તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજની રિપોર્ટર:CMOના અધિકારીઓની નીતિન પટેલને ત્યાં પરેડ! તો મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતમાંથી કોણ?

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહત્ત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાછલી ગુજરાત મુલાકાતને લઇને ઘણું વધી રહ્યું છે. નીતિન પટેલ પણ સરકારના ઘણાં વહીવટી કામનો ઉકેલ ઝપાટાભેર લાવી રહ્યા છે. પરંતુ પાછલા સપ્તાહે તેમની કચેરીમાં મુખ્યમંત્રી કાર્યાલયના બે સિનિયર અધિકારીઓ મનોજ દાસ અને અશ્વિની કુમાર બે કલાકની મીટિંગ કરી ગયા. સીએમઓના અધિકારીઓ તેમના ત્યાં બેઠક કરે તેવું લાંબા સમયે થયું છે અને હવે આ વાત નીતિન પટેલના સરકારમાં વધતાં મહત્ત્વ સાથે સરખાવાઇ રહી છે.

ભાજપ પ્રભારી યાદવ મોદીની કેબિનેટમાં મંત્રી બની શકે?
ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ નરેન્દ્ર મોદીની સરકારના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન મંત્રીપદ મેળવશે તેવી અટકળો હાલ ચાલી રહી છે. હવે આ અટકળ સાચી પડે તો ગુજરાત ભાજપના નવા પ્રભારી કોણ બને તેની ચર્ચા જોર પકડી રહી છે. પાટીલને પણ કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાત હતી જેના પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે, પણ તેમને ગુજરાતમાંથી હટાવવાની વાતથી તેમના સમર્થકો નાખુશ હતા, પણ યાદવનું નામ જ્યારથી કેન્દ્રીય મંત્રી પદ માટે આગળ વધ્યું છે ત્યારથી ગુજરાત ભાજપના અમુક નેતાઓમાં આનંદ છવાયો છે.જોકે ગુજરાત ભાજપનું જ એક જૂથ માને છે કે યાદવને પણ ગુજરાતમાંથી હટાવાશે નહીં કારણકે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને યાદવને અહીં જ રખાશે.

મોદીના નવા મંત્રીમંડળમાં ગુજરાતમાંથી કોણ?
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણની વાતો જ્યારથી ચાલુ થઇ છે ત્યારથી ગુજરાતમાંથી હવે કોણ મંત્રી બનશે તે જાણવામાં પણ ઘણાંને રસ છે. એક વાત મુજબ ગુજરાતમાંથી કોઇ ઓબીસી સાંસદને કેન્દ્રમાં મંત્રી તરીકે લઇ જવામાં આવી શકે છે. બનાસકાંઠા સાંસદ પરબત પટેલને તક મળી શકે તેમ છે, કારણ કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં કોઇપણ આંજણા પટેલ ચૌધરી સમાજના નેતાને હાલ હોદ્દો મળેલો નથી. જો આમ થાય તો ભાજપમાં ચૌધરી સમાજના નેતા શંકર ચૌધરી માટે વિચારવાનો સમય આવે. ચૂંટણી હારી ચૂકેલા શંકર ચૌધરી ભાજપમાં લાંબી રેસનો ઘોડો તરીકે ઓળખાય છે, તેથી તેઓ 2022ની ચૂંટણીમાં સીટ બદલીને ચૂંટાઇ આવવા માટે અત્યારથી જ મથી રહ્યા છે.

થીરૂપ્પુગાઝ વયનિવૃત્ત, ફરી પોસ્ટિંગ મળી શકે છે
ગુજરાતના 1991 બેચના આઇએએસ અધિકારી વી થીરૂપ્પુગાઝ 30 જૂનના રોજ વય નિવૃત્ત થયા છે. તેમને હાલ રિટાયરમેન્ટ બાદનું કોઇ પોસ્ટિંગ અપાયું નથી, પરંતુ તેમના ટ્રેક રેકોર્ડ અને વ્યક્તિગત ગુણવત્તાને આધારે કેન્દ્ર સરકાર કોઇ પોસ્ટિંગ આપી શકે તેવું મનાય છે. થીરૂપ્પુગાઝ નરેન્દ્ર મોદીની ગુડબુકના અધિકારી પૈકીના એક છે તેઓએ નેપાલમાં આવેલી પૂર હોનારત વખતે આપત્તિ વ્યવસ્થાપન, પુનર્વસનની કામગીરીમાં ભારત સરકાર તરફથી સહાયક ભૂમિકા ભજવી હતી. તેમના નાના ભાઇ ઇરાઇ અંબુ હાલ તામિલનાડુ સરકારમાં મુખ્યસચિવ તરીકે નિયુક્ત થયા છે. નવી ચૂંટાઇ આવેલી ડીએમકે સરકારે 12 અધિકારીઓને સુપરસીડ કરીને અંબુને મુખ્ય સચિવ બનાવ્યા હતા.

અમિત શાહ રવિવારે IPSની બદલીનો ગંજીફો ચીપશે
રથયાત્રાના આગલા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી જશે અને અહીં આવીને સીધાં જ તેઓ રાજ્યમાં કેટલાંય સમયથી પેન્ડિંગ આઇપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપશે. આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી ચોક્કસ આઇપીએસને ચોક્કસ સ્થાનો પર નિયુક્ત કરવામાં આવશે. આ દરમિયાન માહિતી મળી છે કે અમદાવાદ પોલિસ કમિશનર સંજય શ્રીવાસ્તવને બાદ કરતાં મોટાભાગના અધિકારીઓની બદલી થઇ શકે છે. આ ઉપરાંત જિલ્લા પોલિસ વડાઓની પણ બદલીના હુકમો થશે. જોકે આ હુકમોની બજવણી રથયાત્રા પછી થશે.

પંકજ કુમારના ખાસની પણ મહેસૂલમાંથી બદલી
મહેસૂલ વિભાગમાંથી પંકજ કુમાર ગૃહ સચિવ તરીકે મુકાયા બાદ તેમના ખાસ અને અંગત ગણાતા અધિકારી રિંકેશ પટેલની બદલી પણ થઇ ગઇ છે. રિંકેશ પટેલની ગણના પંકજ કુમારનો પડ્યો બોલ ઝીલનારા અધિકારી તરીકે થાય છે.પંકજ કુમાર જ્યારે મહેસૂલ વિભાગમાં હતા ત્યારે તેઓ લેન્ડ રેકોર્ડ્સના મોનિટરિંગ સેલમાં મહત્ત્વની કામગીરી સંભાળતા હતા અને હવે પંકજ કુમારને બદલે મહેસૂલ વિભાગમાં કમલ દયાણી આવી જતા, પટેલની બદલી ઉદ્યોગ વિભાગના ગ્રીમકોમાં કરાઇ છે. ગ્રીમકો ગરીબ કલ્યાણ મેળાથી માંડીને સામાજિક કલ્યાણ અંગેની સરકારી યોજનાઓમાં સહાયક કીટની ખરીદી કરે છે. ચર્ચા છે કે પટેલનો નવા મહેસૂલ સચિવ દયાણી સાથે તાલમેલ બેસે કે ન બેસે તેવી ગણતરીએ તેમની બદલી કરી દેવાઇ છે.

આમ આદમી પાર્ટીના નિશાન પર સૌરભ પટેલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલ રાજકીય વિકલ્પ તરીકે પ્રસ્થાપિત થવા માટે મહેનત કરી રહી છે અને વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ હાલ સારી એવી મહેનત કરી રહ્યાં છે. જો કે પાર્ટીના સૂત્રો મારફતે જાણવા મળ્યું છે કે તેમના નિશાના પર ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલ છે. સૌરભ પટેલ હાલ બોટાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. જો કે આમ આદમી પાર્ટી આ બેઠક પર સક્ષમ પાટીદાર ઉમેદવાર ઊભો રાખીને તેને જાયન્ટ કીલર તરીકે પ્રસ્થાપિત કરવા માટે સોગઠાં ગોઠવવાની વેતરણમાં છે. શક્ય છે કે પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને તે જગ્યાએ ચૂંટણીમાં ઉતારાય.

પંચમહાલ SPલીના પાટીલે કેસરીસિંહ સામે કાર્યવાહી પહેલાં પ્રદીપસિંહને જણાવ્યું નહીં હોય?
માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જે રિસોર્ટમાં દારૂ-જુગારના કેસમાં પકડાયા તે વખતે પોલીસે બાતમીને આધારે જ ત્યાં દરોડો પાડ્યો હતો. હવે આ બાતમી હોય અને દરોડો પાડવાનો હોય ત્યાં સત્તાધારી પક્ષના ધારાસભ્ય રોકાયેલાં છે તેવી વાત જાણમાં ન હોય તેવું બને નહીં અને આમ હોય તેવાં સંજોગોમાં પોલિસ વડા લીના પાટીલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને અગાઉથી જણાવ્યું નહીં હોય તેવું બને નહીં. જો તેમણે ગૃહમંત્રીને આ અંગે જાણ કરી હોય છતાં દરોડો પાડીને ધારાસભ્યને રંગેહાથ પકડ્યા તો તેવા સંજોગોમાં સરકારે કે પાર્ટીએ પોતાના ધારાસભ્યની આબરૂ બચાવવા માટે કાંઇ કર્યું નહીં તેમ ગણાય. આ તરફ એવી પણ વાત આવી રહી છે, કે ભાજપના જ બે હરીફ જૂથ વચ્ચેની લડાઇમાં જ કેસરીસિંહનો ભોગ લેવાઇ ગયો. હવે આવતી ચૂંટણીમાં કેસરીસિંહને સ્થાને બીજા નેતાને ટિકિટ મળે તેવી ગોઠવણ હોવાની વાત પણ આગળ આવી રહી છે. આ તરફ કેસરીસિંહ જામીન પર મુક્ત થયા બાદ અલગ રીતે પ્રવૃત્ત થઇ ગયા હોવાનું જાણમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...