મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના વિસ્તારમાં કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ હેતુ પોતાના નગરને કોરોના મુક્ત કરવાનો સંકલ્પ લઇ મહામારી સામેની લડતનું નેતૃત્વ કરવા નગરપાલિકા પ્રમુખોને સૂચન કર્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યની ૧૬ર નગરપાલિકાના રિજીયનલ કમિશનરો, પ્રમુખો-ઉપપ્રમુખો અને ચીફ ઓફિસરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી સંવાદ કર્યો હતો.
કોરોનાને હરાવી ઈતિહાસ બનાવીશું
રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના વિવિધ નગરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનસેવાની તક મળી છે ત્યારે પોતાને ભાગ્યશાળી સમજી કોરોના સામેની લડતમાં આગેવાની લેશે તો કોરોનાને હરાવીને આપણે ઇતિહાસ બનાવીશું. સંસાધનોની મર્યાદા વચ્ચે 'વ્યથા નહીં વ્યવસ્થા'ના અભિગમથી નગરપતિઓ સેવાકાર્યની પ્રાથમિકતાઓ નક્કી કરે તે જરૂરી છે. આવડી મોટી મહામારી સામે લડત જનભાગીદારીથી જ જીતી શકાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ફરિયાદી નહીં પણ વ્યવસ્થાપક બનવાનું છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જાન ભી જહાન ભી’ના મંત્ર સાથે જનજીવન ચાલતું રહે અને પ્રજા ભયમુક્ત બને તે આપણી સૌની સામૂહિક જવાબદારી છે. આપણે ફરિયાદી નહીં પરંતુ વ્યવસ્થાપક બનવાનું છે. સામાજિક સંસ્થાઓના સહયોગથી કોરોના રાક્ષસ સામે સેવાનું શસ્ત્ર ઉગામીશુ તો જરૂરથી જીત મળશે .પ્રજામાં કોરોના મહામારી અને તેની સામે લડવાના ઉપાયો વિશે વ્યાપક જાગૃતિ આવે તે માટે આપણે પ્રયાસો કરવા પડશે. માસ્ક, સેનિટાઇઝેશન વેક્સિનેશન, રેમડેસિવિર ઇન્જેક્શન અંગેની ગેરસમજ અને ભીડ એકઠી ન કરવા જેવી બાબતો વિષે લોકોને આપણે વધું જાગૃત કરવા પડશે.
બિનજરૂરી ઘર બહાર ન નીકળો અને વેક્સિન લો
મુખ્યમંત્રીએ કહ્યું કે, સદીમાં એકવાર આવી મહામારી આવતી હોય છે ત્યારે જરૂરી દિશાનિર્દેશોનું પાલન થાય તે જરૂરી છે. લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે, વેક્સિન જરૂરથી લે અને યોગ્ય રીતે માસ્ક પહેરે તે પણ જરૂરી છે. નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ પોતે તો સંક્રમિત થાય છે પરંતુ અન્યને પણ સંક્રમિત કરે છે. રાજ્ય સરકારે નગરોમાં ભીડ એકત્રિત ન થાય તે માટે તમામ રાજકીય- સામાજીક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવ્યા છે. જીમ, મોલ, જાહેર સ્થળોને બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે. મોટા નગરોમાં કોરોના કર્ફ્યુનો અમલ કરાયો છે અને વખતોવખત તે અંગેના જાહેરનામા પણ બહાર પાડ્યા છે.
પૂરતા માસ્ક સહિતના કોરોના સામેના શસ્ત્રો
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગયા વર્ષે આપણી પાસે કોરોના સામેની લડતનો અનુભવ ન હતો. શરૂઆતમાં પરિસ્થિતિ એવી હતી કે માસ્કનું ઉત્પાદન પણ પુરતું ન હતું. જ્યારે આ વર્ષે આપણી પાસે પૂરતા માસ્ક, વેન્ટિલેટર, ઓક્સિજનનો જથ્થો, પથારીઓ, વેક્સિન અને એક વર્ષનો અનુભવ જેવા કોરોના સામેના યથાર્થ શસ્ત્રો છે.
તકેદારીથી કોરોનાને નિયંત્રિત કરી શકીશું
મુખ્યમંત્રીએ કહ્યું કે, હાલ કોરોનાની વધુ વ્યાપક અને તીવ્ર એવી બીજી લહેરનો આપણે સામનો કરી રહ્યા છીએ ત્યારે આવશ્યક તમામ તકેદારી અને નિયમોના પાલનથી જ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિત કરી શકીશું.
અશ્નિનીકુમારે આંકડાકીય વિગતો સાથે પ્રેઝન્ટેશન આપ્યું
બેઠકની શરૂઆતમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્યમાં કોરોના સંક્રમણ અને આરોગ્ય માળખાની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત આંકડાકીય વિગતો આપતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની દેશના અન્ય રાજ્યની સાપેક્ષે કોરોના સંક્રમણ સ્થિતિનું તુલનાત્મક વિશ્લેષણ, ગુજરાતમાં કોરોના કેસ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ, હોસ્પિટલમાં બેડની સુવિધા, વેન્ટિલેટર-ઓક્સિજનની ઉપલબ્ધતા, રેમડેસિવિર ઇંજેક્શન, જરૂરી દવાઓ અને વેક્સિનેશનની ટકાવારી, દર્દીઓનો રિક્વરી રેટ અને કોરોના નિયંત્રણ માટેનું ભાવી આયોજન સહિતની તમામ માહિતી નગરપાલિકાના પાદાધિકારીઓ અને અધિકારીઓને આપી હતી.
ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, હાઉસિંગ વિભાગના સચિવ લોચન શહેરા, GUDMના MDરાજકુમાર બેનિવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. કમલ શાહ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાઇને જરૂરી સૂચનો કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.