મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ઠંડી વધશે, રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 5000થી વધુ કેસ, 5 રાજ્યની ચૂંટણી જાહેર, 10 ફેબ્રુ.થી 7 તબક્કામાં મતદાન

અમદાવાદ5 મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 9 જાન્યુઆરી, પોષ સુદ સાતમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી રાજ્યભરમાં ઠંડીનો પારો 3-5 ડીગ્રી સુધી ગગડવાની હવામાન વિભાગની આગાહી

2) ગુજરાતના 35 લાખ કિશોર-કિશોરીને વેક્સિન આપવાની ડ્રાઇવનો આજે છેલ્લો દિવસ

3) કોરોનાના કેસો વધતાં આજે મંત્રી જિતુ વાઘાણી રાજકોટ અને ભાવનગરના પ્રવાસે જશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતમાં આઠ દિવસ પછી એકેય મોત નહીં, પણ નવા કેસ રોકેટગતિએ ઊછળીને 5677; અમદાવાદમાં 14 મે પછી પહેલીવાર 2567 પોઝિટિવ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 5000થી વધુ કેસ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5677 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1356 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં આજે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. જેમાં અમદાવાદમાં આજે પણ સૌથી વધુ 2567 કેસ જ્યારે સુરતમાં 1661 કેસ આવ્યા છે. આમ, કુલ નોંધાયેલા 5677 કેસમાંથી 4228 કેસ એટલે કે 75 ટકા કેસ માત્ર બે જિલ્લામાં છે. જ્યારે ઓમિક્રોન વેરિયન્ટના પણ નવા 32 કેસ આજે નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતે

2) અમદાવાદમાં આગની જેમ ફેલાયું સંક્રમણ, ટેસ્ટ કરાવતાં દર ચારમાંથી એક પોઝિટિવ, એક જ દિવસમાં પોઝિટિવિટી રેટ 10%થી વધીને 22%

અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. શુક્રવારે અમદાવાદમાં 10 હજારથી વધુ ટેસ્ટની સામે 2311 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. એ જોતાં અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22 % છે. આ રેટ પરથી જાણી શકાય છે કે અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે. બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી 22 ટકાએ પહોંચી ગયો છે, જે ચિંતાજનક બાબત છે.
વાંચો સમાચાર વિગતે

3) ખોડલધામ પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહાઆરતી કરશે, VIPને આમંત્રણ નહીં, નરેશ પટેલ વર્ચ્યુઅલ સમાજ જોગ સંદેશ આપશે, મહાસભા મોકૂફ

કોરાનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ગઈકાલે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી. બાદમાં તેમણે પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.
વાંચો સમાચાર વિગતે

4) અમદાવાદની 3, વડોદરાની 2 અને સુરતની 2 મળી કુલ 6 ટાઉન પ્લાનિંગ સ્કિમ મંજૂર, લોકોના રહેઠાણ અને બાગ-બગીચાનું નિર્માણ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃદ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરની છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની એક પ્રીલિમિનરી ટીપી સ્કીમ અને બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને એક ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપી છે.
વાંચો સમાચાર વિગતે

6) ચૂંટણીની તારીખો જાહેર, 5 રાજ્યમાં 7 તબક્કામાં મતદાન, શરૂઆત 10 ફેબ્રુઆરીએ યુપીથી; 10 માર્ચે પરિણામ

ચૂંટણીપંચે શનિવારે 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એકસાથે જ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં. વર્ચ્યુઅલ રેલી મારફત જ ચૂંટણીપ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે. જીત બાદ પણ વિજય જુલૂસ કાઢી શકાશે નહીં.
વાંચો સમાચાર વિગતે

7) દેશમાં 24 કલાકમાં 1.41 લાખ નવા દર્દીઓ મળ્યા, એક જ દિવસમાં 25 હજારનો વધારો; મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20 હજાર કેસ આવ્યા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 41 હજાર 983 નવા કોરોના સંક્રમિતોની ઓળખ થઈ હતી. 40,816 દર્દી સ્વસ્થ થયા અને 285 સંક્રમિતોના મોત થયા હતા. મુંબઈમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે 20 હજારથી વધુ (20,318) નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 5 લોકોના મોત પણ નોંધાયા હતા. એક્ટિવ કેસ પણ વધીને 1 લાખથી વધુ થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 66 હજાર 311 થઈ ગઈ છે. એક દિવસમાં જ એક્ટિવ કેસમાં એક લાખનો વધારો થયો છે. ત્રીજી લહેરમાં સતત બીજા દિવસે છે જ્યારે નવા સંક્રમિતોનો આંકડો એક લાખને પાર થયો હતો. આ પહેલાં ગુરુવારે 1 લાખ 17 હજાર 94 કેસ મળ્યા હતા . મુંબઈમાં શનિવારે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત CBIની ઓફિસમાં 68 કર્મચારી પોઝિટિવ આવ્યા છે.
વાંચો સમાચાર વિગતે

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાત હાઇકોર્ટના 40 કર્મચારી કોરોના પોઝિટિવ, ત્રણ વકીલ પણ કોરોનાની ઝપેટમાં

2) કોરોનાના દર્દીઓ માટે AMCની 'સંજીવની ટેલિ મેડિસિન' સેવા શરૂ, 14499 નંબર પર ફોન કરવાથી મળશે ડોક્ટરનું માર્ગદર્શન

3) PM મોદીની સુરક્ષા અંગે વિવાદોમાં ઘેરાયેલા કાર્યકારી DGP ચટ્ટોપાધ્યાયને પદ પરથી હટાવાયા, ફિરોજપુરના SSPને પણ દૂર કરાયા

4) ‘કટપ્પા’ સત્યરાજ કોરોના સંક્રમિત થતાં હોસ્પિટલમાં દાખલ, ‘તારક મહેતા’નો ‘બાઘા’ તન્મય વેકરિયા, સિંગર અરિજિત સિંહ અને એક્ટર મહેશ બાબુ પણ પોઝિટિવ

5) મુંબઈ કમિશનરે કહ્યું- હોસ્પિટલમાં ઓક્સિજન બેડ પર રહેલા 96% દર્દીઓએ વેક્સિનનો એકપણ ડોઝ નથી લીધો; દિલ્હીમાં 55 કલાકનો વીકેન્ડ કર્ફ્યૂ

6) અમેરિકામાં ઈમર્જન્સી સેવાઓમાં સ્ટાફની અછત; પોલીસ, નર્સિંગ સ્ટાફ, બસના સંખ્યાબંધ ડ્રાઈવર કોવિડ પોઝિટિવ

આજનો ઈતિહાસ

​​​​​​​વર્ષ 1915માં આજના દિવસે મહાત્મા ગાંધી ભારત પરત ફર્યાં હતા. તેઓ 21 વર્ષ બાદ ભારત આવ્યા હતા.

આજનો સુવિચાર

​​​​​​​અવગુણ હોડીમાં થયેલા છીદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...