ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બોડકદેવ વોર્ડના 8 ઉમેદવારે ચૂંટણી દરમિયાન ચૂંટણીપંચને ખોટી માહિતી આપી હોવાના આક્ષેપને લઈને એ વોર્ડના અપક્ષ ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજદારે પુરાવા રજૂ કરતાં હાઈકોર્ટે ચૂંટણીપંચને કાર્યવાહીનો આદેશ કર્યો હતો. ચૂંટણીપંચે આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ કરીને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, જેથી કલેક્ટરે ચૂંટણીપંચમાં તપાસ રિપોર્ટનું સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં કલેક્ટરે ઉલ્લેખ કર્યો છે કે મને આ આઠ ઉમેદવારનાં સોગંદનામાંની ચકાસણીમાં કોઈ ગેરરીતિ હોય એવું જોવા મળ્યું નથી.
કલેક્ટરના આ રિપોર્ટને પગલે બોડકદેવના ભાજપનાં ચારેય કોર્પોરેટર- દીપ્તિ અમરકોટિયા, વાસંતી પટેલ, દેવાંગ દાણી અને કાંતિ પટેલને હાશકારો થયો છે.
કોઈપણ ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉચિત નથી
સાથે સાથે કલેક્ટરે અમુક સોગંદનામાંમાં મટીરિયલ ફેક્ટ દર્શાવવાનું રહી ગયું હોય એમ છતાં પરિણામોને કોઈ અસર થતી નથી એવું પણ જણાવ્યું છે, સાથે કોઈપણ ઉમેદવારને ગેરલાયક ઠેરવવા ઉચિત નથી, એ બાબત પણ રિપોર્ટમાં નોંધવામાં આવી છે, જેને કારણે બોડકદેવનાં ચાર કોર્પોરેટરે રાહતનો શ્વાસ લીધો છે.
દેવાંગ દાણીના એફિડેવિટમાં કંઈ ખોટું નથી
કલેક્ટરે આ તમામ ઉમેદવારનાં સોગંદનામાંની ચકાસણીમાં ચાર વિજેતા ઉમેદવારનાં સોગંદનામાંની તપાસમાં દેવાંગ દાણી કે જે બિનસરકારી શાળાના કર્મચારી છે, એવું દર્શાવવામાં આવ્યું છે. એની સાથે તેઓ કોઈ રાજકીય પક્ષની બેઠકમાં હાજરી આપે તો એમાં કંઈ ખોટું નથી. તેઓ પક્ષના સભ્ય પણ થઈ શકે તેવા સરકારી નિયમો છે, તેથી તેમના એફિડેવિટમાં કંઈ ખોટું નથી એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે અન્ય ત્રણ વિજેતા ઉમેદવારનાં એફિડેવિટમાં પણ કંઈ ખોટી બાબત હોવાનું પુરવાર થતું નથી.
જોકે કલેક્ટરે એ પણ સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારના સોગંદનામાની વિગતો સાચી છે કે ખોટી એ તપાસ કરવાની જવાબદારી શહેર ચૂંટણી અધિકારી/કલેક્ટરની નથી હોતી. એ જવાબદારી સોગંદનામું રજૂ કરનારની હોય છે. અમુક ઉમેદવાર દ્વારા અમુક મટીરિયલ ફેક્ટ દર્શાવવાનું રહી ગયેલું છે એ પણ બાબત આમાં સામે આવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.