મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:મુખ્યમંત્રીનો દિલ્હીમાં રોડ શો, PM રિપોર્ટમાં ખુલાસો-વડોદરામાં યુવતી સાથે રેપ થયો હતો, ભાજપના શક્તિપ્રદર્શનમાં અડધું સુરત અટવાયું

5 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 25 નવેમ્બર, કારતક વદ-પાંચમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વાઈબ્રન્ટ સમિટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દિલ્હીમાં રોડ શો
2) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરીવાર માવઠાંની આગાહી
3) આજથી અંબાજી-વઘઈ સહિતની 16 ચેકપોસ્ટ બંધ થઈ જશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ભાજપનું સ્નેહમિલન: ભાજપના શક્તિપ્રદર્શનમાં અડધું સુરત અટવાયું, મુખ્યમંત્રીએ કાર્યકરોને કહ્યું-ગાંધીનગર આવો, તમારો વટ પાડી દઈશ
કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનો આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે. જ્યારે કેન્દ્ર ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે. ભાજપની બાઈક રેલીને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરા ગેંગરેપ:PM રિપોર્ટ આવ્યો, રેલવે SPએ કબૂલ્યું-‘યુવતીના હાથ-પગ-સાથળના ભાગે ઈજાનાં નિશાનો, ગેંગરેપ થયો
નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં 21 દિવસ બાદ પણ નરાધમો પકડાયા નથી. આજે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 'યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાનાં નિશાનો જોવા મળ્યાં છે'.

વાંચો સમાચાર વિગતવાર

3) એક્સક્લૂઝિવ:52 વર્ષ બાદ ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 થશે, 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 26થી વધી 44એ પહોંચશે
ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થવાની શક્યતા છે. ચૂંટણીપંચનાં સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 બેઠક વધીને 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થવાનો અંદાજ છે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં અને લોકસભા 2029ની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

4) ગરીબોને ફ્રીમાં રાશન મળતું રહેશે, કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવી, ત્રણે કૃષિ કાયદાને રદ કરવાની પણ મંજૂરી મળી
કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 મહિના સુધી લંબાવવાની મંજૂરી આપી છે. આ અંતર્ગત ગરીબોને ફ્રીમાં રાશન વહેંચવામાં આવી રહ્યું છે. કોરોના દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવી હતી. આજે કેબિનેટે એને આગળ ચાલુ રાખવાનું એપ્રૂવલ આપ્યું છે. બીજી તરફ, વધુ એક નિર્ણયમાં કેબિનેટે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસ પહેલાં 19 નવેમ્બરે ગુરુ પર્વના દિવસે આ ત્રણ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. કેબિનેટની મંજૂરી પછી કાયદો પરત લેવાના પ્રસ્તાવને સંસદના શિયાળુ સત્રમાં બંને સદનોમાં પસાર કરવામાં આવશે. એ પછી ખેડૂત આંદોલનનું કારણ બનેલા ત્રણે કૃષિ કાયદાઓ સમાપ્ત થઈ જશે.

વાંચો સમાચાર વિગતવાર

5) કૃષિ કાયદાને પરત લેવા અંગે મંજૂરી, કેબિનેટે ત્રણેય કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી, વડાપ્રધાન મોદીએ પાંચ દિવસ પહેલા જાહેરાત કરી હતી
કેન્દ્રીય કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસ પહેલા (19 નવેમ્બરે) ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. હવે કેબિનેટમાં મંજૂરી મળ્યા બાદ કાયદા રદ કરવાનાપ્રસ્તાવને સંસદના શિયાળુસત્રમાં બંને ગૃહમાં પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ ખેડૂત આંદોલનનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદા નાબૂદ થશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આ કાયદા ખેડૂતોના હિતમાં સારા ઉદ્દેશ્ય સાથે લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. વડાપ્રધાને કહ્યું હતું કે આગાની સંસદના સત્રમાં કાયદાને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જ્યારે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સંસદ સત્ર શરૂ થયા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

6) ત્રીજી લહેરનો ભય નથી:AIIMSના ડાયરેક્ટર ડો.ગુલેરિયાએ કહ્યું- પ્રથમ બે લહેર જેવી ત્રીજી લહેર ઘાતક નહીં હોય, ભારતમાં હાલમાં બૂસ્ટર ડોઝની જરૂર નથી
દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર હવે ઘણી હદ સુધી ઘટી ગયો છે, પણ ત્રીજી લહેરની શક્યતા યથાવત્ છે. વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન AIIMS(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોવિડની પહેલી બે લહેરમાં જે અસર થઈ હતી એની સરખામણીએ ત્રીજી લહેરમાં આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ રસીના ત્રીજા બૂસ્ટરની કોઈ જરૂરિયાત નથી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતમાં ભરતીની સીઝન: LRD, PSI, બિન સચિવાલય, GPSCમાં મળીને કુલ 16 હજાર જેટલી જગ્યાઓ માટે 24 લાખ ઉમેદવારો મેદાનમાં 2) ટ્રાફિક-પોલીસનો મોટો નિર્ણય: ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારમાં સપડાયેલા અમદાવાદના 700 TRB જવાનોને છૂટા કરી દેવાયા, નવા જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ 3) ગોધરામાં ધર્માંતરણ?: ખ્રિસ્તી ધર્મના 12 લોકો હિન્દુઓનું ધર્માંતરણ કરાવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો હોબાળો, મકાન માલિકે કહ્યું: 'બર્થ ડે પાર્ટીમાં મિત્રોને બોલાવ્યા હતા' 4) હવે યુનિફોર્મ લેવા લાઇન: સ્કૂલો શરૂ થતાં જ રાજકોટમાં યુનિફોર્મ લેવા પડાપડી, વિદ્યાર્થીઓએ કહ્યું- લાઈનમાં બે કલાકે વારો આવે છે 5) 18 વર્ષ ધારાસભ્ય રહેલા અને શિક્ષક બાવળિયાએ જ સ્વીકાર્યું કે પોતાના મત વિસ્તારમાં ઓછું શિક્ષણ અને અંધશ્રદ્ધાને કારણે વેક્સિનેશન ઓછું 6) UPમાં રાજકીય સમીકરણો, સ.પા. અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- 'આપ' અને અન્ય નાના રાજકીય પક્ષો સાથે જોડાણ કરવા તૈયાર, ઓવૈસી સાથે ગઠબંધનનો ઈન્કાર 7) ગૌતમ ગંભીરને મળી ધમકી, ISIS કાશ્મીર નામના આતંકી સંગઠને પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદને જાનથી મારી નાખવાની ધમકી આપી, સુરક્ષામાં વધારો કરાયો

આજનો ઈતિહાસ
વર્ષ 1866માં આજના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

​​​​​​​અને આજનો સુવિચાર
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...