મોર્નિંગ બ્રીફ:ગુજરાતમાં કોરોના કાબૂમાં, 82 દિવસ બાદએક હજારથી ઓછા કેસ નોઁધાયા, વડતાલ કોવિડ કેર સેન્ટરના ઓક્સિજન પ્લાન્ટનું CM રૂપાણી ઈ-લોકાર્પણ કરશે

5 મહિનો પહેલા

નમસ્કાર!
ગુજરાત માટે કોરોના સામે રાહતના સમાચાર છે. રાજ્યમાં 82 દિવસ બાદ કોરોના કેસ ઘટીને 1 હજારથી ઓછા નોંધાયા છે. કુલ 996 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે લોકો ઓક્સિજન લેવલ ઘટવાને પગલે ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. ત્યારે ઈન્ડો-અમેરિકન સોસાયટી સ્ક્રેન્ટન- અમેરિકાના સૌજન્યથી વડતાલના કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈ-લોકાર્પણ કરશે. ઉપરાંત કેન્યાના હરિકૃષ્ણ પટેલ પરિવાર તરફથી વડતાલધામમાં 1500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેને અનાથાશ્રમ અને વૃ્દ્ધાશ્રમમાં વહેંચાશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ--
ડોલર730.08

સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામ

રૂ. 50500200

આ 2 ઘટનાઓ પર રહેશે નજર
1) મુખ્યમંત્રી વિજય રૂપાણી વડતાલના કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરશે
2) ખેડાના વડતાલધામ ખાતે દેવને 1500 કિલોગ્રામ કેરીનો અન્નકૂટ ધરાવાશે

હવે જોઈએ ગઈકાલના 7 ખાસ સમાચાર
1) ગુજરાતમાં 82 દિવસ બાદ કોરોનાના કેસ ઘટીને પહેલીવાર 1 હજારથી નીચે, 996 નવા કેસ, બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 15 થયો

કોરોના મહામારી ગુજરાત ઉગરી રહ્યું છે અને સતત એક મહિનાથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. 16 માર્ચ બાદ 82 દિવસ પછી પહેલીવાર એક હજારથી ઓછા 996 નવા કેસ નોધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ 3 હજાર 398 દર્દી થયા છે. દૈનિક મૃત્યુઆંક 15 થયો છે. અગાઉ 62 દિવસ પહેલા 5 એપ્રિલે 15 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં હાલ 22 હજાર 110 એક્ટિવ કેસ છે, જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 19 હજાર 705 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં સતત 32મા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 96.32 ટકા થયો છે. રાજ્યમાં હવે અમદાવાદ અને વડોદરા શહેરમાં જ ત્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) સોમવારથી ફરી એકવાર ગુજરાતમાં સ્કૂલ-કોલેજોનું ઓનલાઇન શિક્ષણ શરૂ થશે, યુનિવર્સિટીઓ માટે એકેડેમિક કેલેન્ડર જાહેર
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું છે. હાલમાં શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કેલેન્ડર મુજબ, UG સેમ 3 અને 5 તથા PG સેમ 3 માટે 7 જૂનથી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી વેકેશન રહેશે, સાથે જ ગુજરાતની તમામ સ્કૂલોમાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થશે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે સોમવારથી શરુ થશે, સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી બસો દોડશે
કોરોનાના કારણે અમદાવાદમાં માર્ચથી AMCએ AMTS અને BRTS બસો બંધ કરી હતી. ત્યારે AMCના સત્તાધીશોએ સોમવારથી AMTS અને BRTS બસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે નિયમો સાથે 50 ટકા કેપેસિટી સાથે દોડાવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શહેરમાં સિટી બસ સેવા 18 માર્ચે બંધ કરવામાં આવી હતી. જે હવે સોમવારે 7 જૂનથી શરૂ કરવામાં આવશે. શહેરમાં નાગરીકોના પરિવહન અર્થે ગાઈડ લાઈન પ્રમાણે 50 ટકા કેપેસિટી સાથે 50 ટકા બસો દોડશે. હવે કોરોના કાબુમાં આવતા અને સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કરતાં ત્રણ મહિનાથી બંધ સિટી બસ સેવાને ફરી શરૂ કરવા માટે શહેરીજનો માંગ કરી રહ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

4) દેશમાં પ્રથમ વડોદરામાં 119 શાળાઓના 66 બિલ્ડીંગમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, 1.50 કરોડ લિટર પાણીનો જમીનમાં સંગ્રહ થશે
દેશમાં પ્રથમ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 119 શાળાઓની 66 બિલ્ડીંગોમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમથી ચોમાસામાં 1.50 કરોડ લિટર પાણીનો જમીનમાં સંગ્રહ કરી શકાશે. આ પ્રોજેક્ટ પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રૂપિયા 80 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતી ડેપ્યુટી સેક્શન ઓફિસર યુવતીને ભાડાં પર ગાડીઓ મૂકવાનું કહી વલસાડનો શખસ 4 કાર લઈ છૂ થઈ ગયો
ગાંધીનગરનાં સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય યુવતી સાથે વિશ્વાસ સંપાદન કરીને હજીરા પોર્ટ પર ભાડા પર ગાડીદીઠ રોજના રૂ.3800 ચૂકવવાની લાલચ આપી વલસાડ-વાપીનો શખસ રૂ. 26.25 લાખની ચાર ગાડી લઈને છૂ થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. નોકરીમાં વધુ કમાણી થતી નથી. જો તમે મને ગાડીઓ ભાડે આપો તો એને હજીરા પોર્ટ પર ભાડે મૂકીને બન્નેને આર્થિક ફાયદો મળશે. એવો સંજયે વિશ્વાસ આપતાં રિદ્ધિએ તેમના ઓળખીતા ભરત દેસાઈની સ્વિફ્ટ, કનુભાઈ સોલંકીની બલેનોર, બાબુભાઈ જાદવની રેનોલટતેમજ નિકિન પટેલની ઇનોવા કાર સંજય પટેલને ભાડે મૂકવા માટે આપી હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) CBSEના મોડલના આધારે જ GSEBનું ધોરણ 12નું પરિણામ તૈયાર કરાશે, ધોરણ 10ના રિઝલ્ટને પાયો બનાવી 100 માર્ક્સનું એસેસમેન્ટ થશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે. એની સાથે શાળામાં લેવાયેલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, અર્ધવાર્ષિક ટેસ્ટ કે મિડ ટર્મ અને બાદમાં ફાઈનલ ટર્મ ટેસ્ટ આ તમામનાં પર્ફોર્મન્સના ગુણોનું 100 માર્ક્સનું એક ટેબલ તૈયાર કરાશે, જેમાં દરેક ટેસ્ટ માટે મેળવેલા માર્ક્સ સામે ચોકકસ માર્ક્સ આ ટેબલમાં મુકાશે.
વાંચો સમાચાર વિગતવાર

7) STના કર્મચારીઓને પહેલો ડોઝ આપીને સરકાર ભૂલી ગઈ? ડેડલાઈન જતી રહી છતાં બીજા ડોઝ નથી મળ્યો, ઓનલાઈન સ્લોટ મળતા નથી
રાજ્યભરમાં વેક્સિન અભિયાનની શરૂઆતમાં જ એસ.ટી ડેપો પરના કર્મચારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 50 ટકા કર્મચારીઓએ તેનો લાભ લઈને વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જે દરમિયાન તેઓને માત્ર સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાતી હતી. જેથી જાહેર સેવામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ઝડપી વેક્સિન આપી શકાય. પરંતુ હવે તેઓને બીજો ડોઝ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને એમાં પણ જ્યાં સુધી સ્લોટ ન મળે ત્યાં સીધું વેક્સિન માટે રાહ જોવી પડે છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...