ગુજરાતમાં કોલ્ડવેવ:મોડી રાતથી ગુજરાતીઓના દાંત કકડાવી દેતી ઠંડી, અમદાવાદે ધુમ્મસની ચાદર ઓઢી

8 દિવસ પહેલા

મીટિયોરોજિકલ સેન્ટર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરા-નગર અને હવેલી માટે આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ કર્યો હતો. એ અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીનાં પગલાં લેવા અને અસરકર્તાઓને જરૂરી જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ઠંડા પવનો ફૂંકાવાની આગાહી
આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ચાર દિવસ દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શીત લહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે, સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.

વિઝિટિબિલિટી ઘટીને 1 કિલોમીટર થઈ
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં સોમવાર સવારથી બપોર સુધી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. એને લીધે સામાન્ય રીતે 3થી 4 કિલોમીટરની વિઝિટિબિલિટી ઘટીને 1 કિલોમીટર થઈ ગઈ હતી. સોમવારે શહેરનું લઘુતમ તાપમાન 10.3 ડીગ્રી રહ્યું હતું. હવામાન વિશેષજ્ઞની આગાહી મુજબ બુધવારથી બે દિવસ વાદળિયું વાતાવરણ રહેશે. જોકે 29 જાન્યુઆરીથી કોલ્ડવેવનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. આ સમય દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ રહી શકે છે અથવા એનાથી નીચે પણ જઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં માવઠાંની શક્યતા
જોકે ખાસ કરીને વડોદરાથી લઇને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતા છે. પરંતુ, 29 જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યનમાં ત્રણ દિવસો દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જો કે એ પછી ઠંડીનું જોર ક્રમશ: ઘટી શકે છે.

વિઝિબિલિટી ઘટતાં ઉદેપુરથી 4 ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ
અમદાવાદમાં સોમવારે દિવસ દમિયાન વિઝિબિલિટી ડાઉન થઈ જતાં એરપોર્ટ પર 19 ફલાઇટોના ટેકઓફ ખોરવાયા હતા. તમામ ફલાઈટો એકથી ચાર કલાક સુધી મોડી પડી હતી. મોડી પડેલી ફલાઈટમાં સૌથી વધુ ઇન્ડિગોની 12 પૈકી ચાર દિલ્હીની ફલાઇટોનો સમાવેશ થાય છે. બીજીતરફ સોમવારે ઉદેપુર એરપોર્ટ પર ભારે ધુુમ્મસથી એટીસીએ સવારે લેન્ડિંગ ક્લિયરન્સ ન આપતા ચાર ફલાઈટ અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી જેમાં ત્રણ ઇન્ડિગો અને એક વિસ્તારાની ફલાઇટોનો સમાવેશ થાય છે.

અંદાજે 120 પેસેન્જરે અમદાવાદથી બાય રોડ જવું પડ્યું
આ ચારેય ફલાઇટો અમદાવાદ એરપોર્ટ પર સવારે 9થી 1 વાગ્યા સુધી આવી પહોંચી હતી, જેમાં કુલ 800 પેસેન્જર સવાર હતા. ઇન્ડિગોની મુંબઇની એક ફલાઇટ ઉદેપુર માટે સવારે 9.30 કલાકે ઉડાન ભર્યા બાદ કેપ્ટનને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં રિટર્ન કરવી પડી હતી. આમ, ત્રણેય ફલાઇટ કલાકો સુધી રાહ જોયા બાદ એરલાઇને જેમને બાયરોડ જવું હતું તેવા 120 પેસેન્જરોને અમદાવાદથી બસમાં રવાના કર્યા હતા, બાકીના ફલાઇટ જ્યાંથી ઊપડી હતી ત્યાં મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ પર ફર્યા હતા. જ્યારે મુંબઇની વિસ્તારાની ડાઇવર્ટ થયેલી ફલાઇટ 200 પેસેન્જરને અમદાવાદથી 2.40 કલાકે ઉદયપુર રવાના થઈ હતી.

ઠંડા પવનો ફૂંકાવાની આગાહી
આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, ત્યાર બાદના ચાર દિવસો દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે, સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે.

કોલ્ડવેવ બાબતે આટલું ધ્યાન રાખો

  • આગામી થોડા દિવસો દરમિયાન શીતલહેરની સંભાવનાને પગલે લોકો હવામાન વિભાગની આગાહી માટે રેડિયો, ટીવી અને અખબારો જેવાં માધ્યમમાં પ્રસારિત સત્તાવાર સૂચનાને અનુસરે
  • શિયાળામાં ગરમ કપડાંનો પૂરતો જથ્થો રાખવો
  • ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમર્જન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો
  • દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન ઘરમાં ન આવે
  • કોલ્ડવેવમાં વહેતું અથવા ભરેલું નાક અથવા નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે. જે સામાન્ય લાંબા સમય સુધી શરદી રહેવાને કારણે થાય છે. આવાં લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્યકર્મી અથવા ડોક્ટરની સલાહ લેવી.

કોલ્ડવેવ દરમિયાન શું કરવું?

  • હવામાન વિભાગની માહિતી અને કટોકટીની પ્રક્રિયાની માહિતીને અનુસરવું અને સરકારની સત્તાવાર સલાહનું પાલન કરવું
  • શક્ય એટલું ઘરની અંદર રહો અને ઠંડા પવનો, માવઠું અથવા તો હિમવર્ષામાં મુસાફરી કરવાનું ટાળો
  • એકથી વધુ પણ ઢીલાં ફિટિંગવાળાં કપડાં પહેરો, એક ભારે કપડાના સ્તરને બદલે નાયલોન અથવા કોટન અને અંદરના ભાગે ઊનના કપડાં પહેરો, ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે, તેથી એ પહેરવાનું ટાળવું
  • કપડાં ભીના થાય તો તરત બદલી લેવા. માથું, ગરદન, હાથ અને અંગૂઠાને પૂરતા પ્રમાણમાં ઢાંકો
  • ફેફસાને સુરક્ષિત રાખવા માટે મોં અને નાકને ઢાંકો, કોવિડ 19 અને અન્ય શ્વસનસંબંધી ચેપથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરો
  • શરીરનું તાપમાન જાળવી રાખવા ટોપી અને મફલરનો ઉપયોગ કરો, ઇન્સ્યુલેટેડ અથવા વોટરપ્રૂફ શૂઝ પહેરો
  • તાજો ખોરાક લો, પૂરતી રોગ પ્રતિકારક શક્તિ જળવાય એ માટે વિટામિન Cથી ભરપૂર ફળ અને શાકભાજી આરોગો
  • નિયમિતપણે ગરમ પ્રવાહી લેવાં, કારણ કે ઠંડી સામે લડવા શરીરનું તાપમાન જાળવી રાખવું પડે છે
  • તેલ, પેટ્રોલિયમ જેલી અથવા બોડી ક્રીમ વડે નિયમિતપણે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખો
  • વૃદ્ધો, નવજાત શિશુઓ અને બાળકોની વિશેષ સંભાળ રાખો અને એકલા રહેતા પાડોશીઓ ખાસ કરી વૃદ્ધોને સમય સમયે મળતા રહો
  • ઊર્જા બચાવો. જરૂર હોય ત્યારે જ રૂમને ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ કરવો
  • રૂમ હીટર જેવાં હીટિંગ ઉપકરણોનો ઉપયોગ કરવાની સાથે પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી રાખો
  • ધુમાડો બહાર નીકળે એવી વ્યવસ્થા હોય તો જ બંધ જગ્યાઓમાં કોલસો બાળો, કારણ કે કોલસાનું દહન ઝેરી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન કરી શકે છે, જે વ્યક્તિ માટે ઘાતક છે
  • દારૂનું સેવન ન કરો. દારૂ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે અને વાસ્તવમાં રક્તવાહિનીઓને સાંકડી કરે છે, જેથી હાઇપોથર્મિયાનું જોખમ વધે છે
  • ઠંડા પવન લાગવાનાં લક્ષણો, જેમ કે અંગોની નિષ્ક્રિયતા, આંગળીઓ, અંગૂઠા, કાનની લોબ્સ અને નાકની ટોચ સફેદ અથવા નિસ્તેજ દેખાય તેવા સમયે શરીર પર લાલ ફોલ્લા થઈ શકે છે અથવા ત્વચાનો રંગ કાળો થઈ શકે છે. આ લક્ષણો અવગણવા નહીં, જે ખૂબ ખતરનાક છે. આવા હિમ ડંખના સંકેતો પર તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

ખેતીમાં રાખવાની તકેદારી

  • બોડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સીક્લોરાઇડનો છંટકાવ કરીને ઠંડીના આક્રમણને ટાળવા માટે ઉપચાર કરો, કોલ્ડવેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરનો ઉપયોગ મૂળની વૃદ્ધિને સક્રિય કરશે
  • શીતલહેર દરમિયાન પ્રકાશ અને વારંવાર સપાટી પર પાણી આપો, પાણીની ઉચ્ચ વિશિષ્ટ ગરમીને કારણે છોડને શીતલહેરથી બચાવી શકાય છે
  • હિમ પ્રતિરોધક છોડ અથવા પાકની ખેતી કરો
  • બારમાસી બગીચાઓમાં આંતર ખેડ કરવી
  • શાકભાજીનો મિશ્ર ભાગ, જેમ કે ટામેટાં, રીંગણ જેવા ઊંચા ભાગ સાથે સરસવ અને વટાણા વાવવાથી ઠંડા પવન સામે રક્ષણ મળશે
  • ખેતરની આસપાસ વિન્ડ બ્લેગ રોપવાથી પવનની ગતિ ઘટે છે અને નુકસાન ઓછું થાય છે
  • ધુમાડો આપવાથી બાગાયતી પાકને નુકસાનથી બચાવી શકાય છે

આ રીતે રાખો પાલતું પશુઓની સંભાળ

  • પશુ-પ્રાણીઓ ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે એ માટે રાત્રિ દરમિયાન રહેઠાણને ચારે બાજુથી ઢાંકી દો
  • ઠંડીના દિવસોમાં ખાસ કરીને નાનાં પ્રાણીઓને ઢાંકો
  • પશુધન અને મરઘાને ખુલ્લામાં ન રાખી ઠંડા હવામાનથી બચાવો
  • પશુધનને ખોરાક આપવાની રીત અને આહારમાં જરૂરી ફેરફાર કરો
  • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો
  • શિયાળા દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળા દરમિયાન ઓછા કિરણોત્સર્ગ ધરાવતા ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો
  • શિયાળા દરમિયાન પશુ-પ્રાણીઓને સૂવા-બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડ પાથરો.
અન્ય સમાચારો પણ છે...