ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા રાજ્યભરમાં કોલ્ડવેવનો નવો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આની અસર તળે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. રવિવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટી ગયું હતું. હવામાન વિભાગે તો ચેતવણી આપી છે કે, આ કોલ્ડવેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે.
8 વર્ષ પછી લાગલગાટ ડિસેમ્બર-જાન્યુઆરી ઠંડાગાર
ગુજરાતમાં 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે સળંગ બે મહિના ઠંડીનું રાજ રહ્યું હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. તે સમયે પણ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જેનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તે સમયે પણ અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.