તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:કલેક્ટરો... નવા સાહેબને સલામ કરો; હસમુખ અઢિયાને મોદી મંત્રી બનાવશે એવી અફવા ઉડાવાઈ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડાં સમય પહેલાં ગુજરાતના કલેક્ટરોને તેમના બોસ એટલે કે નવા બનેલા મહેસૂલ સચિવ કમલ કુમાર દયાણીએ કડક ચેતવણી આપી છે કે કોર્ટે તેમને જે આદેશ આપ્યા હોય તેનુ પાલન ઝડપથી કરવાનું રહેશે નહીંતર તેમની સામે પગલાં લેવાશે. દયાણીને લાગે છે કે કલેક્ટરો હજુ ય તેમના પુરોગામી પંકજ કુમારના પ્રભાવ હેઠળ છે. અગાઉ કલેક્ટરો નાની નાની વાતમાં પંકજકુમારનું માર્ગદર્શન લેતા હતા, પણ નવા આવેલાં દયાણી સાહેબને આ કલેક્ટરો ગાંઠતા નથી. આ કલેક્ટરોને આડકતરી રીતે ચેતવણી છે કે હવે નવા સાહેબને પણ સલામ કરો નહીંતર તેમના સર્વિસ રેકોર્ડમાં તેની અસર દેખાશે.

હમણાં જ થયેલાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં એક એવાં સમાચાર વહેતાં કરાયાં હતાં કે ગુજરાતમાંથી એક બિન રાજકીય વ્યક્તિ તરીકે ભૂતપૂર્વ આઇએએસ અધિકારીને મોદી પોતાના મંત્રી બનાવશે. આ અધિકારી બીજું કોઇ નહીં પરંતુ ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને મહેસૂલ સચિવ હસમુખ અઢિયા છે. અઢિયા નિવૃત્ત થયા બાદ તેમના ભૂતકાળને ભૂલાવવા માટે અધ્યાત્મના માર્ગે જતા રહ્યા છે. પરંતુ તેમને સળી કરવાના ઇરાદે જ ગુજરાત કેડરના એક અન્ય આઇએએસ અધિકારીએ આ અફવા ઉડાવડાવી હતી તેવું જાણવા મળ્યું છે. અઢિયા હવે જાહેર જીવનમાં નથી છતાં ય તેમને છંછેડીને આ અધિકારી પોતાનો જૂનો કયો સ્કોર સેટલ કરવા માગે છે તે કોઈને સમજાતું નથી.

શહેરી વિકાસ વિભાગે ટીપીના કામ તેજ કર્યાં
શહેરી વિકાસ વિભાગ છેલ્લાં કેટલાંક સમયથી નવી ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ સ્કીમ તૈયાર કરવામાં જબરદસ્ત રસ દાખવી રહ્યું છે. શહેરી વિસ્તારમાં અન્ય વિકાસની સાથે સાથે આ વિકાસ પણ સરકારને કરવામાં સારી રુચિ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં મોટાભાગની બાકી રહેલી ટીપી નક્કી થઇ જાય તે માટે હાલ તેજ ગતિએ કામ ચાલી રહ્યું છે. ટીપી બહાર પાડવામાં વિકાસની ઘણી તકો રહેલી છે અને ચૂંટણી પહેલાં સરકાર આ વિકાસની તકોને ગુમાવવા માગતી નથી. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટીપી તૈયાર કરતી વખતે ઘણી બધી બાબતો અને વ્યક્તિઓનું ધ્યાન રાખવું પડે તેમ છે એટલે તેમાં તમામ ચીવટ રાખીને કામ ચાલી રહ્યું છે.

મિત્રા કેવી રીતે પંચાયત વિભાગની ભરતીઓ કરશે
ગુજરાત સરકારે છેલ્લે પંચાયત વિભાગની ભરતીઓને લઇને ઘણાં વિવાદો થયે રાખ્યા અને ઘણાં સમયથી ભરતીઓ પણ ઘોંચમાં પડી છે. આવતાં વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી સરકાર હવે નવી ભરતીઓ કરવાના મૂડમાં છે, તેમાં પંચાયત વિભાગના સચિવ બનાવાયેલા વિપુલ મિત્રાએ આ ભરતીઓ કરવાનું બીડું ઝડપ્યું છે. જ્યારે તેઓ શ્રમ અને રોજગાર વિભાગમાં હતા ત્યારે બેરોજગાર યુવાનોને ખાનગી કંપનીઓમાં નોકરી મળે તે માટે રસ દાખવીને કામ કર્યું હતું. હવે તેમની આ રુચિ પંચાયત વિભાગમાં પણ દેખાઇ છે. તેમણે હાલ નવી ભરતી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને સંભવતઃ આવતાં એકાદ બે માસમાં તેઓ ભરતીની જાહેરાત બહાર પાડી શકે છે.

પાટીલ દિલ્હીમાં ગયા, પણ દર્શનાબેનને ન મળ્યા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિલ્હી જઇને ગુજરાતમાંથી નવા બનેલાં દેવુસિંહ ચૌહાણ તથા ડો મહેન્દ્ર મુંજપરાને મળ્યા હતા. જો કે તેમણે પોતાના રાજકીય હરીફ અને સૂરતના સાંસદ દર્શના જરદોશ સાથેની મુલાકાત ટાળી હતી. દર્શના જરદોશ સાથે તેમને ખાસ ફાવતું નથી. ભાજપના સૂત્રો કહે છે કે અગાઉ જરદોશને સૂરતથી ટિકિટ મળે તે માટે પણ તેઓ રાજી ન હતા. વળી જરદોશ સુરતનાં છે અને તેમને ટેક્સટાઇલ મંત્રાલય મળ્યું હોવાથી તેમનું રાજકીય કદ સુરતમાં વધી જશે. પાટીલના વધતાં વર્ચસ્વની સામે રાજકીય સંતુલન સાધવા જ જરદોશને કેન્દ્રમાં મંત્રી બનાવાયાં હોવાની ચર્ચા છે.

મુકીમને નિવૃત્તિ જ જોઇએ છે?
આવતા ઓગસ્ટ મહિને વર્તમાન નિવૃત્ત સચિવ અનિલ મુકીમની એક્સ્ટેન્શનની ટર્મ પૂર્ણ થઇ રહી છે. અગાઉની માફક હાલ પણ મુકીમ વધુ કોઇ એક્સટેન્શન મેળવવાની ઇચ્છા નથી તેવું જ જણાવે છે, પરંતુ ગમે તે હોય દિલ્હી દરબારને તેઓ સંપૂર્ણ નિવૃત્ત થઇ જાય તેવી ઇચ્છા નથી. હવે એવું પણ સંભળાય છે કે મુકીમને કદાચ વધુ એક એક્સટેન્શન અપાશે અને જો નહીં અપાય તો તેમને ગુજરાતમાં કે કેન્દ્રના કોઇ મહત્ત્વના પદ પર નિયુક્ત કરી દેવાશે જેથી મુકીમની સેવાનો લાભ સરકારને સતત મળતો રહે. તેમના અનુગામી તરીકે હાલ તો ગૃહ સચિવ પંકજ કુમારને સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે છે, પછી કોણ આવે છે તેની તો દિલ્હી દરબારને જ ખબર.

અન્ય સમાચારો પણ છે...