રવ્યો અને મદિરાનો ત્યાગ કરવો.
 • પિતૃ શ્રાદ્ધ દરમિયાન કોઈપણ પર્વ કે માંગલિક કાર્ય ન મનાવવું.
 • પિતૃ શ્રાદ્ધના ભોજનનો અનાદર ન કરવો.
 • કોઈપણ વ્રત ઉપવાસ ના કરવા.
 • બ્રાહ્મણ, ગાય કૂતરું, કાગડો, ગરીબ અને ભાઈ-ભાંડુને નુકશાન થાય તેવા કોઇપણ કાર્યોથી બચવું.
 • કોઈપણ ગરીબ, સાધુ-સંત કે બ્રાહ્મણનો તિરસ્કાર ના કરવો.
અન્ય સમાચારો પણ છે...