નવા વર્ષથી રાજ્યમાં ઠંડીએ માહોલ જમાવ્યો છે. રાજ્યમાં કડકડાતી ઠંડી પડી રહી છે. તેમાં પણ આજે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યના 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યના સૌથી ઠંડુંગાર નગર નલિયામાં 8.1 ડીગ્રી રહ્યું છે. રાજ્યમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
સુસવાટા બોલાવતી ઠંડીથી લોકો થરથર્યા
રાજ્યમાં આજે સુસવાટા મારતી ઠંડી વચ્ચે આજે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ઠંડીની રાજધાની નલિયા જ રહ્યું છે. અહીં 8.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 10.5 ડીગ્રી, ડીસામાં 10.6 ડીગ્રી, ભુજમાં 11.2 ડીગ્રી, વડોદરામાં 11.6 ડીગ્રી અમદાવાદમાં 12.1 ડીગ્રી, રાજકોટમાં 12.5 ડીગ્રી અને સુરતમાં 14.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
ગઈકાલે પણ નલિયા ઠંડુંગાર રહ્યું
ગઈકાલે રાજ્યમાં તાપમાન 9 ડીગ્રીથી લઈને 14 ડીગ્રી સુધી વિવિધ શહેરોમાં નોંધાયું છે, જેમાં સૌથી ઓછું 9 ડીગ્રી તાપમાન નલિયા ખાતે નોંધાયું છે. જ્યારે 10 ડીગ્રી તાપમાન ડીસા ખાતે નોંધાયું છે. આ ઉપરાંત ભુજમાં 11 ડીગ્રી, જ્યારે રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં 12-12 ડીગ્રી લધુતમ તાપમાન રહ્યું છે. તો અમદાવાદ અને સુરતમાં 14-14 ડીગ્રી તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગ જાહેર કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.