મુશ્કેલી:ગુજરાત યુનિવર્સિટીએ વ્યવસ્થાની જાણ નહીં કરતાં કોલેજો મુશ્કેલીમાં મુકાઈ, બીજા દિવસે પણ એડમિશન માટે વિદ્યાર્થીઓની લાઈનો

અમદાવાદએક મહિનો પહેલા
વિદ્યાર્થીઓ બે દિવસથી લાઈનમાં ઉભા રહે છે
  • યુનિવર્સિટીએ કોલેજોને ઓફલાઈન એડમિશન પ્રક્રિયા સોંપી દીધી છે
  • લાઈનમાં ઉભેલા વિદ્યાર્થીઓનો નંબર આવે ત્યારે બ્રેક પડી જાય છે
  • વિદ્યાર્થીઓને 2 દિવસ સુધી એક કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા ધક્કા ખાવા પડ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે ઓનલાઈન બે રાઉન્ડ પૂર્ણ થયાં છે. હવે કોલેજોને એડમિશન માટે ઓફલાઈન પ્રક્રિયા સોંપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓએ હવે કોલેજ પર જઈને ફોર્મ ભરવું પડે છે. આજે કોલેજોમાં બીજા દિવસે પણ એડમિશન માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓના ઘસારાને કારણે કેટલીક કોલેજોએ તો ગેટ પણ બંધ કરી દેવા પડ્યા હતાં. ગુજરાત યુનિવર્સિટીએ કોલેજોને વ્યવસ્થાની જાણ નહીં કરતા કોલેજો મુશ્કેલીમાં મુકાઈ.

વિદ્યાર્થીઓ બે દિવસથી એડમિશન માટે લાઈનમાં ઉભા રહ્યાં
અમદાવાદની મોટાભાગની કોલેજોમાં ઓફલાઈન એડમિશન માટે લાંબી લાઈન અને મોટી સંખ્યામાં ઉમટેલા વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસે સવારથી શરૂ થયેલી લાઈન સાંજ સુધી જોવા મળી હતી. આજે પણ કોલેજોમાં કતારો લાગવાની સ્થિતિ યથાવત જોવા મળી છે. અલગ અલગ કોર્સ પ્રમાણે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે રૂબરૂમાં બોલાવવામાં આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પણ ઓફલાઈન એડમિશન મેળવવા માટે કોલેજના ધક્કા ખાવા મજબૂર બન્યાં છે. ઓનલાઈન એડમીશન પ્રક્રિયામાં એક દિવસમાં એક જ કોલેજ પસંદ કરી શકાતી હતી. પરંતુ ઓફલાઈન પ્રક્રિયામાં એક દિવસમાં બે જેટલી કોલેજો પસંદ કરી શકાય છે અને ત્યાં જઈને રૂબરૂ ફોર્મ ભરી શકાય છે.

વિદ્યાર્થીઓ સવારથી જ એડમિશન માટે લાઈનમાં ઉભા થઈ જાય છે
વિદ્યાર્થીઓ સવારથી જ એડમિશન માટે લાઈનમાં ઉભા થઈ જાય છે

યુનિવર્સિટીએ જાણ નહીં કરતાં કોલેજો મુશ્કેલીમાં મુકાઈ
આ સ્થિતિના કારણે એડમિશન માટેના વિદ્યાર્થીઓ જ નહિ પરંતુ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા છે. કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાથી કોલેજમાં ભારે ભીડ તથા વર્ગ ખંડમાં એડમિશન પ્રક્રિયા ચાલુ હોવાથી ભણતા વિદ્યાર્થીઓ પણ ધક્કે ચઢ્યા હતા.કેટલીક કોલેજના ગેટ જ બંધ કરી દેવામાં આવ્યા હતા તો કેટલીક કોલેજમાં એડમિશન માટે આવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવતો નહતો. ગુજરાત યુનિવર્સીટી દ્વારા કોલેજને કોઈ સુચના કે વ્યવસ્થા કરવા માટે જાણ ના કરી હોવાથી કોલેજ પણ મુશ્કેલીમાં મૂકાઈ છે જેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડી રહ્યું છે.

વિદ્યાર્થીઓનો નંબર આવે ત્યારે બ્રેક પડી જાય છે
કેટલીક કોલેજમાં સવારથી લાઈનમાં ઉભેલા વિદ્યાર્થીઓનો નંબર આવે ત્યારે બ્રેક પડી જાય છે તો ક્યાંક સમય પૂરો થઇ જાય છે. જેથી વિદ્યાર્થીઓએ 2 દિવસ સુધી એક કોલેજમાં એડમિશન ફોર્મ ભરવા ધક્કા ખાવા પડ્યા છે.કોલેજ દ્વારા પણ યોગ્ય જવાબ ના મળતા ઓફલાઈન પ્રક્રિયામાં ઓનલાઈન પ્રક્રિયા કરતા વધુ મુશ્કેલીઓ આવી રહી છે.ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટી રચવામાં આવી છે તે પણ ઓફલાઈન પ્રક્રિયામાં કોઈ રસ ના લેતી હોય તેવું લાગી રહ્યું છે.