તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો નિર્ણય:બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ બંધ કરવા મુખ્યમંત્રીનો આદેશ, ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બાયોડીઝલના નામે ભળતા પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમિત ધોરણે સમીક્ષા
  • ભળતાં બાયોડીઝલના વેચાણની સમીક્ષા અને દેખરેખ રખાશે
  • મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ કમિટિની રચના કરાશે
  • બાયોડીઝલનું વેચાણ રિટેઇલ આઉટ લેટ મારફતે થઇ શકશે નહીં
  • ઓઇલ માર્કેટિંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડિંગ કરી વેચાણ કરી શકશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં બાયોડીઝલના નામે વેચવામાં આવતા ભળતા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમણે આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરૂદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. રાજ્યમાં બાયોડીઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિજય રૂપાણીએ આ સુચનાઓ આપી હતી.

બાયોડીઝલના નામે વેચાણની ફરિયાદો મળી
બાયોડીઝલના નામે ભળતા પદાર્થો વેચાવાની મળેલી વ્યાપક ફરિયાદોને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ પાસાંઓ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને આ બેઠકમાં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા. રાજ્યમાં બાયોડીઝલના નામે ભળતા પદાર્થો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સ્ટેટ લેવલ કમિટિ SLCની રચના કરીને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ, નાણા વિભાગ, પૂરવઠા વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારની આવકને નુકસાન
આ કમિટિ નિયમિત ધોરણે આ બાબતોની સમીક્ષા દેખરેખ રાખે તેવી સૂચના પણ મુખ્યમંત્રીએ બેઠકમાં આપી હતી. બાયોડીઝલના નામે અનઅધિકૃત પદાર્થોનું વેચાણ એ રાજ્ય સરકારની આવકને નુકસાન કરવા સાથે વાહનચાલકોના વાહનોના એન્જિન તેમજ પર્યાવરણને પણ નુકસાનકર્તા હોવાથી આવા પદાર્થોનું અનઅધિકૃત વેચાણ બંધ કરાવવા સંબંધિત અધિકારીઓને આકરા પગલાં લેવા પણ બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.

ભારત સરકારની નીતિનું માર્ગદર્શન અપાયું
મુખ્યમંત્રીએ આવા બાયોડીઝલના નામે ભળતા સોલવંટ, પેટ્રોલિયમ પદાર્થો વગેરેની થતી આયાતને પણ સદંતર અટકાવવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ભારત સરકારની બાયોડીઝલ નીતિને રાજ્યમાં કયા સ્વરૂપે સ્વીકારવી તથા અમલીકરણ કરવું તે સંદર્ભમાં જરૂરી ચર્ચા-વિચારણાઓ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલ બાયોડીઝલની નહીંવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના છૂટક વેચાણને કે રિટેઇલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવામાં આવી નથી.

બાયોડીઝલ રિટેઈલ આઉટલેટથી વેચાણ નહીં કરી શકાય
આ સંજોગોમાં બાયોડીઝલનું વેચાણ રિટેઇલ આઉટલેટ મારફતે કરી શકાશે નહીં, ફકત ઓઇલ માર્કેટિંગ કંપની બાયોડીઝલ ખરીદીને સોર્સ પર બ્લેન્ડિંગ કરીને વેચાણ કરી શકશે. ઓઇલ માર્કેટીંગ કંપની સિવાયનું તમામ વેચાણ ગેરકાયદેસર ગણાશે એવું સ્પષ્ટપણે બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. બાયોડીઝલને હાઇસ્પીડ ડીઝલમાં નિયત માત્રામાં મિક્ષ / બ્લેન્ડિંગ કરીને ઉપયોગ કરવાની ભારત સરકારની નીતિ છે. આના પરિણામે પેટ્રોલિયમ ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટશે. તેમજ પેટ્રોલિયમ પેદાશો પર થતાં વિદેશી હૂંડિયામણમાં પણ ઘટાડો થશે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા પરામર્શ હાથ ધરવામાં આવ્યો હતો.

ઓઈલ કંપનીઓ હાઈસ્પીડ ડીઝલમાં મિશ્રણ કરી ઔદ્યોગિક હેતુથી વેચાણ
શુદ્ધ બાયોડીઝલનું ઉત્પાદન જેટ્રોફા, કરંજતેલ, બળેલા તેલ વગેરેમાંથી મિથાઇલ અથવા ઇથાઇલ એસ્ટરના મિશ્રણથી થતું હોય છે. આવું શુદ્ધ બાયોડીઝલ બનાવતા MSME સહિતના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને પણ પૂરક આવક મળી રહે તેવા હેતુથી આવા ઉત્પાદકો-ઊદ્યોગ સાહસિકોને GPCBની તેમજ અન્ય નિયત મંજૂરીઓ મેળવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાઇસ્પીડ ડીઝલ સાથે મિશ્રણ કરવા અને ઔદ્યોગિક હેતુ માટે વેચાણ કરી શકે તે સંદર્ભની સૂચનાઓ-માર્ગદર્શિકા આગામી દિવસોમાં જાહેર કરવા અંગે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં પરામર્શ થયો હતો. આવા ઉત્પાદન અને વેચાણની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. આ અંગે ઉત્પાદન અને વેચાણની વિગતોના યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવવાના રહેશે એ બાબતે પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીની હાજરીમાં મંત્રીઓ, સચિવો અને ડીજીપી જોડાયા
બાયોડીઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા, ચીફ કમિશ્નર (જી.એસ.ટી) જે.પી.ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, પૂરવઠા સચિવ મોહમ્મદ શાહિદ, નાણાં સચિવ મિલિંદ તોરવણે, ઓઈલ માર્કેટિંગ કંપનીના સ્ટેટ લેવલ કો-ઓર્ડિનેટર અન્ના દુરાઈ, સહિતના વિવિધ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.