રાજ્યમાં આજથી કોલેજો શરૂ કરવામાં આવી છે, પ્રથમ દિવસે સ્કૂલો કરતા કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. વિદ્યાર્થીઓને થર્મલ ગન દ્વારા ચેકિંગ અને સેનેટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવતો હતો. કોલેજોમાં એક વર્ગખંડમાં 50 ટકા કેપેસિટી સાથે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ હતી.
કોલેજ મિત્રો અને શિક્ષકોને મળી ખુશ થયા
કોલેજના વિદ્યાર્થીઓ આજે દોઢ વર્ષ જેટલા સમય બાદ પોતાના કોલેજ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા. ત્યારે એચ.એ.કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને કોરોના કિટ આપવામાં આવી હતી. જ્યારે પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે કોલેજ દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કોરોનાનું માર્ગદર્શન મળે તે માટે એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જે વિદ્યાર્થી પાસે વાલીની લેખિતમાં સંમતિ હશે તેને જ કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, તો વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવશે. જે વિદ્યાર્થી ઓફલાઇન અભ્યાસ કરવા નથી માંગતા તેમને ઓનલાઇન ભણાવવામાં આવશે.
ઓફલાઇન અભ્યાસમાં વધુ મજા આવે છેઃ વિદ્યાર્થી
આ અંગે એક કોલેજીયને જણાવ્યું કે અમે આજે ખુશીની લાગણી અનુભવીએ છીએ, કેમ કે આજે દોઢ વર્ષ બાદ અમે આમરા કોલેજ ફ્રેન્ડ અને શિક્ષકને મળ્યા છીએ. અમને ઓનલાઇન અભ્યાસ કરતા ઓફલાઇન અભ્યાસમાં વધારે મજા આવે છે. કેમ કે ઓનલાઇનમાં ટેક્નિકલ તેમજ કનેક્ટિવિટીની મુશ્કેલીને કારણે યોગ્ય રીતે સમજી શકતા ન હતા. પરંતુ ઓફલાઇન અભ્યાસથી અમે યોગ્ય રીતે ભણી શકીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.